Business

સપ્તાહના અંતિમ દિવસે બન્ને તરફ વધઘટે શેરબજાર સપાટ રહ્યા, બોર્ડર માર્કેટમાં શાનદાર ઉછાળો

કોરોનાના વધી રહેલા કેસો અને દેશમાં પ્રથમ વખત કોરોનાના કેસોનો આંક બે લાખને વટાવી દીધો હોવાથી શેરબજારમાં દબાણ જોવાયું હતું, પરંતુ આજે શેરબજારમાં બેઉતરફી વધઘટ જોવા મળી હતી. કોરોનાના વધી રહેલા કેસોની સામે વેકસીનેશનની કામગીરી પુરજોશથી ચાલી રહી હોવાથી કોરોનાને ટૂંક સમયમાં જ મ્હાત આપી દેવાશે તેવા અંદાજના પગલે શેરબજારમાં બેઉતરફી વધઘટે પોઝિટિવ ચાલ જોવા મળી રહી હતી. જોકે, દેશના કેટલાક રાજ્યોમાં વીકએન્ડ લોકડાઉન જાહેર કરાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે ઉત્તરપ્રદેશમાં પણ વીકએન્ડ લોકડાઉન જાહેર કરાયું છે.

ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે બેઉતરફી ઉથકપથક સાથે અંતિમ તબક્કામાં પોઝિટિવ સપાટ બંધ રહ્યા હતા. આજે ખાસ કરીને લાર્જકેપ શેરોની સરખામણીએ બોર્ડર માર્કેટમાં સુંદર પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા. ભારતીય મોસમ વિભાગ દ્વારા દેશમાં ચોમાસાનું અનુમાન જાહેર કર્યુ છે. જેમના અંદાજ અનુસાર ચોમાસુ સામાન્ય રહેશે. ચાલુ વર્ષે અલનીનોની સંભાવના નહિંવત છે, ત્યારે ચોમાસુ સામાન્ય રહેશે. જોકે, આ અંગેનો વધુ અંદાજ આગામી 1લી મેના રોજ ફરીથી જાહેર કરાશે. દેશમાં 98 ટકા સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે.

કેમિકલ્સ શેરોમાં તેજીનો દોર જળવાઇ રહ્યો હતો. જેમાં નવીન ફલોરીન 5 ટકાના ઉછાળા સાથે લાઇફટાઇમ હાઇ ઉપર ચાલી રહ્યો છે. જ્યારે પીઆઇ ઇન્ડ.માં પણ 5 ટકાનો ઉછાળો જોવાયો હતો. આ ઉપરાંત, તાતા કેમિકલ્સ, આરતી ઇન્ડ., યુપીએલમાં તેજી જોવા મળી હતી.
મારૂતિ સુઝુકીએ પસંદગીના મોડલમાં ભાવ વધારો જાહેર કર્યો છે. આજથી જ આ કારમાં 16 ટકાનો ભાવ વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે, જેના પગલે મારૂતિના શેરોમાં તેજી જોવા મળી હતી. મેક્રો ઇકોનોમી દ્રષ્ટિએ ભારતનું માર્ચ મહિનામાં મર્ચન્ડાઇઝ એકસપોર્ટસ 60.3 ટકા વધીને 34.50 બીલીયન ડોલર થયું છે, જ્યારે આયાત પણ 54 ટકા વધીને 48.40 બીલીયન ડોલર થયું છે.

ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 28.35 પોઇન્ટ એટલે કે 0.06 ટકા સુધરીને 48832.03 પોઇન્ટના સપાટ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 49000 પોઇન્ટની સપાટી કૂદાવી દીધી હતી, જે વધીને 49089.55 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 48694.49 પોઇન્ટ સુધી તૂટી હતી. નિફ્ટી 14700 નજીક સુધી ઉછળી હતી, છેલ્લે 14600 પોઇન્ટની સપાટી કૂદાવીને 14617.85 પોઇન્ટની બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 14697.70 પોઇન્ટ સુધી ઉછળી હતી, જે નીચામાં 14559 પોઇન્ટ સુધી ઘટી હતી. બેન્ક નિફ્ટીમાં બેઉતરફી વધઘટ સાથે 32300 પોઇન્ટની સપાટી કૂદાવી હતી, પરંતુ છેલ્લે 135.40 પોઇન્ટ ઘટીને 31977.45 પોઇન્ટની નરમ બંધ રહી હતી. બોર્ડર માર્કટમાં આજે ખુબ જ સારૂં પ્રદર્શન જોવાયું હતું. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 1.17 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1.05 ટકા વધ્યા હતા. માર્કેટ બ્રેડથ પોઝિટિવ જોવાયું હતું. બીએસઇ ખાતે 1648 શેરો વધ્યા હતા અને 1253 શેરો ઘટયા હતા, તેમજ 159 શેરો યથાવત રહ્યા હતા.

બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં ડીસીએમ શ્રીરામ 17.44 ટકા ઉછળીને રૂ. 656.45, હેસ્ટર બાયો 16.24 ટકા વધીને રૂ. 2340, રેપ્કો હોમ 11.34 ટકા વધીને રૂ. 314.15, એસ્ટર 10.07 ટકા વધીને રૂ. 1680, હિન્દુસ્તાન કોપર 9.99 ટકા વધીને રૂ. 150.80, પ્રાજ ઇન્ડ. 9.87 ટકા વધીને રૂ. 232 અને વિપ્રો 8.87 ટકા વધીને રૂ. 469.25નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં આઇવીસી 20 ટકા ઉછળીને રૂ. 4.68, ટાઇમ્સ ગેરન્ટી 20 ટકા વધીને રૂ. 35.40, કેડીડીએલ 20 ટકા વધીને રૂ. 361.85, ઓર્ટીન લેબ્સ 19.96 ટકા વધીને રૂ. 31.55, શેમારૂ 16.23 ટકા વધીને રૂ. 87.35 અને પાયોનીયર એમ્બ્રોડરીઝ 15.88 ટકા વધીને રૂ. 45.25નો ભાવ બોલાતો હતો.
બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં નારાયણા હ્દયાલયા 5.66 ટકા ઘટીને રૂ. 399.40, ટીનપ્લેટ 5.53 ટકા ઘટીને રૂ. 169.95, રીસ્પોન્સ ઇન્ડ. 5.45 ટકા ઘટીને રૂ. 160.40, યારી 4.70 ટકા ઘટીને રૂ. 100.35, મોરેપોન લેબ 4.45 ટકા ઘટીને રૂ. 38.65 અને શોભા 4.19 ટકા ઘટીને રૂ. 500.45નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં સુવિધા 9.98 ટકા ઘટીને રૂ. 60, અંસલ હાઉસીંગ 9.96 ટકા ઘટીને રૂ. 4.88, એલસીસી ઇન્ફો 9.91 ટકા ઘટીને રૂ. 3.09, સનકેર ટ્રેડર્સ 8.51 ટકા ઘટીને રૂ. 0.43 અને કોરલ ફાઇ. 8.48 ટકા ઘટીને રૂ. 20.50નો ભાવ બોલાતો હતો.

બીએસઇ ખાતે વિપ્રો 4.37 ગણા એટલે કે 29.54 લાખ શેરોના કામકાજ સાથે 8.82 ટકા વધીને રૂ. 469, સેન્ચુરી પ્લાયબોર્ડ 3.16 ગણા એટલે કે 88333 શેરોના કામકાજ સાથે 4 ટકા વધીને રૂ. 345.55, ડીસીએમ શ્રીરામ 2.61 ગણા એટલે કે 62634 શેરોના કામકાજ સાથે 10.99 ટકા વધીને રૂ. 620.40, રિલાયન્સ 2.57 ગણા એટલે કે 12.55 લાખ શેરોના કામકાજ સાથે 0.53 ટકા ઘટીને રૂ. 1933.65 અને અશોકા બિલ્ડકોન 1.99 ગણા એટલે કે 2.32 લાખ શેરોના કામકાજ સાથે 8.15 ટકા વધીને રૂ. 96.20નો ભાવ બોલાતો હતો. એનએસઇ ખાતે ડીસીએમ શ્રીરામ 20.27 ગણા એટલે કે 31.2 લાખ શેરોના કામકાજ સાથે 17.04 ટકા વધીને રૂ. 649.90, અશોકા બિલ્ડકોન 8.54 ગણા એટલે કે 68.29 લાખ શેરોના કામકાજ સાથે 4.28 ટકા વધીને રૂ. 92.65, વિપ્રો 5.58 ગણા એટલે કે 9.08 કરોડ શેરોના કામકાજ સાથે 9.03 ટકા વધીને રૂ. 469.60, એંજલ બ્રોકીંગ 5.45 ગણા એટલે કે 8.95 લાખ શેરોના કામકાજ સાથે 11.07 ટકા વધીને રૂ. 330.05, કોમ્યુટર એજ મેનેજમેન્ટ 4.46 ગણા એટલે કે 2.69 લાખ શેરોના કામકાજ સાથે 5.65 ટકા વધીને રૂ. 1959નો ભાવ બોલાતો હતો.

વૈશ્વિક સ્તરે યુરોપિયન તથા એશિયન બજારોમાં સુધારાની ચાલ જોવા મળી હતી. આજે ચીનના ઇકોનોમી ડેટા જાહેર થયા બાદ રોકાણકારો દ્વારા ખરીદી નીકળી હતી. ચીનનો રીટેઇલ વેચાણ માર્ચમાં 34.2 ટકા અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન ડેટા 14.1 ટકા વધ્યો હતો. અમેરિકીનો રિટેઇલ વેચાણ 9.8 ટકા વધ્યું હતું, જેના પગલે ગઇકાલે અમેરિકન બજારોમાં એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ તથા ડાઉ જોન્સ વિક્રમી સપાટીએ જોવાયો હતો. યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.72 ટકા, કેક 0.38 ટકા અને ડેક્સ 0.96 ટકા સુધારા સાથે ચાલી રહ્યા છે. એશિયન બજારોમાં નીક્કી 0.14 ટકા, સ્ટ્રેઇટસ 0.53 ટકા, હેંગસેંગ 0.61 ટકા, તાઇવાન 0.48 ટકા, કોસ્પી 0.13 ટકા, જાકાર્તા 0.11 ટકા અને શાંઘાઇ 0.81 ટકા સુધારા સાથે બંધ રહ્યા હતા.

Most Popular

To Top