શહેરના વ્યસ્ત વેપારી વિસ્તાર આવેલા સુરતના મિલેનિયમ ૨ માર્કેટમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વેપારીઓ તેમજ ગ્રાહકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગવાની ઘટના બાદ તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ સ્થિતિને જોઈ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ ફાયર વિભાગે મહેનતપૂર્વક આગને કંટ્રોલમાં લઈ લીધી હતી. જેના કારણે મોટી જાનહાનિ કે વિશાળ નુકસાન ટળી ગયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. જો કે, આગ કઈ રીતે લાગી તે અંગે હજી સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આગ લાગતા વેપારીઓના જીવ તાળવે ચોટયા હતા અને ઘણા વેપારીઓએ પોતાની દુકાનોમાંથી માલસામાન બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં થોડો સમય માટે ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં સંબંધિત વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સચોટ કારણ તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. ફાયર વિભાગની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાથી આસપાસના વ્યાપારીઓએ હાશકારો લીધો હતો.