અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)માં મેટ્રો ટ્રેન(Metro Train) પ્રોજેકટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત 30મી સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી મોદીએ મેટ્રોને લીલીઝંડી આપી હતી. હાલ થલતેજથી વસ્ત્રાલ અને મોટેરાથી વાસણા APMC સુધીના રૂટ પર મેટ્રો દોડતી થઈ ગઈ છે. ત્યારે હવે અમદાવાદથી ગાંધીનગર(Gandhinagar) સુધી મેટ્રો ટ્રેન દોડશે. જેના માટે 1700 કરોડનાં એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે.
ફ્રેંચ રાજદૂતે ટ્વીટ કરી માહિતી આપી
અમદાવાદમાં મેટ્રો ફેઝ – 1 શરુ થયા બાદ હવે ફેઝ – 2ની કામગીરીએ પણ સ્પીડ પકડી છે. આ માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર ગઇકાલે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બાબતે ફ્રેંચ રાજદૂતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ગતરોજ ગાંધીનગર ખાતે સિગ્નેચર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેઝ-2 માટેના રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર સહી કરવામાં આવી હતી. આ અંગે ખુદ ફ્રેન્ચ રાજદૂતે ટ્વીટ કરીને માહિતી આપી હતી. ફ્રેન્ચ રાજદૂતે મેટ્રો સાઈટની પણ વિઝિટ પણ કરી હતી. અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર તથા દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.
અમદાવાદનાં વિસ્તારોમાંથી મેટ્રો પસાર થશે
હાલમાં અમદાવાદમાં વસ્ત્રાલ અને મોટેરાથી વાસણા APMC સુધીના રૂટ પર મેટ્રો દોડતી થઈ છે. ત્યારે હવે ગાંધીનગરની હદ વિસ્તારમાં પણ મેટ્રો ટ્રેન શરુ કરવાની વિચારણા શરુ થઇ છે. આ બાબત વડાપ્રધાન મોદીએ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જેમા શહેરનાં ક્યા-ક્યા વિસ્તારોમાં મેટ્રો ટ્રેન દોડાવી શકાય એ અંગે પ્લાન બનાવવાની સુચના આપી હતી. જેથી એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં જે પ્રકારે મેટ્રો શરુ કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો એ મુજબ અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં પહેલા બંને છેડા મેટ્રોથી સાંકળવામાં આવ્યા હતા એવી જ રીતે અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોને મેટ્રોથી સાંકળવાનો સરકારનો પ્લાન છે. આ સિવાય SG હાઈવે અને SP રિંગ રોડ અને એની પણ બહાર વિકસેલા અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોને પણ મેટ્રોથી કનેક્ટ કરાશે, જેમાં સાણંદ, થોળ, કલોલ, કડીનો પણ સમાવેશ થઈ શકે છે, કારણ કે અહીંથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ કે ગાંધીનગર રોજેરોજ અપડાઉન કરે છે. મેટ્રોનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર આગામી બજેટમાં ખાસ ફાળવણી પણ કરી શકે છે. મેટ્રોના નવા કોરિડોરની પણ જાહેરાત થઈ શકે છે.