National

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે PM મોદીએ યોગને જીવનનો ભાગ બનાવવાની કરી અપીલ

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી (PM Modi) ગુરુવારે જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગર (Srinagar) પહોંચ્યા હતા. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ કાશ્મીર (Jammu-Kashmir) મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદીએ શ્રીનગરમાં ‘યુવા સશક્તિકરણ, જમ્મુ-કાશ્મીરમાં પરિવર્તન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે તેમણે જમ્મુ-કાશ્મીરને લગભગ 3300 કરોડ રૂપિયાની ભેટ આપી હતી. આ સાથે 2000 થી વધુ લોકોને સરકારી સેવાઓ માટે નિમણૂક પત્રો પણ સોંપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પ્રવાસ દરમિયાન આજે શુક્રવારે તેમણે દાલ તળાવના કિનારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા. ત્યારે યોગ બાદ પીએમ મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યોગ પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે. તેમજ વડાપ્રધાન જનતાને અપીલ કરી હતી કે લોકોએ યોગને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવવો જોઇયે.

વડાપ્રધાને વધુમાં કહ્યું, આજે કાશ્મીરની ધરતી પરથી હું વિશ્વભરના તમામ લોકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવું છું. દસ વર્ષ પહેલાં મેં સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે ભારતના પ્રસ્તાવને 177 દેશોએ સમર્થન આપ્યું હતું, જે એક રેકોર્ડ છે. 2015માં દિલ્હીના કર્તવ્યપથ પર 35,000 લોકોએ એકસાથે યોગ કર્યા હતા.

પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. તેઓ ક્યારેય ભારત આવ્યા નથી પરંતુ તેમણે પોતાનું આખું જીવન યોગના પ્રચાર માટે સમર્પિત કર્યું છે. આજે, યોગ વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન હાથ ધરવામાં આવે છે.

લોકો યોગ શીખવા માટે લોકો ભારત આવે છે
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર હું દરેકને યોગને તેમના રોજિંદા જીવનનો એક ભાગ બનાવવા વિનંતી કરું છું. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઋષિકેશ અને કાશીથી લઈને કેરળ સુધી આપણે ભારતમાં યોગ પ્રવાસનનો નવો ટ્રેન્ડ ઉભરતો જોઈ શકીએ છીએ. વિશ્વભરમાંથી લોકો અધિકૃત યોગ શીખવા માટે ભારતમાં આવી રહ્યા છે.

યોગ આંતરિક ઊર્જા બનાવે છે: ઓમ બિરલા
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, 17મી લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને યોગ સમગ્ર વિશ્વને જોડે છે. યોગ આપણા રોજિંદા જીવનનો એક ભાગ છે. આ આંતરિક ઊર્જા ઉત્પન્ન કરે છે. તે આપણા બધા તણાવને પણ દૂર કરે છે. તેથી જ આજે સમગ્ર વિશ્વ યોગને સ્વીકારે છે.

Most Popular

To Top