એક કલ્પના કરો. એક નદી અને તેના ઉપર એક પુલ. એ પુલ ઉપર બીજી નદી અને એ નદી ઉપર બીજો પુલ. નદી ઉપર પુલ અને પુલ ઉપર નદી એવા અગિયારેક પુલ ને દસેક નદીનું ચિત્ર તમારા મનમાં ઊભું કરો. આપણું જીવન આ અગિયાર નદી ઉપર દસ પુલ જેવું છે. જિંદગી એકીસાથે સંખ્યાબંધ સ્તર પર વહે છે. મન ચંચળ છે એટલે કે, આ દુનિયા હૈયું ભરાઈ જાય એટલી આકર્ષક છે એટલે, જીવન આમ સમાંતર સ્તરોમાં વહેતું હશે? એ તો જે હોય તે. આપણે તો એટલું યાદ રાખવાનું કે જીવન પર એક સાથે અનેક તકાદાઓ આવતા હોય છે. જે તકાદાનું દેણું જલદી ચૂકવવાનું મન થાય તેનો ચોપડો હાથમાં લઈ એનું ખાતું તરત બંધ કરવું જોઈએ એમ મને લાગે છે.”
‘તાણનું સંગીત’ નામે વાડીલાલ ડગલીએ લખેલા લેખની આ શરૂઆત છે. ડૉ. શિવપ્રસાદ ત્રિવેદી લિખિત ‘સ્ટ્રોસ’ પુસ્તકમાં આ લેખ પ્રસ્તાવના તરીકે લેવામાં આવ્યો છે. તેમાં વાડીલાલ ડગલી જીવનનાં કેટલાં સ્તર અંગે ‘અગિયાર નદી અને દસ પુલ’ની કલ્પના કરે છે; અને એ રીતે વ્યક્તિના માનસિક તાણ એટલે કે સ્ટ્રેસની સમજૂતી આપે છે. સાથે સાથે તાણનું સંગીત વાચક અનુભવી શકે તે હદે શબ્દોમાં ઉતારે છે. વાડીલાલ ડગલી તેમના નિબંધસંગ્રહ ‘શિયાળાની સવારનો તડકો’થી જાણીતા છે પણ તે સિવાય ‘થોડા નોખા જીવ’નામે ચરિત્રનિબંધો પણ આપ્યા. ઉપરાંત, ગુજરાતી ભાષામાં થયેલું પરિચય-પુસ્તિકાનાં કાર્યોમાં પણ તે પાયાની ભૂમિકામાં હતા. અંગ્રેજી ભાષામાં પણ તેમણે અર્થશાસ્ત્ર વિષયમાં નોંધપાત્ર સંપાદનો આપ્યાં છે.‘તાણનું સંગીત’માં તેઓ આગળ તેના દાખલા આપીને ફિલસૂફી રજૂ કરે છે : “કિનારો છોડ્યો અને પાણીમાં ઝંપલાવ્યું એટલે કામ પતતું જવાનું. મેં અત્યાર સુધીના મારા જીવનના મોટા ભાગનો સમય વર્તમાનપત્રોમાં ગાળ્યો છે એટલે કામની ધમાલમાં નવાં કામ ઊભાં કરવાની મને આદત પડી ગઈ છે. તાણ તો લગભગ ચોવીસે કલાક હોય પણ એ તાણ દરમિયાન કામ પતાવતા જઈએ એટલે તાણમાંથી સંગીત સર્જાય છે. એ પછી આજુબાજુની દુનિયા વીસરાઈ જાય છે. માત્ર તાણનું સંગીત સંભળાય છે. આ દુનિયાની એક વિશેષતા એ છે કે એકીસાથે ચારપાંચ કામો આપણી તરફ ધસી આવે છે. બધાં જ ઉપયોગી કામ છે. કયું પહેલું હાથમાં લેવું અને કયું છોડી દેવું? આમ તો બધાં જ કામ અગત્યનાં લાગે છે પણ કામ તો એક સમયે એક જ કરી શકાય છે. આથી જે કામ છોડી દીધું એના ભણી મન તણાય છે પણ શરીર તો એક જ કામ હાથમાં લઈ શકે છે. આ મૂંઝવણને મેં એક વાર આમ ગાઈ નાખેલી: ‘મન તો મારું માળવે બેઠું, દેહ ઝૂરે ગુજરાત’. આમ, મન માળવે જઈને બેઠું હોય અને શરીર ગુજરાતમાં રહી ગયું હોય તો તાણ ન સર્જાય તો બીજું શું થાય?
એવો એક મત છે કે શાંતિથી, નિરાંતથી જીવન જીવવું જોઈએ અને નકામી તાણ ટાળવી જોઈએ. મનને શાંતિ ન હોય તો કામ કર્યે શો ફાયદો? નિરાંત વગરનું જીવન પ્રવૃત્તિમય જીવન હોય તો પણ એમાં કોઈ ફાયદો નથી. જિંદગીના કેન્દ્રમાં શાંતિ ન હોય અને માત્ર ઉધામા હોય તો જીવન દિશાદોર વિનાના વંટોળિયા જેવું બની જાય છે.”
