અમદાવાદ : નશાખોરી માટે વપરાતા સાધનો ખુલ્લેઆમ જીએસટી (GST) બિલ (Bill) સાથે ઓનલાઈન (Online) મળી રહ્યાં છે. આ સાધનોને ગુજરાત (Gujarat) સહિત સમગ્ર દેશમાં વપરાશ અને વેચાણ માટે પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માગણી કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવી છે. ઓનલાઈન નશાખોરી માટે વપરાતા સાધનો ઓર્ડર (Order) આપી તેના પુરાવા મુખ્યમંત્રીને આપવામાં આવ્યાં છે.
પ્રદેશ કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, યુવા પેઢીને નશો કરતી રોકવામાં આવે તે માટે નશાખોરી માટે વપરાતા સાધનો જે ખુલ્લેઆમ ઓનલાઇન જીએસટી બિલ સાથે મળી રહ્યાં છે. આ સાધનોના વેચાણ ઉપર તાત્કાલિક પ્રતિબંધિત કરવામાં આવે, અને યુવા પેઢીને નશાખોરીના દૂષણમાંથી બહાર કાઢવામાં આવે.
હેમાંગ રાવલેને વધુમાં કહ્યું હતું કે ડ્રગ્સ લેવામાં વપરાતા ગોગો સાધનો ઓનલાઈન ખુલ્લેઆમ મળી રહ્યાં છે. તેના પુરાવા માટે ઓનલાઇન કંપની દ્વારા ડ્રગ્સ લેવામાં વપરાતા ગોગો સાધનને ઓર્ડર કરી ઓનલાઇન સેલિંગ એપ દ્વારા પ્રીપેડ ઓર્ડર કરવામાં આવ્યો છે, આ ઓર્ડર નંબર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પુરાવા રૂપે આપવામાં આવ્યો છે.
નાર્કોટિક્સ-ડ્રગ્સના કેસમાં ગુજરાત પ્રથમ નંબરે પહોંચ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606,41,84,847 રૂપિયાના નશીલા પદાર્થો પકડવામાં આવ્યા છે. આ ગુનામાં 4,046 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. રાજ્યમાં ભાજપ સરકારે નાર્કોટિક્સ અને ડ્રગ્સ સંબંધી ગુનાઓમાં ગુજરાતને દેશના પ્રથમ નંબરે પહોંચાડી દીધો હોવાનો પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુલ 606,41,84,847 રૂપિયાના નશીલા પદાર્થો પકડવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા 4,046 આરોપીઓની ધરપકડ કરવાની હજી બાકી છે. સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી પણ તાજેતરમાં જ ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુનાં મૃત્યું થયા છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ સુધી સિમીત હોય એવું આંકડા દર્શાવી રહ્યાં છે. છેલ્લા 2 વર્ષમાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ ઝડપાયો છે. એ પ્રમાણે દરરોજ સરેરાશ રૂ. ૨૯ લાખનો દારૂ ઝડપાઇ છે. રાજ્યમાં રોજનો ડ્રગ્સનો 8 કરોડ કારોબાર છે. જેમાં ચરસ-ગાંજો 3 કરોડ અને 5 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સામેલ છે.
ડો. મનીષ દોશીએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાતને જો સમૃદ્ધ અને વિકસીત રાજ્ય અને આવનારા દિવસોમાં ગુજરાતની પેઢીને સમૃદ્ધ બનાવવી હશે તો ગુજરાતમાં ડ્રગ્સનું જે નેટવર્ક વધતું જઈ રહ્યું છે. તેની સામે તાત્કાલિક કડક અંકુશ આવે એ માટેની કાર્યવાહી કરવામાં આવે, એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે. ગુજરાતમાં એવા તો કોણ લોકો છે કે, જેમના ડ્રગ્સના કનેક્શન તાલિબાન સાથે જોડાયેલા છે ? તેની પણ તપાસ થવી જોઈએ.