ઉત્તરાખંડના (Uttarakhand) કુમાઉ પ્રદેશના પિથોરાગઢ પ્રદેશથી કૈલાશ માનસરોવરના માર્ગે સુપ્રસિદ્ધ ૐ પર્વત (Om mountain) આવેલો છે. પરંતુ હાલના દિવસોમાં આ પર્વત પરથી ૐ ગાયબ થઇ ગયો છે. આટલું જ નહીં પણ બારેમાસ બરફની સફેદ ચાદરથી છવાયેલા આ પર્વત ઉપરથી બરફ પણ ગાયબ થઇ ગયો છે. આ ઘટનાએ દેશભરના પર્યાવરણવિદો અને પર્યાવરણ વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે, કારણ કે આ પ્રકારની ઘટના ઘણી અસામાન્ય છે.
અસલમાં ઉત્તરાખંડના પિથોરાગઢમાં સ્થિત ૐ પર્વત પરથી બરફ પીગળી જતા પર્વતની ઓળખ એવો ‘ૐ’ અક્ષર સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયો છે. હવે અહીં માત્ર કાળો પહાડ જ નજરે ચઢે છે. આ પર્વત 5900 મીટર એટલે કે 19356 ફૂટ ઊંચો છે. ત્યારે આ અનિચ્છનીય કુદરતી ઘટનાથી લોકો ચોંકી ઉઠ્યા છે. જ્યારે વૈજ્ઞાનિકોએ આ ઘટના માટે ક્લાઈમેટ ચેન્જ અને વધતા તાપમાનને જવાબદાર ગણાવ્યું છે.
સમગ્ર મામલે પર્યાવરણ માટે કામ કરતા કુંડલ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પિથોરાગઢ જિલ્લામાં ચીન સરહદ નજીક નાભિધંગથી ૐ પર્વતનું ભવ્ય અને દિવ્ય દૃશ્ય જોવા મળતું હતું. હાલમાં વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે હિમાલયના આ વિસ્તારમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે. તેથી જ ૐ પર્વત પરથી પણ બરફ ગાયબ થઈ ગયો છે. હિમાલયની એક શૃંખલામાં બનેલી આ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે. પરંતુ હિમાલયમાં સતત બાંધકામ, વધતું તાપમાન અને માનવ દખલગીરી પણ આ ઘટના પાછળનું મુખ્ય કારણ હોઇ શકે છે.
આ સાથે જ ઉત્તરાખંડના સ્થાનિક પર્યાવરણવિદ ભગવાન સિંહ રાવતે કહ્યું હતું કે પિથૌરાગઢમાં લાંબા સમયથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પ્રવાસનને કારણે ભીડ પણ વધી છે. ત્યારે આ કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો હોવાની પણ સંભાવના છે. બસ આ જ કારણે પર્વતમાંથી બરફ પીગળી રહ્યો છે. તેમજ ૐ પર્વતમાંથી બરફ પીગળવો એ ગંભીર ઘટના છે અને ભવિષ્ય માટે ચેતવણી પણ છે. વૈજ્ઞાનિકોએ આ બાબતનો વિગતવાર અભ્યાસ કરવો જોઈએ. જેથી હિમાલયના બરફને સમયસર બચાવી શકાય.
આટલું જ નહીં પણ એક નવા સંશોધનમાં ડરામણો ખુલાસો સામે આવ્યો છે. આ સંશોધનનો ડેટા ક્લાઈમેટિક ચેન્જ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ડેટા મુજબ જો દેશનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ સુધી વધે છે, તો હિમાલયના 90 ટકા વિસ્તારોએ એક વર્ષથી વધુ સમય માટે દુષ્કાળનો સામનો કરવો પડશે. તેમજ અહીં પીવા અને સિંચાઈ માટે પાણીની અછત સર્જાશે.