સુરત: શહેરના પરવત પાટિયા ખાતે મેડિકલ શોપમાં નોકરી કરતા યુવાનને પુણા ભૈયાનગરની બ્યુટી પાર્લર સંચાલક મહિલાએ હનીટ્રેપમાં ફસાવી શરીર સુખ માણવા દબાણ કર્યું હતું. યુવકે ઇન્કાર કરતા ખોટા કેસમાં ફસાવી 25 લાખની માંગણી કરી ત્રણ મહિલાઓએ મળી માર માર્યો હતો.
પુણા પોલીસના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પુણા સિલ્વર ચોક પાસે શિક્ષાપત્રી એવન્યુમાં રહેતો 31 વર્ષીય પ્રવીણ બાબુભાઈ રામાણી છેલ્લા ચાર મહિનાથી પરવત પાટિયા શંખેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે નોબલ ફાર્મસીમાં નોકરી કરે છે. મેડિકલમાં વીસેક દિવસ પહેલા એક મહિલા ફેશવોશ ક્રીમ લેવા આવી હતી. જોકે દુકાનમાં સ્ટોક ન હોવાથી મહિલાએ યુવકને સ્માઈલ આપી પોતાનો નંબર આપ્યો હતો. અને પોતાની ઓળખ સુમન ઉર્ફે હંસીકા રાજપૂત તરીકે આપી પ્રવિણનો મોબાઈલ નંબર લીધો હતો અને ક્રીમ મંગાવી આપવા કહ્યું હતું. ત્રણેક દિવસ પછી ક્રીમ આવતા પ્રવીણે ફોન કરી સુમનને બોલાવી હતી. ત્યારે ક્રિમ લેવા આવેલી સુમને મીઠી-મીઠી વાતો કરી મહિલાઓ સાથે શરીર સુખ માણવું હોય પોતાનો સંપર્ક કરવા કહ્યું હતું.
દરમિયાન ગઈકાલે સવારે સુમને ફરી પ્રવીણને ફોન કરી શરીર સુખ માણવાની લાલચ આપી હતી. સુમને પુણા ભૈયાનગર સારથી હાઈટ્સ દુકાન નં.10 સ્થિત હંસમોર બ્યુટી સેન્ટરમાં આવવા કહ્યું હતું. જોકે પ્રવીણે આવવા ઇન્કાર કરી દીધો હતો. બપોરે ફરી ફોન કરતા પ્રવિણ ત્યાં ગયો હતો. પ્રવિણ બ્યુટીપાર્લરમાં ગયો ત્યારે સુમન તથા આશરે 20 થી 22 વર્ષની ત્રણ મહિલા હાજર હતી. આ મહિલાઓએ તેને ઘેરી બળજબરી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.
યુવકને ત્રણમાંથી એક મહિલાને પસંદ કરવાનું કહ્યું
પ્રવીણ બ્યુટી પાર્લરમાં અંદર જતાની સાથે મહિલાઓએ પાર્લરનું શટર પાડી અંદરથી બંધ કરી દીધું હતું. સુમને પ્રવીણને ત્રણેય મહિલાઓમાંથી એકને પસંદ કરવાનું કહી 1000 રૂપિયા થશે તેવું કહેતા પ્રવિણે ઇન્કાર કરી દીધો હતો. પ્રવીણે ઇન્કાર કરતા સુમને તેને ડંડાથી માર માર્યો હતો. ‘કુછ કરના નહીં તો ઠીક હે પર પૈસા તો દેના હી પડેગા’ તેમ કહી સુમને 25 લાખની માંગણી કરી હતી.
પેસા નહીં આપે તો પોલીસ કેસમાં ફસાવાની ધમકી આપી
પ્રવીણે પોતાને છોડવા માટે મહિલાઓને આજીજી કરી 2000 રૂપિયા કાઢીને આપી દીધા હતા. સુમને ‘પૈસે તો તુઝે દેને હી પડેંગે, ઇતને પૈસે સે ક્યા હોગા, અગર પૈસા નહીં દેગા તો મેં તુઝે પુલીસ કેસમેં ફસા દૂંગી, તું મુઝે જાનતા નઈ હૈ, પૈસે નહીં દીયે તો જાનસે હાથ ધોને પડેંગે.’ એવી ધમકી આપી
સુમને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો
સુમને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દુકાનનું શટલ ખોલી પ્રવિણનો કોલર પકડી બહાર લાવ્યા હતા. પુણા પોલીસ ત્યાં આવી અને તમામને પોલીસ સ્ટેશન લાવી હતી. અન્ય ત્રણ મહિલા નીકળી ગઈ હતી. પરંતુ સુમન અને પ્રવીણની પુછપરછ બાદ પોલીસે પ્રવીણની ફરિયાદના આધારે સુમન ઉર્ફે હંસીકા રવિભાઈ ચંદ્રપાલસિંઘ કુસ્વાહા ( રહે.પ્લોટ નં.119, ક્રીષ્નાનગર સોસાયટી, સીતાનગર ચાર રસ્તા પાસે, પુણાગામ, સુરત ) અને તેની સાથેની અન્ય ત્રણ મહિલા વિરૂદ્ધ ગુનો નોંધી સુમનની અટકાયત કરી હતી.