SURAT

મહાશિવરાત્રી પર્વે સુરત ગુંજ્યું ‘બમ બમ ભોલે’ના નાદથી

વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ,મહાદેવ મંદિરો માં વિશેષ આકર્ષણ,સુરત શહેર આજે ભક્તિભાવના રંગે રંગાઈ ગયું છે.મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે શહેરના નાના,મોટા તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના ગુંજતા નાદ વચ્ચે ભક્તો દેવાધિદેવ મહાદેવની આરાધનામાં લીન બન્યા છે. શિવભક્તો પરિવાર સાથે મંદિરે પહોંચી રહ્યા છે લાંબી લાઈનમાં ઊભા રહીને ભક્તો શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર જલાભિષેક અને દૂધાભિષેક કરી રહ્યા છે. કેટલાક ભક્તો બેલપત્ર, ધતૂરા અને ફૂલ ચઢાવી પ્રાર્થના કરી રહ્યા છે. મંદિરોમાં વિશેષ સજાવટ, ફૂલોના હાર અને આકર્ષક લાઈટિંગથી આધ્યાત્મિક માહોલ વધુ ભવ્ય બન્યો છે.

ખાસ કરીને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા નંદી મહારાજની ગૌશાળા પાસે સ્થિત સોમવાર મહાદેવ મંદિર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે ભોલેનાથની સવારી નંદી મહારાજ છે, તેથી ગૌશાળા નજીક આવેલા આ મંદિરે મહાશિવરાત્રીના દિવસે વિશેષ મહિમા માનવામાં આવે છે.અહીં ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે અને પોલીસ દ્વારા પણ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે જેથી ભક્તોને સરળતાથી દર્શન મળી શકે.

મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તોને રુદ્રાક્ષની ભેટ આપવામાં આવી રહી છે, જે ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જગાવી રહી છે. ઘણા ભક્તો રુદ્રાક્ષ ધારણ કરીને પોતાને ધન્ય અનુભવી રહ્યા છે.મહાશિવરાત્રી નિમિત્તે કેટલાક શિવાલયોમાં રાત્રી જાગરણ, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે. મહાદેવના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થનાઓ સાથે સુરતવાસીઓ આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે.

Most Popular

To Top