વિદ્યાર્થી સંગઠનમાં સસ્પેન્શનનો ડ્રામા અને લાડમેનનું પાવર પ્લે
નવી ટીમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાઈ


( પ્રતિનિધી )વડોદરા,તા.7
પ્રદેશ NSUIના રાજકારણમાં તાજેતરમાં એક મોટો અને વિવાદાસ્પદ વળાંક આવ્યો છે. જેણે યુવા સંગઠનની આંતરિક ગતિવિધિઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ લીધેલા નિર્ણયોએ સંસ્થામાં જૂની દુશ્મની અને નવી મહત્વાકાંક્ષાઓનું મિશ્રણ કર્યું છે.નરેન્દ્ર સોલંકીએ પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વ્રજ પટેલ અને પ્રદેશ મંત્રી તરીકે સુઝાન લાડમેનની નિમણૂક કરીને સંગઠનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે.

એન.એસ.યુ.આઈમાં નિમણૂકના સ્વાગત કાર્યક્રમનું આયોજન એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું. જ્યાં એનએસયુઆઈના કાર્યકરોની મોટી ઉપસ્થિતિ અને ફટાકડાની ગુંજ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવી ટીમને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાઈ હતી. પરંતુ આ સમગ્ર ઉજવણીની ધરી પર એક જ નામ હતું સુઝાન લાડમેન. સુઝાન લાડમેનની નિમણૂક સંગઠનમાં એક ચર્ચાનો વિષય બની છે. કારણ કે થોડા જ મહિનાઓ અગાઉ તેમને તત્કાલીન NSUI પ્રમુખ અમર વાઘેલા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શનના નિર્ણયને લાડમેને તે સમયે સાર્વજનિક રીતે ફગાવી દીધો હતો અને દાવો કર્યો હતો કે તેમને કોઈ સત્તાવાર લેટર મળ્યો નથી. હવે, સસ્પેન્શનના આ વિવાદ પછી લાડમેનનું સીધું મંત્રી પદ પર પુનરાગમન થવું, તે સ્પષ્ટ સંકેત આપે છે કે પ્રદેશ સ્તરે અમર વાઘેલાના આદેશોને અવગણના કરવામાં આવી છે. આ ઘટનાક્રમનો પરાકાષ્ઠાનો તબક્કો ત્યારે આવ્યો જ્યારે મેઈન બિલ્ડિંગ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમર વાઘેલાએ પોતે સુઝાન લાડમેનને પુષ્પાહાર પહેરાવ્યો. જે નેતાએ સસ્પેન્ડ કર્યો, તે જ નેતાએ સન્માન કર્યું. આ દ્રશ્યો NSUIની આંતરિક ખેંચતાણ અને સમાધાનની રાજનીતિને છતી કરે છે. પ્રમુખ અમર વાઘેલાએ પરિસ્થિતિને હળવી કરવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, અમારા વચ્ચે મતભેદ હોઈ શકે, પણ મનભેદ નથી અને સાથે મળીને કામ કરવાની ખાતરી આપી. જોકે, આ નિવેદન સંગઠનની અંદરની જૂથબંધી અને પાવર બેલેન્સમાં આવેલા ફેરફારને ઢાંકવાનો એક પ્રયાસ માત્ર છે. બીજી તરફ, પ્રદેશ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા વ્રજ પટેલની વાપસી રાજકીય રીતે વધુ મહત્ત્વપૂર્ણ ગણાય છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારત તરફ વળવાનો તેમનો નિર્ણય અને તરત જ તેમને પ્રદેશ ઉપપ્રમુખનું પદ સોંપવું એ સ્પષ્ટ કરે છે કે NSUI યુનિવર્સિટી સ્તરે તેમની મજબૂત પકડનો લાભ લેવા માંગે છે. વ્રજ પટેલને યુનિવર્સિટીની કમાન સોંપવાનો નિર્ણય તેમના ધારદાર વિદ્યાર્થી નેતા તરીકેના ભૂતકાળને ધ્યાનમાં રાખીને લેવાયો છે. ઉપરાંત, વોર્ડ નંબર 6માં તેમના સક્રિય કાર્યકર તરીકેના પાયાને જોતા, રાજકીય પંડિતો માની રહ્યા છે કે NSUI તેમને યુવા કોર્પોરેટર તરીકે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉતારી શકે છે. તેમની આ નિમણૂક માત્ર યુનિવર્સિટી સ્તરનું રાજકારણ નથી, પરંતુ કોર્પોરેશનની ચૂંટણી માટેની પૂર્વ તૈયારી છે. આ નિમણૂક NSUIમાં ‘પૂર્વ વિરોધીઓ સાથે સમાધાન’ અને નવા, શક્તિશાળી નેતૃત્વને પ્રોત્સાહનની બેધારી વ્યૂહરચના દર્શાવે છે. સુઝાન લાડમેનનો પ્રવેશ અને વ્રજ પટેલનું વ્યૂહાત્મક પુનરાગમન ગુજરાત NSUIના આગામી રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે.