બનાસકાંઠા: બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ(Nadabet) સ્થિત ભારત-પાકિસ્તાન(India-Pakistan) આંતરરાષ્ટ્રીય (International) સીમા(Boundary) ખાતે નિર્મિત ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ પંજાબ સ્થિત વાઘા સરહદની જેમ જ ગુજરાતમાં પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ બની રહેશે એવી આશા રાખવામાં આવે છે.
વાઘા બોર્ડર પર જે રીતે ઝીરો પોઇન્ટ છે તે રીતે નડાબેટમાં પણ પાકિસ્તાન સાથેની સરહદ પરનું ઝીરો પોઇન્ટ છે. વાઘા સરહદે જે રીતે દરરોજ સાંજે સૂર્યાસ્તના સમયે બીએફએફના જવાનો જોશભેર રિટ્રીટ વિધી કરીને ધ્વજ ઉતારે છે તેવા દ્રશ્યો પર્યટકોને હવે નડાબેટમાં પણ જોવા મળશે. ગૃહમંત્રી શાહે સીમાદર્શન પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.
સીમ દર્શન ખાતે છે આ સુવિધાઓ
તેમણે કહ્યું હતું કે સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે 3 આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, 5000 લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે.
માત્ર 100 રૂપિયામાં જ થશે સીમા દર્શન
સુઈગામથી નડાબેટ જતાં જ નડેશ્વરી મંદિરે જવા અલાયદો રસ્તો અને દર્શન કરી પરત 500 મીટરના અંતરે આવેલા ટી જંકશન પર પ્રત્યેક વ્યક્તિના રૂ.100 પ્રવેશ ફી લઈ અહીં મુક્ત મને ફરી શકાશે. ત્યાંથી બસમાં ઝીરો લાઈન સુધી લઈ જવાશે. જેમાં તમામ મ્યુઝિયમ અંદરથી જોઈ શકાશે. માત્ર એડવેન્ચર એક્ટિવિટી ચાર્જ અલગથી ચૂકવવો પડશે. પ્રવાસન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, હાલમાં 10 બસોથી સતત અવરજવર ચાલુ રખાશે. અન્ય વાહનો હવે જીરો લાઈન બોર્ડર સુધી લઈ જવા દેવામાં નહીં આવે. અત્યાર સુધી બધું જ મફત હતું, હવે નાનાં બાળકો માટે 50 રૂપિયા અને મોટા માટે 100 રૂપિયા રખાયા છે. જોકે, નડેશ્વરી મંદિરમાં યાત્રિકોના દર્શન માટે વાહનો લઈ જવા અલગથી રોડ બનાવાયો છે.
BSFનાં જવાનોની કામગીરી બિરદાવી
શાહે BSFના જવાનોની જવાંમર્દીને બિરદાવતા કહ્યું હતું કે બી.એસ.એફ.ના જવાનો માઈનસ ૪૦ ડિગ્રી થી લઈને પ૦ ડિગ્રી ગરમીની કઠીન પરિસ્થિતિઓમાં દેશનું રક્ષણ કરે છે. સીમાઓ પર દૂર હજારો કિ.મી.દૂર તપતા રેગિસ્તાનમાં આપણી સુરક્ષા માટે તેઓ ખડેપગે ઊભા છે. “જીવનપર્યંત કર્તવ્ય”ના નારા સાથે દેશની સેવામાં બી.એસ.એફ. હંમેશા અગ્રેસર છે તેમ જણાવી તેમણે કહ્યું કે દેશ પર જ્યારે જ્યારે આફત આવી છે ત્યારે બી.એસ.એફ.ના જવાનોએ જાનની બાજી લગાવી દેશસેવા કરી છે.
લાખો લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે : શાહ
શાહે કહ્યું હતું કે આપણા પીએમ નરેન્દ્ર મોદીની કલ્પનાને હું વંદન કરું છું કે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમાદર્શન પ્રોજેક્ટ નિર્માણ પામ્યો છે. આ પ્રોજેક્ટથી પ્રવાસનના વિકાસની સાથે નવી રોજગારીનું સર્જન થશે. તેમણે આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આવનારા ૧૦ વર્ષ પછી આ વિસ્તારમાં લાખો લોકોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે કહ્યું હતું કે નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા જિલ્લો પ્રવાસનની બાબતમાં સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા આશયથી સીમાદર્શન પ્રોજેક્ટ શરૂ કરાયો છે.
નડાબેટની મુલાકાત લેવા પ્રવાસન મંત્રીની અપીલ
રાજચના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે કે પ્રવાસન વિભાગ દ્વારા ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે નડેશ્વરી માતાના સાનિધ્યમાં અધર્મ સામે ધર્મના વિજયપ્રતિક સમાન રામનવમીના પાવન અવસરે બોર્ડર ટુરિઝમના અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રાજય સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને બીચ ટુરિઝમની જેમ બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપતા આ પ્રોજેક્ટની સફળતા સાથે પ્રવાસન ક્ષેત્ર નવી ઉંચાઇઓ સર કરશે. બાળકોમાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય તે માટે સીમાદર્શન નડાબેટની મુલાકાત લેવા પ્રવાસન મંત્રીએ અપીલ કરી હતી. આ પ્રસંગે BSF જવાનો દ્વારા પરેડ અને બીટિંગ રિટ્રીટ સેરેમની યોજવામાં આવી હતી. સાથે જ સુપ્રસિદ્ધ ગાયક પદ્મશ્રી કૈલાસ ખેર દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરાયા હતા.