ગાંધીનગર: દક્ષિણ ગુજરાતના વાપી-દમણ ડ્રગ ફેક્ટરી કેસમાં ગુજરાત ATSની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ગુજરાત ATSને મળેલી બાતમીના આધારે ઉત્તર પ્રદેશમાંથી વાપી-દમણ ડ્રગ ફેક્ટરી કેસમાં સંડોવાયેલો આરોપી મેહુલ ઠાકુરની ધરપકડ કરી હતી. અત્રે ખાસ ઉલ્લેનિય છે કે ઓક્ટોબર 2025માં વાપી-દમણ વિસ્તારમાં ડ્રગ ફેક્ટરી ઝડપાઈ હતી. ત્યારે સોનુ ભારદ્વાજ અને નિલેશ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મેહુલ અને વિવેક ફરાર થઈ ગયા હતા.
ATSની તપાસમાં બહાર આવ્યું હતું કે બંને આરોપી વાપીથી ગોરખપુર અને ત્યારબાદ પશ્ચિમ બંગાળ થઈને નેપાળ ભાગી જઈ, નેપાળમાં તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. એટીએસને મેહુલ વારાણસી આવતો હોવાની માહિતી મળતા વોચ ગોઠવી તેની ધરપકડ કરી હતી. આ પહેલા આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. તમામ આરોપીઓ ડ્રગ્સનું ઉત્પાદન કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતા હતા.