વિશ્વની પ્રજાની ચઢતી અને પડતી તે પ્રજાની જીવનશૈલી પર બહુધા આધારે છે. ભારત દેશ પર મોગલોથી માંડી બ્રિટિશરો અને ફ્રેંચ તથા પોર્ટુગલ જેવા નાના દેશોએ રાજ કર્યું છે. ૧૯૪૭ ની પંદર ઓગસ્ટે ભારતને સ્વતંત્રતા મળી. એ પછીથી ભારતદેશે પોતાનું બંધારણ ઘડયું તે દિવસ પ્રજાસત્તાક દિવસ ગણાયો. ગણેલા વિદેશી આક્રાંતાઓ શા માટે આદેશ પર મનમાની ચલાવી લાંબા સમય સુધી પ્રજાને ગુલામ બનાવી શકયા અને દેશમાંથી લૂંટી શકાય તેથી વધુ લૂંટીને ચાલી ગયા.
પ્રજાથી અમે સૌ ભારતીયો છીએ એ ભાવના આજે પણ સુદૃઢ બની નથી. અંદર અંદરના ઝઘડા આજે વળી જુદા જુદા વાડાઓમાં રહી તેમાં જ મસ્ત રહેતા લોકો અખંડ ભારતને જો ઇચ્છતા હોય તો ન્યાતજાત, ધર્મ, ઉંચ નીચ વગેરેથી માંડી પૈસાદાર અને ગરીબ બધા વાડાઓ તો હતા તેવા ને તેવા જ છે. જે પ્રજા ભૂલ સ્વીકારીને બેઠી થતી હોય છે તે જ દોડતી થઇ શકે.
આજે પણ આખાય ભારત દેશમાં કયાંક ને કયાંક તો અગ્નિનો ધૂમાડો નીકળતો જ રહે છે. બાકી હતું તે રાજકારણમાં, પડેલા કેટલાક વેંતિયાઓ કરી રહ્યા છે. ભારતની ભવ્યતાનું આંતરદર્શન જયાં સુધી થાય નહીં ત્યાં સુધી દેશ પ્રગતિ કયાંથી કરી શકે? ભારતમાં જ રહી અન્ય દેશોની કૃપાથી પોતાનું આસન સ્થિર રાખવા ઇચ્છતા વામન રાજકારણીઓને સમજી લેવા પડશે. આમ તો પ્રજાસત્તાક દિવસ એટલે જાગરણનો દિવસ, સંકલ્પનો દિવસ પરંતુ રજા મળી તેથી રખડી કાઢવામાં જ જો ૨૬ જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ પૂરો થઇ જશે તો એ બધું લાંબું ન ચાલે.
આઝાદી પછીથી શિક્ષણમાં જડમૂળથી પરિવર્તન થયું હોત તો આજે તેનાં પરિણામો જોવા મળતે. પરંતુ હજુ આપણે જાગૃત થયા જ નથી. જે જાગતો નથી તે જાગશે અને દોડશે એ વચ્ચે ઘણો સમય નીકળી જશે. શાળાઓમાં પણ બાળકોને તથા સામાજિક સ્તરે લોકોને પ્રજાસત્તાક દિવસે જગાડીને આપણું લક્ષ્ય તો આ છે અને આપણે તે ભૂલી ગયા છીએ. નાની નાની સૂચનાઓ પણ બાળ માનસમાં સ્થિર થાય તો આવતીકાલનો નાગરિક વિશ્વ નાગરિકની હરોળમાં ઊભો રહી શકશે.
રસ્તા પર કેમ ચાલવું, વાહનોની તોડફોડ કરવી કે બધું રાષ્ટ્રને પરવડે નહીં એવી સામાન્ય સૂચનાઓ શાળામાં આ દિવસે અપાય તથા નાગરિકો જયારે રાષ્ટ્રધ્વજ વંદન માટે એકત્રિત થાય ત્યારે તેઓ પાસે પણ આપણે કયાં પહોંચવું છે અને આજે કયાં ઊભા છે તેની જાણ થાય તો પ્રજાસત્તાક દિન ઉજવ્યો ગણાશે. વિશ્વની કોઇપણ પામર પ્રજા આઝાદ રહી શકી નથી તેથી આવું રાષ્ટ્રચિંતન લોકો સમક્ષ મૂકાવું જોઇએ.