Gujarat

ગુજરાતીઓમાં ભારતની નાગરિક્તા છોડવાની હોડ, પાસપોર્ટ સરેન્ડરની સંખ્યા જાણી ચોંકી જશો

અમદાવાદ: દિલ્હી અને પંજાબ બાદ હવે ગુજરાતના (Gujarat) લોકોમાં વિદેશ પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં વસતા લોકો ભારતીય નાગરિકત્વનો (Indian citizenship) ત્યાગ કરીને વિદેશમાં સ્થાયી થવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેમજ પોતાની ભારતીય નાગરીક્તા છોડી પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ ગઈ છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ જાન્યુઆરી 2021 થી બે વર્ષ સુધીમાં 1,187 ગુજરાતી લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. તેમજ 2023માં રેકોર્ડબ્રેક 485 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા, જે 2022માં સરેન્ડર કરાયેલા 241 પાસપોર્ટ કરતા બમણા છે. ઉદાહરણ તરીકે ઉત્પલ પટેલ નામના વ્યક્તિએ 2011માં અમદાવાદ છોડી દીધું હતું. ત્યાર બાદ તેઓ અભ્યાસ માટે ઉત્તરી કેનેડા ગયા અને 2022 સુધીમાં ઉત્પલે કેનેડાની નાગરિકતા મેળવી લીધી અને 2023 સુધીમાં તેમનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો. બસ આ જ રીતે કુલ 1,187 ગુજરાતીઓએ કોઇ ને કોઇ કારણસર પોતાની નાગરિક્તાનો ત્યાગ કરી વિદેશની નાગરિક્તા સ્વીકારી હતી. તેમજ ગુજરાતીઓમાં આ પ્રકારનું વલણ પણ વધ્યું છે.

ગુજરાતીઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા છે
સ્થાનિક પાસપોર્ટ ઓફિસના ડેટા મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને નર્મદા સહિતના વિસ્તારોમાં લોકો પાસપોર્ટ સરેન્ડર કરી રહ્યા છે. ત્યારે વર્ષના માત્ર પાંચ મહિનાઓમાં જ એટલે કે મે 2024માં આ આંકડો 244 પર પહોંચી ગયો છે. ત્યારે જેમણે તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે તેમની ઉંમર 30 થી 45 વર્ષની આસપાસ હોવાનું પણ સામે આવ્યું છે. જેમાંના મોટાભાગના લોકો અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા છે.

પાસપોર્ટ સરેન્ડર કરવાનું કારણ શું છે?
વિઝા કન્સલ્ટન્ટ લલિત અડવાણીએ જણાવ્યું હતું કે ઘણા ઉદ્યોગપતિઓ સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનની ગુણવત્તા માટે વિદેશ જઈ રહ્યા છે. ત્યારે “ભારતમાં ઉચ્ચ જીવનધોરણ ધરાવતા લોકો પણ હરિયાળીનો અભાવ અને ડ્રાઇવિંગની નબળી સ્થિતિ જેવા મુદ્દાઓને કારણે વિદેશ જવા માંગે છે. અમદાવાદ સહિતના ગુજરાતના શહેરો રાહદારીઓ માટે અનુકૂળ નથી.”

વિદેશી નાગરિકતા મેળવ્યા બાદ પાસપોર્ટ સરેન્ડર કરવો પડે છે
જણાવી દઇયે કે જેઓ ભારતીય નાગરિકતાનો ત્યાગ કરે છે અને વિદેશી નાગરિકતા મેળવે છે તેમને પાસપોર્ટ સમર્પણ પ્રમાણપત્ર આપવામાં આવે છે. પાસપોર્ટ એક્ટ 1967 મુજબ, ભારતીય પાસપોર્ટ ધારકોએ વિદેશી નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી તેમનો પાસપોર્ટ સરેન્ડર કરવો જરૂરી છે. જો આ 3 વર્ષની અંદર કરવામાં આવે છે, તો કોઈ દંડ નથી. જો કે, 3 વર્ષ પછી 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

Most Popular

To Top