અત્યાર સુધી તાણનો જે ઉલ્લેખ વાડીલાલ ડગલી કરે છે તેનાથી તો આજે સરેરાશ શહેરી વર્ગ પરિચિત છે અને તેમાં વજૂદ છે પણ તેમાં તેમને ‘મુડદાની વાસ આવે છે’ તેમ કહીને પૂરી વાત મૂકે છે : “આ દલીલમાં થોડું વજૂદ છે પણ એમાં મને મુડદાની વાસ આવે છે. મને એવો ભય છે કે આવી નિરાંતની શાંતિ સરવાળે, કદાચ સ્મશાનની શાંતિ થઈ જાય. નિરાંતનું પણ દુ:ખ જેવુંતેવું નથી. કોઈ કળાકાર, કોઈ ભક્ત કે કોઈ સમાજસેવક નિરાંતનો સદુપયોગ કરતો હશે પણ મારો એવો અનુભવ છે કે નિરાંતનો ઉપયોગ મોટા ભાગે ગામગપાટા અને વંધ્ય આનંદમાં થતો હોય છે. કલાકો સુધી ક્લબમાં બેસી રહેવું, મોડી રાત સુધી પાનાં રમ્યા કરવાં એ કરતાં કોઈ કામની તાણ તમને આકર્ષક નથી લાગતી? મને એમ લાગે છે કે સામાન્ય માણસ માટે ખૂબ નિરાંત મન પર ભારરૂપ થઈ જાય છે. મેં એવું જોયું છે કે આવા સજ્જનો પોતાની પત્ની અને બાળકો સાથે સમય પસાર કરવાના નિર્દોષ આનંદ કરતાં પાનાં રમવાનું વધારે પસંદ કરે છે. જેને ખૂબ નિરાંત છે એને પોતાનું ઘર પણ ખાવા ધાય છે.”
“મારું એવું માનવું છે કે તાણવાળા જીવનમાં જ ચેતના મોરી ઊઠે છે. સ્થૂળ જીવનની શાંતિ કરતાં ચેતનાની ગડમથલ દ્વારા મળતા મૃત્યુને હું પસંદ કરું. આનું કારણ એ છે કે ચેતના દ્વારા જ આ દુનિયામાં કંઈક નવું ઉમેરી શકાય છે. અનેક લોકોએ માનવજાતને હજારો વર્ષથી જે અર્પણ કર્યું છે તેનો હું લાભ ઉઠાવું છું ત્યારે મને થાય છે કે તેમાં આપણું પણ કંઈક ઉમેરતા જઈએ. થોડા સમય પહેલાં હું ખૂબ માંદો પડ્યો ત્યારે હૉસ્પિટલની પથારીમાં પડ્યા પડ્યા આવો વસવસો થયેલો: ‘આવ્યો એવો પામિયો, ભાણું હું તૈયાર;
ચાનકીયે જો દઈ શકું, હૈયે હળવો ભાર.’ જેને નિરાંતે જીવવું છે એ આવું કંઈક ઉમેરવાનો વિચારેય ન કરી શકે અને આવું નિજી ઉમેરણ ન કરી શકીએ તો જીવ્યા તોય શું અને મર્યા તોય શું?”
આગળ તાણમાંથી શું શું સર્જન થઈ શકે તે વાત ખૂબ સરસ રીતે લેખક મૂકી આપે છે : “રશિયન ક્રાંતિના એક સમર્થ આગેવાન ટ્રૉટ્સ્કીએ એક વાર એવી મતલબનું લખેલું કે જે શાંતિથી જીવવાનું વિચારે છે તેણે વીસમી સદીમાં જન્મવું જ નહોતું જોઈતું. વીસમી સદીની વિશેષતા એ નથી કે ઔદ્યોગિક ક્રાંતિ દુનિયાના પછાત દેશોમાં ફેલાઈ છે. મારે મન વીસમી સદીની વિશેષતા એ છે કે છેક છેવાડાના માણસને ઉપલા વર્ગે યાદ કરવો પડે છે. મનમાં અનુકંપાની, સમાનતાની અને ભાઈચારાની ભાવના ગમે તેટલી હોય પણ સમાજમાં એ ભાઈચારાની ભાવના મૂર્ત કરવાની સંપત્તિ ન હોય તો એ ભાઈચારાની વાતો વંધ્ય ક્રિયાકાંડ બની જાય. આ સંપત્તિ ક્યારે સર્જાય? જ્યારે સમાજના બધા માણસો ઉત્પાદનયજ્ઞના સમિધ બની જાય ત્યારે આ સંપત્તિ જોવા મળે. કોઈ માનસિક નિરાંત અને આ સંપત્તિ-યજ્ઞને કોઈ સંબંધ નથી. મેં આ પ્રજા-પુરુષાર્થને યજ્ઞ એટલા માટે કહ્યો છે કે એમાં ગણ્યાગાંઠ્યા માણસોનું ભલું નહીં પણ સૌથી નબળાનું ભલું કરવાની પ્રતિજ્ઞા છે. હું એમ સમજું છું કે ટ્રૉટ્સ્કીએ આ અર્થમાં વિધાન કર્યું હશે. સમાજના બધા માણસો એકીસાથે પરિસ્થિતિ બદલવાનો અને અન્યાય ઓછો કરવાનો પુરુષાર્થ કરે ત્યારે તાણ તો રહેવાની જ. હું આને વિધાયક તાણ કહું છું.”
