જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં પછાત અને આદિવાસી જાતિના લોકોને અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયનો ભારતના બંધારણમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જે સમયે અનામતનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે તેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. જોકે, બાદમાં અનામત અત્યારસુધી યથાવત રહેવા દેવામાં આવી છે.
જે તે સમયે નિયત કરાયેલી અનામતમાં ઘટાડો થયો નથી પરંતુ સતત વધારો જ થતો રહ્યો છે. આઝાદી વખતે માત્ર એસસી-એસટીને જ અનામતનો લાભ આપવામાં આવતો હતો પરંતુ ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણીને પણ ઓબીસી અનામત આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આટલું બાકી હોય તેમ બાદમાં આર્થિક રીતે નબળા વર્ગને પણ અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભારત દેશ આઝાદ થયાના 77 વર્ષ થઈ ગયા છતાં પણ હજુ સુધી અનામતમાં ફેરફાર આવ્યો નથી અને આખો મુદ્દો રાજકીય રીતે સંકળાયેલો હોવાને કારણે કોઈપણ રાજકીય પક્ષ આ મધપુડાને છંછેડવા માંગતો નથી.
ઉલ્ટું અનામત વધારવા માટેના પ્રયાસો થતાં રહ્યા છે. ભારત દેશમાં અનામત એક એવો વિષય છે કે તેને કોઈ જ છેડવા માંગતું નથી. ખુદ સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં અનામતના મામલે નિર્ણય લેવાનું કેન્દ્ર અને રાજ્ય સરકાર પર છોડી દીધું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, અનામતમાંથી લોકોને બાકાત રાખવાનું કામ સરકારનું છે. સુપ્રીમ કોર્ટે રાજ્યોને નિતી ઘડવા માટે નિર્દેશ આપ્યા પણ તેના નિર્ણયનો મુદ્દો વિધાનસભા અને કારોબારી પર છોડી દીધો છે.
તાજેતરમાં એસસી અને એસટી અનામતમાંથી ક્રીમીલેયરને બાકાત રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તેમાં એવી દાદ માંગવામાં આવી હતી કે આ સમુદાયના જે લોકો ક્વોટાનો લાભ લઈને અન્ય બિનઅનામત સમુદાય સાથે સ્પર્ધા કરવાની સ્થિતિમાં છે તો તેમને અનામતના દાયરામાંથી બાકાત કરવા જોઈએ.
અરજીમાં સુપ્રીમ કોર્ટના 2024ના ચુકાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટની 7 જજની બેન્ચ દ્વારા અગાઉ 1લી ઓગષ્ટ, 2024ના રોજ એવો ચુકાદો આપ્યો હતો કે જાહેર રોજગાર અને સરકાર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે રાજ્ય કેટલાકટ એસસી-એસટી જૂથો માટે અન્ય કરતાં વધુ અનામત સુનિશ્ચિત કરવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને પેટા વર્ગીકરણ કરી શકે છે. અગાઉ 2004માં સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચએ ઈવી ચિન્નૈયા વિ,. આંધ્રપ્રદેશના કેસમાં એવો ચૂકાદો આપ્યો હતો કે સદીઓથી બહિષ્કાર, ભેદભાવ અને અપમાનનો ભોગ બનેલા એસસી અને એસટી સમુદાયો એકરૂપ જૂથો બનાવે છે.
જેને તાજેતરમાં 2024માં સાત જજોની બંધારણીય બેન્ચ દ્વારા ઉલટાવવામાં આવ્યો હતો. 6 વિરૂદ્ધ 1 જજથી અપાયેલા આ ચુકાદામાં ચાર જજ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, રાજ્યએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી પણ ક્રીમીલેયરને ઓળખવા માટે નીતિ વિકસાવવી જોઈએ કે જેથી તેમેન અનામતના લાભમાંથી બાકાત કરી શકાય. જોકે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સાથે અરજદાર દ્વારા સરકારને આવા ક્રીમીલેયરને ઓળખવા માટેની નિતી સાથે બહાર આવવા માટે નિર્દેશની માંગણી કરવામાં આવી હતી.
જોકે, સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ એજી મસીહની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે, પાછલા 75 વર્ષોને ધ્યાનમાં લેતા આવી વ્યક્તિઓ કે જેમણે પહેલાથી જ લાભો આરક્ષણના મેળવ્યા હોય અને અન્ય લોકો સાથે સ્પર્ધા કરી શકે તેવી સ્થિતિમાં હોય તેમને અનામતમાંથી બાકાત રાખવા જોઈએ પરંતુ તે નિર્ણય કારોબારી અને ધારાસભાએ લેવાનો રહે છે.
સરકારે અને સંસદે નક્કી કરવાનું છે કે આવા લોકોને અનામતમાંથી બહાર રાખવા જોઈએ. સામાન્ય રીતે દેશમાં ગંભીર મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાનું રૂલિંગ આપવામાં આવતું જ હોય છે પરંતુ અનામતનો મુદ્દો ખૂબ જ પેચીદો છે અને તે આખા દેશ સાથે સંકળાયેલો છે. અનામતમાં ફેરફાર આખા દેશને ભડકે બાળે તેવી સ્થિતિ હોવાથી સુપ્રીમ કોર્ટએ એ જવાબદારી સરકાર અને સંસદ પર છોડી છે.
જોકે, રાજકીય મોરચે ભારે નુકસાન થાય તેમ હોવાથી કોઈપણ રાજકીય પક્ષ, સરકાર અને સંસદ પણ આ મુદ્દાને છેડવા માટે તૈયાર થાય તેમ નથી. અનામતને કારણે શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સ્કૂલ-કોલેજમાં પ્રવેશ અને સરકારની નોકરીમાં મોટો લાભ થતો હોવાથી એકેય જ્ઞાતિનો વ્યક્તિ અનામતના લાભથી વંચિત રહેવા માંગતો નથી. અનેક વખત એવું થયું છે કે જ્યારે જે તે વ્યક્તિની આવક નિયત મર્યાદા કરતાં વધારે હોય તો પણ તેવી વ્યક્તિ દ્વારા પોતાના સંતાનો માટે અનામતનો લાભ લેવામાં જ આવ્યો છે. અનામત સામેના વાંધા વિરોધને કારણે જ સરકારે બાદમાં આર્થિક અનામત પણ દાખલ કરી છે. જોકે, જૂની અનામતમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ખરેખર અનામત જે સામાજિક, શૈક્ષણિક કે પછી આર્થિક રીતે પછાત હોય તેવાને જ મળવી જોઈએ પરંતુ પહેલેથી નિયત કરાયેલી અનામતનો કેટલાક લોકો દ્વારા ગેરલાભ પણ લેવામાં આવે છે. આ કારણે જ અનામતનો વિરોધ પણ કરવામાં આવે છે. ખરેખર કેટલાક પરિવારો એવા છે કે તેમને અનામતની જરૂર હોય જ છે. જોકે, આ મુદ્દો એટલો સંવેદનશીલ છે કે કોઈપણ રાજકીય પક્ષ તેને છેડવા માટે તૈયાર થાય તેમ નથી. સરકાર કે સંસદમાં બેઠેલા એકેય રાજકારણી આ મુદ્દે સુધારો નહીં કરે તે નક્કી છે.