દમણ : સંઘપ્રદેશ દમણ(Daman)માં રહેતી એક મહિલા(Woman)ને ખોટા ઈન્ટરનેશનલ(International ) મોબાઈલ(Mobile) નંબર(Number) થકી બિભત્સ(Nasty) મેસેજ(Message), ગંદા વિડીયો કોલ અને અન્ય વિડીયો મારફતે હેરાન પરેશાન કરનારા એક યુવાનની દમણ પોલીસે આંધ્રપ્રદેશથી ધરપકડ કરી છે.
- આંધ્રપ્રદેશમાં બેસી ઈન્ટરનેશનલ નંબરોનો ઉપયોગ કરી મહિલાને બિભત્સ મેસેજ મોકલનાર પકડાયો
- 25 વર્ષીય આરોપી સૈયદ કેડિકલ ઉર્ફે બદુલા દમણની મહિલાને બિભત્સ મેસેજ, વિડીયો કોલ કરી પરેશાન કરતો હતો
- પોલીસે સતત 8 મહિના ટેકનોલોજી અને અન્ય સર્વેલન્સ સોફ્ટવેરના માધ્યમથી આરોપી પર નજર રાખીને પકડી પાડ્યો
નાની દમણ પોલીસ મથકે 23 જૂલાઈ 2021ના રોજ એક મહિલા પોતાની ફરીયાદ દાખલ કરાવી હતી. જેમાં પોલીસને જણાવ્યું કે, 21 અને 22 જૂલાઈ-21ના રોજ તેના મોબાઈલ નંબર પર અલગ અલગ ઈન્ટરનેશનલ નંબરોથી કોઈએ બિભત્સ મેસેજ મોકલ્યા હતા. જે મેસેજનો જવાબ ન આપતા એજ નંબરો પરથી થોડા સમય પછી ગંદા વિડિયો કોલ અને અશ્લીલ વિડિયો મોકલવામાં આવ્યા હતા. જે બાદ મહિલાએ એ નંબર પર મેસેજ કરી તેને આ પ્રમાણે પરેશાન કરશે તો પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. જેને લઈ અજાણ્યા વ્યક્તિએ મહિલાને પોલીસ ફરિયાદ કરશે તો તેના માટે વધુ ખરાબ સાબિત થશે એ પ્રમાણેની ધમકી આપી હતી. આખરે આઠ મહિનાની મહેનત બાદ દમણ પોલીસે આ કામના આરોપીની આંધ્રપ્રદેશથી ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
આ રીતે પોલીસે આરોપીને કર્યો ઝબ્બે
જો કે, પકડાયેલો આરોપી ખોટા ઈન્ટરનેશનલ નંબરોનો ઉપયોગ કરી મહિલાને બિભત્સ વિડિયો અને મેસેજ કરતો હતો એટલે તેને ટ્રેસ કરવામાં પોલીસને ઘણી મહેનત લાગી હતી. પોલીસે સતત ટેકનોલોજી અને અન્ય સર્વેલન્સ સોફ્ટવેરના માધ્યમથી 8 મહિના સુધી આરોપીને ટ્રેસ કરવાનું કાર્ય ચાલુ જ રાખ્યું હતું. ત્યારે સર્વેલન્સ પોલીસની ટીમને મામલ પડ્યું કે આ પ્રમાણેનું કાર્ય કરનારો વ્યક્તિ આંધ્રપ્રદેશમાં જ બેસી આવું કાર્ય કરી રહ્યો છે. જેને લઈ નાની દમણ પોલીસ મથકના એસ.એસ.ઓ. શોહીલ જીવાણીના નૈતૃત્વમાં એક ટીમ આંધ્રપ્રદેશ મુકામે ગઈ હતી.
ટેકનોલોજી અને ત્યાની સ્થાનિક પોલીસની મદદ તથા તેમના ખબરીઓના સાથ સહકાર થકી આ કામના આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં આંધ્રપ્રદેશના કડપા જિલ્લાના રવિન્દ્ર નગરમાં રહેતો 25 વર્ષિય સૈયદ કેડિકલ ઉર્ફે બદુલાની ધરપકડ કરી દમણમાં લાવી આરોપીને કોર્ટમાં રજુ કરતાં કોર્ટે પકડાયેલા આરોપીના 8 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. હાલ પોલીસ આ કેસ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.
આંધ્રપ્રદેશના સ્થાનિક લોકોએ દમણ પોલીસનો ઘેરાવ કર્યો હતો
દમણ પોલીસ જ્યારે 1250 કિલો મીટરનું અંતર કાપી આંધ્રપ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં જ્યાં આરોપી રહેતો હતો એ જગ્યાએ તેની ધરપકડ કરવા અર્થે સ્થાનિક પોલીસ સાથે ગઈ હતી. ત્યારે ત્યાંના રહેવાસીઓએ દમણ પોલીસનો ઘેરાવો કર્યો હતો. જેને લઈ વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું. અંતે આંધ્રપ્રદેશના કડપા પોલીસ મથકના પોલીસ કર્મીઓએ સુજબુઝથી કામ લઈ આરોપી અને દમણ પોલીસને સહી સલામત કડપા કોર્ટમાં હાજર હાજર કર્યા હતા. જ્યાંથી ટ્રાન્ઝીટ વોરન્ટના આધારે દમણ પોલીસે આરોપીને દમણ લાવવામાં સફળતા મેળવી હતી.
આરોપી થર્ડ પાર્ટી પ્લે સ્ટોરનો ઉપયોગ કરી બિભત્સ મેસેજ-વિડિયો મોકલી મહિલાને ટાર્ગેટ કરતો
પોલીસ દ્વારા આરોપીની સઘન પુછપરછ કરતા અને તે જે સોફ્ટવેરનો ઉપયોગ કરી ઈન્ટરનેશનલ નંબરો થકી દમણની મહિલાને હેરાન પરેશાન કરી ગંદા મેસેજ અને વિડિયો મોકલતો હતો એ બાબતની જાણકારી મેળવતા પોલીસને જાણવા મળ્યું કે આરોપી થર્ડ પાર્ટી પ્લે સ્ટોરનો ઉપયોગ કરતો હતો. ત્યાર બાદ સેકન્ડ લાઈન એપ્લિકેશન અને ફ્રેંડ ટૂલ્સ એપ્લિકેશનના માધ્યમ થકી તે નંબરના લોકેશન બદલી મહિલાઓના મોબાઈલ નંબરને ટાર્ગેટ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન કબ્જે કરી આરોપીએ દમણની મહિલાની સાથે અન્ય કેટલી મહિલાઓને આ પ્રમાણે હેરાન કરી છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
દમણ પોલીસ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ અજાણ્યા નંબર પરથી આવતા કોલ કે મેસેજનો જવાબ ન આપવા તથા કોઈ પણ અજાણી વેબસાઈટ પર અંગત માહિતીઓ કે મોબાઈલ નંબર જેવી માહિતીઓ અદાન પ્રદાન ન કરવા અનુરોધ કર્યો છે.