સુરત: સુરત (Surat) શહેરની નર્મદ યુનિ. (VNSGU) એ પોતાનો વહિવટ સતત અપડેટ (Update) કરી ટેકનોલોજી (technology)નો મહત્તમ ઉપયોગ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં યુનિ. દ્વારા હવેથી પરીક્ષાના પ્રશ્નપત્રો ઓનલાઈન (online question paper) મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત શહેરની નર્મદ યુનિ.ખાતે આજે નવી ટર્મની પહેલી સિન્ડિકેટ બેઠક (syndicate meeting) મળી હતી. આ બેઠકમાં ઢગલોબંધ કામો હોવાથી મોડીરાત સુધી મેરથોન મીટિંગ ચાલી હતી. સિન્ડિકેટ સભ્ય ડો.કશ્યપ ખરચીયાએ બેઠકના નિર્ણયો અંગે જણાવ્યું હતું કે, યુનિ.એ હવે પરીક્ષાલક્ષી કામગીરીમાં હાઇટેક પ્રયોગ અજમાવવા નિર્ણય કર્યો છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.જે રીતે સમસ્ત ગુજરાતભરની સેંકડો કોલેજોમાં પરીક્ષાના સમય પહેલા એક કલાક આગળ ઓનલાઇન પેપર મોકલે છે તે સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતભરની કોલેજો માટે પણ અપનાવાશે. દરેક કોલેજને પરીક્ષાના એક કલાક કે નિયત કરેલી મુદત વહેલા પેપર ઓનલાઇન મોકલાશે. આ પેપર ઓનલાઇન જશે. તેમાં કોલેજના પ્રિન્સીપાલ સહિત યુનિ.ના નિરીક્ષક અને કોલેજના આંતરિક નિરીક્ષકની હાજરીમાં તેમની ફેસઆઇડી સાથે પેપર મળશે. આ સિસ્ટમ ફુલપ્રુફ અને ગોપીનીયતામાં પણ અવવ્લ છે.
યુનિ. પરીક્ષાલક્ષી કામગીરી માટે સબસેન્ટર બનાવશે, જેથી પરિવહન વ્યવસ્થા સુગમ બનશે
યુનિ.ખાતે મળેલી સિન્ડિકેટ બેઠકમાં દક્ષિણ ગુજરાતભરની કોલેજોમાં ચાલુ પરીક્ષાએ કે પરીક્ષાના આગલા દિવસે સુરતથી ગાડી દોડાવવાની કડાકૂટનો વિકલ્પ શોધી કઢાયો છે. સિન્ડિકેટ સભ્ય ડો.કશ્યપ ખરચીયાએ કહ્યું હતું કે, પહેલા પરીક્ષા વખતે કોઇપણ કામ હોય, જેમ કે પરીક્ષાલક્ષી સાહિત્ય ઉતરવહી, પૂરવણી, સ્ટીકર દોરી સહિતની સાધનસાગ્રીઓ મોકલવા માટે સુરતથી ઠેકઠકાણે ગાડી દોડાવવી પડતી હતી. જેને કારણે સમય અને રૂપિયાનો પુષ્કળ બગાડ થતો હતો. ભૂતકાળમાં યુનિ.માં પરીક્ષા દરમિયાન વપરાતા વાહનોનું પણ કૌભાંડ પકડાયું હતું. યુનિ.ની નવી સિન્ડિકેટ બોડીએ હવેથી આ માટે સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં પાંચેક સબસેન્ટર બનાવવા વિચારણા કરી છે. આ સેન્ટર ઉપરથી નજીકના જિલ્લા કે તાલુકા કે ગામની કોલેજો સુધી પરીક્ષાલક્ષી સામગ્રી પહોચાડવામાં આવશે. આ નવી સબસેન્ટરની વ્યવસ્થાથી પરીક્ષા જેવી કટોકટ સ્થિતિમાં પરિવહન સરળ બનવા સાથે રૂપિયાની પણ બચત થશે.
યુજીસીના નિયમો મુજબ પાંચ એકર જગ્યા હોય તો જ નવી કોલેજ મળશે
સિન્ડિકેટની બેઠકમાં ખાનગી કોલેજોના જોડાણને લઇને પણ અનેક સવાલો ઉભા થયા હતા. કોલેજોની પરવાગની માટે યુનિ. યુજીસીના નિયમોની સાંકળ તોડી નાંખે તેવી કોશિષ થઇ હતી. પરંતુ એકાદ બે લોકોને ફાયદો કરાવવાથી લાંબે ગાળે સમગ્ર શિક્ષણની ગુણવત્તા ઉપર અસર પડે તેવી હાલત હતી. જેથી યુનિ.એ નવી કોલેજોના મામલે યુજીસીએ જે પાંચ એકર જગ્યા ફરજીયાત ઠરાવી છે તે યથાવત રાખી તેનો કડક અમલ કરાવવા જૂના ઠરાવને વળગી રહેવા નિર્ણય કર્યો છે.