નવી દિલ્હી : ઓલિમ્પિક્સ ચેમ્પિયન (Olympics champion) નીરજ ચોપરા (Neeraj Chopra) વિશ્વ એથ્લેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની પુરુષોની ભાલા ફેંક રેન્કિંગમાં તેની કેરિયરમાં પહેલીવાર વિશ્વનો નંબર વન જેવેલિન થ્રોઅર બની ગયો છે. અને આ સિદ્ધિ મેળવનારો તે પહેલો ભારતીય છે. નીરજે 1455 પોઈન્ટ સાથે ટોપનો ક્રમ મેળવ્યો હતો, તે ગ્રેનાડાના 1433 પોઇન્ટ ધરાવતા વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ કરતા 22 પોઈન્ટ આગળ છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ચેક રિપબ્લિકનો જેકબ વાડલેજ 1416 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો. નીરજ ગયા વર્ષે 30 ઓગસ્ટે વર્લ્ડ નંબર 2 પર પહોંચી ગયો હતો.
નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક્સ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 25 વર્ષીય નીરજે ત્યાંરથી જ સતત સમાચારોમાં રહેવાનું શરૂ કર્યું હતું. નીરજના નામે 89.94 મીટરનો થ્રોનો રેકોર્ડ પણ નોંધાયેલો છે, જે તેણે સ્ટોકહોમમાં યોજાયેલી ડાયમંડ લીગમાં બનાવ્યો હતો. નીરજ ચોપરાએ સપ્ટેમ્બર 2022માં સ્વિટ્ઝર્લેન્ડમાં રમાયેલી ડાયમંડ લીગ જીતી હતી. તે તાજેતરમાં દોહામાં રમાયેલી ડાયમંડ લીગનો ચેમ્પિયન પણ હતો. નીરજ હવે 2023 સીઝનની આગામી ટુર્નામેન્ટ નેધરલેન્ડના હેંગલોમાં રમશે. 4 જૂનથી શરૂ થનારી આ સ્પર્ધાનું નામ છે ફેની બ્લેન્કર્સ-કોએન ગેમ્સ છે. આ ટૂર્નામેન્ટ પછી, 13 જૂનથી, નીરજ ફિનલેન્ડના તુર્કુમાં આયોજિત નુરમી ગેમ્સમાં દેખાશે.
આનંદ, કાર્લસન, લિરેન અને યીફાન ગ્લોબલ ચેસ લીગમાં રમશે
દુબઈ : ગ્લોબલ ચેસ લીગ (જીસીએલ)ની પ્રથમ ટુર્નામેન્ટમાં વિશ્વનાથન આનંદ, મેગ્નસ કાર્લસન, હાઉ યીફાન અને ડીંગ લિરેન જેવા અનુભવી ખેલાડીઓ પડકાર ઉભો કરતા જોવા મળશે. જીસીએલ એ ટેક મહિન્દ્રા અને ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન (ફિડે)ની સંયુક્ત ટુર્નામેન્ટ છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓની યાદી મંગળવારે જાહેર કરવામાં આવી હતી.
જીસીએલની પ્રથમ સિઝન 21 જૂનથી 2 જુલાઈ દરમિયાન દુબઈ ચેસ એન્ડ કલ્ચર ક્લબ ખાતે દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલના સહયોગથી યોજાશે. લિરેન ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન છે, કાર્લસન વર્લ્ડ નંબર વન છે, આનંદ પાંચવારનો વર્લ્ડ ચેમ્પિયન છે જ્યારે યિફાન ચાર વખત મહિલા વર્લ્ડ ચેમ્પિયન છે.
ટુર્નામેન્ટ ટીમ ફોર્મેટમાં રમાશે. દરેક ટીમમાં ઓછામાં ઓછા બે મહિલા ખેલાડીઓ સાથે છ ખેલાડીઓ હશે. વર્લ્ડ રેપિડ ચેમ્પિયન 2021, નોદિરબેક, અબ્દુસ્તારોવ, 2008 બ્લિટ્ઝ ચેસ વર્લ્ડ ચેમ્પિયન લિનિયર ડોમિંગ્યુઝ, ત્રણ વખતના બ્લિટ્ઝ ચેમ્પિયન એલેક્ઝાન્ડર ગ્રિશચુક અને 2018 વર્લ્ડ રેપિડ ચેમ્પિયન ડેનિલ ડુબોવ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે.