સુરત: દિવાળીનો તહેવાર નજીક છે. તેમ છતાં કારમી મોંઘવારી(Inflation)ને લીધે નાયલોન ફેબ્રિક્સ(Nylon Fabrics)ની ડિમાન્ડ(Demand) નબળી રહેતાં આ સેગમેન્ટ મંદીમાં સપડાયું છે. સુરત નાયલોન વિવર્સ એસોસિએશનના અગ્રણી વિમલ બેકાવાળાએ જણાવ્યું હતું કે, માર્કેટમાં ફેબ્રિક્સની ડિમાન્ડ નથી અને બીજી તરફ નાયલોન સ્પિનર્સની કાર્ટેલને લીધે નાયલોન વિવર્સને અઢીથી ત્રણ રૂપિયા નુકસાન થઈ રહ્યું છે. નુકસાની ઓછી કરવા વિવર્સ સપ્તાહમાં બે દિવસ બંધ રાખી ઉત્પાદન કાપ રાખી રહ્યા હતા. હવે સોમવારથી 3 દિવસ બંધ રાખશે, માર્કેટમાં ડિમાન્ડ નથી, મંદી છે. ઓછું પ્રોડક્શન દિવાળીમાં કારીગરો સાચવવા કરી રહ્યા છે. સ્પિનર્સ પાસે પણ નાયલોન યાર્નનો મોટો સ્ટોક પડ્યો છે. સપ્ટેમ્બરમાં સ્પિનર્સને ખૂબ ઓછું બુકિંગ મળ્યું હોવા છતાં ભાવો તૂટ્યા નથી. બીજી તરફ એક મોટી નાયલોન યાર્ન ઉત્પાદક કંપનીએ ક્વોન્ટિટીમાં માલ ખરીદનાર વિવરને 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. છતાં વિવર્સ લલચાયા નથી. નાયલોન યાર્નના ભાવ નાયલોન ચિપ્સના ભાવ સાથેની ગણતરી કરતાં 60 રૂપિયાનો ફર્ક દર્શાવે છે.
- નાયલોનમાં નરમાઈ: નબળી ડિમાન્ડને લીધે નાયલોન વિવર્સ સોમવારથી સપ્તાહમાં 3 દિવસ બંધ રાખશે
- સ્પિનર્સની કાર્ટેલને લીધે નાયલોન વિવર્સને અઢીથી ત્રણ રૂપિયા નુકસાન થઈ રહ્યું છે : વિમલ બેકાવાળા
- મોટી નાયલોન યાર્ન ઉત્પાદક કંપનીએ ક્વોન્ટિટીમાં માલ ખરીદનાર વિવરને 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી
વિવર્સ એસોસિએશનના અગ્રણી વિમલ બેકાવાળાએ ઉદાહરણ સાથે ગણતરી રજૂ કરતા જણાવ્યું હતું કે, નાયલોન ચિપ્સનો વેચાણ ભાવ 1.85 ડોલર એટલે કે 1 કિલોનો ભાવ રૂપિયા 149 થાય છે. તેની ઉપર 5.5% કસ્ટમ ડ્યૂટી લેખે રૂ.8.20+ કાર્તેજ રૂ.2 + સ્પિનર્સનો જોબ ચાર્જ રૂ.60 થાય છે. ટોટલ કોસ્ટિંગ સ્પિનર્સની રૂ. 219.20 તેમને ઘરમાં પડે છે. ને હાલના ભાવ 30/34 fdy રૂ.280થી વેચાણ કરે છે. એટલે સ્પિનર્સ કિલોએ રૂ.60 નેટ પ્રોફિટ કરે છે. યાર્નનું કોસ્ટિંગ ઊંચું જતાં સ્પિનર્સ કમાઈ રહ્યા છે અને વિવર્સ અઢીથી ત્રણ રૂપિયા મીટરે ખોટ વેઠી રહ્યા છે. એસોસિએશને કાપડનો જૂનો સ્ટોક ક્લિયર થયા પછી જ યાર્નની ખરીદી કરવી. નુકસાનીની ગણતરી કરી ઉત્પાદન કાપ મૂકવો. યાર્નના ભાવ તૂટે અને વાસ્તવિક સ્તરે આવે ત્યારે જ ખરીદી કરવી એવી વિવર્સને અપીલ કરી છે.