ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 રેકોર્ડ બેઠકો જીત્યા બાદ ભાજપે સતત 7મી વખત ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી પદે સતત બીજી વાર પાટીદાર નેતા ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પદે શપથ લેવડાવ્યા હતા. ત્યાર બાદ કેબિનેટ, રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ જાહેર કરાયા હતા.
ઋષિ કેશ પટેલે મંત્રી તરીકે શપથ લીધા
ભૂપેન્દ્ર પટેલ બાદ તેમના મંત્રીમંડળના 4 સભ્યોએ પણ શપથ લીધા હતા. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કનુ દેસાઈ, અને રાઘવજી પટેલે શપથ લીધા હતા. આ ઉપરાંત કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, ભાનુબેન બાબરીયા, કુબેર ડીડોરે પણ શપથ લીધા હતા. મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં હતા. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ , જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહ્યા હતા.
અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રી મંડળ હોવાની ચર્ચા
ભુપેન્દ્ર પટેલ સાથે 16 મંત્રીઓ એટલે કે કુલ 17 સભ્યોએ શપથગ્રહણ કર્યા હતા. એટલે કે ઘણા જ ઓછો લોકોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે પહેલા એવી ચર્ચા હતી કે 24થી 25 મંત્રીઓ શપથ લેશે. પરંતુ 17 સભ્યોએ શપથગ્રહણ કરતા આ અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
ભાજપે રિપીટ અને નો-રિપીટ થિયરી અપનાવી
ગુજરાતની રાજનિતીના ઈતિહાસમાં પહેલી વાર સૌથી ઓછા મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લીધા હતા. મંત્રી મંડળ બનાવતી વખતે રિપીટ અને નો રિપીટ થિયરી ભાજપે અપનાવી છે. મોટાભાગે મંત્રીમંડળ નક્કી કરતી વખતે મોટા માથા, જાતિ સહિતના પરિબળો ધ્યાને લેવામાં આવતા હોય છે, જો કે આ વખતે ભાજપની રેકોર્ડ બ્રેક જીત સાથે કોઈ બાધ રાખવામાં આવી નથી.
કેબીનેટ મંત્રી
ઋષિકેશ પટેલ (વિસનગર)
રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય)
બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર)
મુળુભાઈ બેરા (ખંભાળિયા)
ડો.કુબેરભાઈ ડિંડોર (સંતરામપુર એસટી)
ભાનુબેન બાબરીયા (રાજકોટ ગ્રામ્ય, એસસી)
કુંવરજી બાવળિયા (જસદણ)
કનુ દેસાઈ (પારડી)
સ્વતંત્ર હવાલો
રાજ્યકક્ષા
હર્ષ સંઘવી (સુરત)
જગદીશ વિશ્વકર્મા (નિકોલ)
રાજ્યકક્ષાનાં મંત્રી
બચુભાઈ ખાબડ (દેવગઢ બારિયા)
પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)
મુકેશ પટેલ (ઓલપાડ)
પ્રફુલ પાનસેરીયા (કામરેજ)
ભીખુ પરમાર (મોડાસા)
કુંવરજીભાઈ હળપતિ (માંડવી)
આ 10 મંત્રીઓ કપાયા
જીતુ વાઘાણી
પૂર્ણેશ મોદી
કિરીટસિંહ રાણા
અર્જુનસિંહ ચૌહાણ
જીતુ ચૌધરી
મનિષા વકીલ
નિમિષા સુથાર
ગજેન્દ્રસિંહ પરમાર
વિનુ મોરડિયા
દેવા માલમ
પી.એમ મોદીએ અભિનંદન પાઠવ્યા
પી.એમ મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તેમજ તેઓની સાથે શપથ લીધેલા અન્ય મંત્રીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા, તેઓએ ટ્વીટ કરી ને જણાવ્યું હતું કે, શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું મંત્રી તરીકે શપથ લેનારા તમામ લોકોને પણ અભિનંદન આપવા માંગુ છું. આ એક દમદાર ટીમ છે જે ગુજરાતને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જશે.