હવે પરીક્ષાર્થીઓએ માની લેવુ જોઇએ કે ગતિશીલ સરકાર પેપર ફૂટતા નહીં અટકાવી શકે

ઉનાવામાં વન વિભાગની પરીક્ષામાં ગેરરીતિ નો આક્ષેપ થયો છે મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં ગેરરીતિનો આ આક્ષેપ કરવામાં આવ્યો છે. વન વિભાગની આજરોજ રવિવારે 12 થી 2  કલાકની પરીક્ષા હતી. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં આ પરીક્ષા લેવાઈ હતી. ઉનાવા નાગરિક મંડળ સેન્ટર ઉપર વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક  મંડળ ના લેટર પેડ ઉપર પ્રશ્નપત્ર ના જવાબ ફરતા થયા હતા. 10 નંબર ના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા  લેટરપેડ સાથે રૂમમાં આવ્યો. રૂમમાં જવાબ સાથે  આવતા એક વિદ્યાર્થીએ હોબાળો મચાવ્યો હતો અને વાત નિરીક્ષક સુધી પહોંચતા અન્ય પરિક્ષાર્થીઓએ પણ હોબાળો મચાવ્યો હતો જેના કારણે આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો.

આ  બાબતમાં ગંભીર  બાબત એ બહાર આવી હતી કે પરીક્ષા ના જવાબ સ્કૂલ ના લેટર પેડની પાછળ જ સોલ્વ કરવામાં આવ્યા હતાં. 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયુ હતું. વર્ષ 2018માં ભરતી બહાર પાડવામા આવી હતી તેના માટે રાજ્યભરમાંથી અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે અગાઉ પરીક્ષા સ્થગિત રખાઈ હતી. આખરે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા બાદ આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવારો પરીક્ષા આપી હતી. લેખિત કસોટી બાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવાની હતી, તે પહેલા જ પેપર ફૂટવાની ઘટના બની છે. પરીક્ષા માટે ફોર્મ ભરાયાને 4 વર્ષ વીત્યા હોવાથી વયમર્યાદા વટાવી ચુકેલા ઉમેદવારોને રાહત આપવાનો નિર્ણય પણ લેવાયો હતો. જોકે સરકાર તરફથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પરીક્ષા બરાબર જ લેવાઈ હોવાનું જણાવ્યું છે.

પેપર ફૂટવા મામલે આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે સરકાર પાર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબત છે. હવે તો હદ થઇ, હવે પેપર નિષ્પક્ષ પણે આ સરકારથી ના લઈ શકાતા હોય તો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારાથી નિષ્પક્ષપણે આયોજન ના થતું હોય તો અમારા જેવા યુવાનો આ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરવા તૈયાર છે. મહેસાણાના જિલ્લા શિક્ષણાધિકારી એ.કે. મોઢે જણાવ્યું હતું કે, મહેસાણાના ઉનાવા સેન્ટર પર બપોરે 12 થી 2 દરમિયાન પરીક્ષા યોજાઈ રહી હતી ત્યારે એક ઊમેદવાર 1-45 કલાકે બહાર ગયો હતો અને પરત પરીક્ષા ખંડમાં આવ્યો હતો. તેને તપાસતા તેની પાસેથી એક કાપલી મળી આવી હતી જેમાં કેટલાક જવાબો લખેલા છે. આ મામલે સુપરવાઈઝર અને ઓબ્ઝર્વરના નિવેદન લેવામાં આવ્યા છે. સીસીટીવીના આધારે જે રેકર્ડ મળ્યું છે તે ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશ્નલ પરીક્ષા સમિતિને મોકલી આપવામાં આવશે. શું કાર્યવાહી કરવી તે પરીક્ષા સમિતિ નક્કી કરશે.

