ગાંધીનગર : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દેશભરના 57 એરપોર્ટ માટે વિવિધ જનસુવિધાઓનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજકોટવાસીઓ માટે ખુશખબર આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને એર કાર્ગો ટર્મિનલની સુવિધા શરૂ કરવામાં આવશે.
રાજકોટ એરપોર્ટ પર ખાસ ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું હતું. સામાન્ય રીતે એરપોર્ટ પર ખાદ્યચીજો મોંઘી હોવાની મુસાફરોની ફરિયાદને ધ્યાને રાખીને આ સુવિધા શરૂ કરાઈ છે, જેમાંચા: માત્ર ₹10માં, કોફી/સમોસા/કચોરી – માત્ર ₹20માં ઉપલબ્ધ થશે.
વર્ચ્યુઅલ માધ્યમથી નાડયુએ દેશના અન્ય એરપોર્ટ્સ માટે નીચે મુજબના પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂક્યા હતા.
- ડીજી યાત્રા અંતર્ગત 08 એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી સિસ્ટમ ઉભી થશે.
- ઇન્ટરનેટ અને મનોરંજનની વાત કરીએ તો 50 ફ્રી વાઇ-ફાઇ ઝોન, 10 કિડ્સ ઝોન અને 16 ‘ફ્લાયબ્રેરીઝ’ (લાઇબ્રેરી)ની સુવિધા મળશે.
નાયડુએ આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, વર્ષ 2014માં દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે આજે વધીને 165થી વધુ થઈ ગયા છે. તેમણે કહયું હતું કે આગામી દાયકામાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાનું આયોજન છે. પ્રધાનમંત્રીનો સંકલ્પ એરપોર્ટની સંખ્યા 350 સુધી લઈ જવાનો છે.’ઉડાન સ્કીમ’ માટે ₹29,000 કરોડ મંજૂર કરાયા છે, જે સિવિલ એવિએશનના ઇતિહાસમાં સૌથી મોટું ભંડોળ છે. હવે ‘હવાઈ ચપ્પલ’ પહેરનારો માનવી પણ ‘હવાઈ જહાજ’માં ઉડતો થયો છે, જે આ યોજનાની સફળતા દર્શાવે છે.તેમણે માહિતી આપી હતી કે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ વચ્ચે ગલ્ફ દેશોમાંથી 5 લાખ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. વધુમાં, એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો તપાસ રિપોર્ટ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનો પ્રારંભ
ભાવનગરના લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ થતા શહેરના વેપાર અને ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર જોવા મળી છે. આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુનો ભાવનગરના જી.કે. પારેખ હોલ ખાતે વિશેષ અભિવાદન સમારોહ યોજાયો હતો. સમારોહને સંબોધતા કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ‘ઉડાન’ (UDAN) યોજના આજે વિશ્વના અન્ય દેશો માટે પણ અભ્યાસનો વિષય અને પ્રેરણારૂપ બની છે.એક સમયે વિમાન પ્રવાસ માત્ર શ્રીમંતો પૂરતો મર્યાદિત હતો, પરંતુ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હવે સામાન્ય મધ્યમ વર્ગનો માણસ પણ હવાઈ મુસાફરી કરી રહ્યો છે.આગામી ૧૦ વર્ષમાં દેશમાં ૧૦૦ નવા એરપોર્ટ અને ૨૦૦ હેલીપેડ બનાવવાનું લક્ષ્ય છે, જે માટે ₹૨૮,૦૦૦ કરોડનું માતબર ભંડોળ ફાળવવામાં આવ્યું છે.