“આ વિધાયક તાણના આશીર્વાદ એ છે કે મારી અને તમારી તાણ વધે પણ સમાજની તાણ ઘટે. સાચું પૂછો તો આ તાણવાળા માણસો સંસારના મરજીવા છે. તાણના સાગરમાં ડૂબકી મારીને એ સમાજકલ્યાણનાં મોતી લઈ આવે છે. સંસ્કૃતિના સીમાડા આવા થોડા મરજીવા આગળ વધારે છે. સમસ્ત પ્રજા ‘સમાન તક -વધુ ઉત્પાદન’-યજ્ઞમાં ભાગ લે ત્યારે પણ આવા તાણવાળા ઝંડાધારીઓ જોઈશે. જે તાણમાં ડૂબેલા છે તે જ કવિ બલવંતરાયની જેમ કહી શકે: નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન. તમને એમ લાગ્યું છે કે જ્યારે તમે તાણમાં હો ત્યારે તમને કોઈક કેફ ચડે છે? તાણના કેફની વિશેષતા એ છે કે એમાં એક વેગ હોય છે. એના ધક્કાથી કામ પતતું જાય છે અને નવી પ્રવૃત્તિનાં અજાણ્યાં બારણાં ઊઘડી જાય છે. આમ આપણને ખબર પણ ન પડે એમ આપણે એક કામમાંથી બીજા કામમાં સરી જઈએ છીએ. આમ થાય છે એથી આપણા જીવનમાં શૂન્યતા પ્રવેશી શકતી નથી.
એક કામ પૂરું કરીને પછી નિરાંતે બેઠા અને નિરાંત લાંબી ચાલી તો જિંદગી વ્યર્થ લાગવા માંડે છે અને મન કાંઈ પણ કરવાને તલપાપડ થાય છે. મન અને શરીરનો ધર્મ પ્રવૃત્તિ કરવાનો છે. તાણ પ્રવૃત્તિને લઈને આવતી હોય ત્યારે આપણને એ મીઠી એટલા માટે લાગે છે કે એ આપણને સાચા સુખનો અનુભવ કરાવે છે. કામમાં રચ્યાપચ્યા રહેતા હોય તેને સુખ શું કે દુ:ખ શું?”
તાણના કેટલાક લાભ તે ગણાવતા આખરે વાડીલાલ ડગલી પોતાનો અનુભવ લખે છે : “જ્યારે હું તાણમાં હોઉં છું ત્યારે નજીવી ચીજો માટે મારી પાસે સમય જ રહેતો નથી.
મોટા ભાગે તાણવાળા મનમાં ક્ષુદ્ર વિચારો આવતા નથી. તાણનું નિશાન જ એટલું ઊંચું હોય છે કે એને નમાલી ચીજોમાં હાથ ઘાલવો પોસાતો નથી. ક્યારેક આવા સમયે ચેતના એટલી સતેજ થઈ જાય છે કે ચિત્તમાં સ્વાર્થને પેલે પાર જોવાની આંખ ઊઘડે છે. કામની તાણવાળો માણસ પોતાના સ્વાર્થના કામમાં ગળાડૂબ પડ્યો હશે ત્યારે પણ એની પાસે સામાજિક કામ આવશે તો તે એ ઝડપથી પતાવી નાખશે. આથી અંગ્રેજીમાં કહેવત છે કે કામગરા માણસ પાસે જ થોડો સમય ફાજલ હોય છે.
જ્યારે હું ખૂબ તાણમાં કામ કરતો હોઉં છું ત્યારે મારી બધી જ સુસ્તી તાણની ગરમીમાં પીગળી જાય છે અને મનની કરોડરજ્જુ ટટ્ટાર બની જાય છે. જે સવાલ સમજતાં 10 મિનિટ લાગે તે સવાલ હું બે-ત્રણ મિનિટમાં સમજી જાઉં છું. કેમ કે આ સમયે મનનો ઘોડો કર્મભૂમિ ભણી એકશ્વાસે પ્રસ્થાન કરી રહ્યો હોય છે.”
નિરાંતથી જીવન જીવવું જોઈએ અને નકામી તાણ ટાળવી જોઈએ
By
Posted on