હવે જ્યારે આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું છે ત્યારે કંઇને કંઇ તો થયું જ છે એ તેનું કારણ એ પણ છે કે, પહેલા રવિ નામનો એક પરીક્ષાર્થી પકડાયો હતો. તેની પાસેથી જે કાપલી મળી હતી તેમાં આન્સર લખવામાં આવ્યા હતાં. ત્યાર બાદ રાજુ ચૌધરી નામનો એક વધુ આરોપી પકડાયો જે આ સર્વોદય શાળામાં જ પ્રાથમિક શાળામાં જ કર્મચારી હોવાની વાત છે એટલું જ નહીં અન્ય એક પરીક્ષાર્થી પણ આન્સર શીટ સાથે ઝડપાયો છે. જો કે, પોલીસ હજી તપાસ કરી રહી છે.

ગુજરાત સરકાર માટે પેપર ફૂટવાની વાત એ કોઇ નવાઇની વાત નથી. આ પહેલા  પણ અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી ચૂક્યા છે. અને આ પહેલા તો એવા કેટલાય પેપર ફૂટ્યા હશે જેની જાણકારી હજી સુધી બહાર આવી નહીં હશે. પરંતુ હવે પ્રજા જાગૃત છે અને વિદ્યાર્થીઓ પણ જાગૃત છે તેઓ આવી કોઇપણ ગેરરિતી ચલાવી લેવા માંગતા નથી. જેના કારણે એક પછી એક કિસ્સાઓ બહાર આવતા જાય છે. આવા બધા પ્રકરણોમાં સત્તા પક્ષ નિવેદન આપીને વાત ભૂલી જશે. જે રીતે અગાઉ જેટલા પણ ભરતી પરીક્ષા કૌભાંડમાં થયું હશે. વિરોધ પક્ષ પણ છાપામાં જેટલા દિવસ ઇસ્યુ ચાલે તેટલા દિવસ વિરોધ કરશે અને પછી કોઇ બીજો મુદ્દો હાથમાં આવી જાય એટલે તે પણ આ મુદ્દો ભૂલી જશે. પરંતુ એ વિદ્યાર્થીઓનું શું જેવો વર્ષોથી આ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે. સરકાર માટે આ નિવેદન બાજીનો વિષય છે જ્યારે વિદ્યાર્થીઓ માટે ભવિષ્ય નો સવાલ હોય છે. તેમની આખી જિંદગી આવી પરીક્ષાઓ પર નિર્ભર હોય છે. આવુ એક વાર થાય તો સમજી શકાય તેમ છે પરંતુ વારંવાર થાય તો સરકારને કોઇ કાળે માફ નહીં કરી શકાય.

હાલમાં જે રીતે પેપર લીક થઇ રહ્યાં છે તે જોતા તો એવું લાગે છે કે, ગતિશીલ સરકારને બદલે પેપર ફોડુ સરકાર નામ આપી દેવું જોઇએ. જે રીતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી હાલમાં નિવેદન આપી રહ્યાં છે કે, આ કોઇ પેપર ફૂટવાનો મામલો નથી આતો કોપી કેસનો મામલો છે. તો તેમને સીધો સવાલ એ છે કે તો પછી ડી વિભાગના જવાબો કેવી રીતે પરીક્ષાખંડ સુધી પહોંચી ગયા? આ પહેલા જ્યારે હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું ત્યારે પણ શરૂઆતમાં આવો જ રાગ આલાપવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ગુનો દાખલ થતાં જ સક્રિય થયેલી પોલીસે એક બે નહીં પરંતુ અનેક આરોપીને ઝડપી પાડ્યા હતાં. એટલે સરકારને વિનંતી છે કે, મુક્ત વાતાવરણમાં પરીક્ષા લેવાની ત્રેવડ નહીં હોય તો સ્વીકારી લેવું જોઇએ પરંતુ પૂરતી તપાસ વગર આવું કઇ બન્યું જ નથી તેવું નિવેદન તો ન જ કરવું જોઇએ.

Most Popular

To Top