National

NTAએ રદ્દ થયેલી ત્રણ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી, જાણો નવું શેડ્યુલ

નવી દિલ્હી: NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે રદ્દ થયેલી 2024ની ત્રણ પરીક્ષા નવી તારીખો જાહેર કરી છે. જેમાં NCET 2024, CSIR- UGC NET, UGC NET June 2024 Cycle નો સમાવેશ થાય છે. આ પરિક્ષાઓ હવે 10 જુલાઇથી 04 સપ્ટેમ્બર વચ્ચે લેવામાં આવશે.

NTAના જણાવ્યા મુજબ UGC નેટની પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. જ્યારે જોઈન્ટ CSIR- UGC NETની મોકુફ રાખવામાં આવેલી પરીક્ષા 25 થી 27 જુલાઈ દરમિયાન CBT મોડમાં લેવામાં આવશે. ત્યારે NTAની સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જારી કરીને આ સંબંધમાં માહિતી આપવામાં આવી છે.

જુલાઈમાં યોજાનાર યુજીસી નેટનું આ પેપર કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હશે જ્યારે 18 જૂને રદ થયેલ પેપર ઓફલાઈન મોડમાં હતું. ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ (ITEP)માં પ્રવેશ માટેની નેશનલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (NCET) મોકૂફ રાખવામાં આવી હતી, આ ટેસ્ટ હવે માત્ર CBT મોડમાં 10 જુલાઈએ લેવામાં આવશે.

NTA એ ‘આગામી પરીક્ષાઓ માટે NTA પરીક્ષા કેલેન્ડર’ શીર્ષકવાળી નોટિસ બહાર પાડી હતી, જેમાં ઉમેદવારોને પરીક્ષાની નવી તારીખો અને પદ્ધતિ વિશે માહિતી આપવામાં આવી હતી. UGC NET જૂન 2024 સાયકલ શરૂઆતમાં પેન અને પેપર મોડમાં હાથ ધરવામાં આવી હતી, હવે તે કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) ફોર્મેટમાં લેવાશે. આ મહિનાની શરૂઆતમાં 18 જૂને UGC-NET પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાના અહેવાલો સામે આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે શિક્ષણ મંત્રાલયે બીજા દિવસે પરીક્ષા રદ્દ કરી હતી.

જ્યારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પુષ્ટિ કરી હતી કે લીક થયેલ પ્રશ્નપત્ર મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતું હોવાની પુષ્ટિ કર્યા પછી તરત જ પરિક્ષાને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેમણે પરીક્ષાની અખંડિતતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાને કહ્યું, ‘યુજીસી-નેટનું પ્રશ્નપત્ર ડાર્કનેટ પર જોવા મળ્યું હતું, જે મૂળ પ્રશ્નપત્ર જેવું જ હતું.’

Most Popular

To Top