Editorial

હવે ભારત આતંકવાદ સાંખી લે તેમ નથી અને તે જરૂરી પણ છે

પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવારુલ હક કાકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એક વખત કાશ્મીર રાગ આલાપ્યો હતો. જોકે, ભારતે જવાબ આપવાના અધિકાર હેઠળ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. ભારતે પાકિસ્તાનને આતંકીઓને છાવરતો, લઘુમતીઓ પર અત્યાચાર ગુજારતો દેશ ગણાવતા તેને પીઓકે ખાલી કરવા પણ કહી દીધું હતું. ભારતે માત્ર પાકિસ્તાનને જ નહીં, પરંતુ આખી દુનિયાને ફરી કહ્યું હતું કે, પાકિસ્તાન આતંકીઓનું આશ્રયસ્થાન છે.

ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મીશનનાં ફર્સ્ટ સેક્રેટરી અને યુવાન રાજદૂત પેટલ ગેહલોતે કહ્યું, ‘સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારત વિરુદ્ધ આધારહીન અને દુર્ભાવનાપૂર્ણ પ્રચાર કરવાના સંદર્ભમાં પાકિસ્તાન એક રીઢા ગૂનેગાર સમાન છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશ અને અન્ય બહુપક્ષીય સંગઠનો સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન માનવાધિકારો પર તેના ખરાબ રેકોર્ડ પરથી હટાવવા માટે આવું કરે છે.’

તેમણે ઉમેર્યું હતું કે, ‘અમે ફરી ને ફરી એ બાબતનું પુનરાવર્તન કરીએ છીએ કે જમ્મુ-કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત બાબતો સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબતો છે. પાકિસ્તાનને અમારી ઘરેલુ બાબતો પર ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ‘ પાકિસ્તાનને દર્પણ બતાવતા ભારતીય રાજદૂતે કહ્યું, દુનિયાના સૌથી ખરાબ માનવાધિકાર રેકોર્ડવાળા દેશ તરીકે વિશેષરૂપે લઘુમતીઓ અને મહિલાઓના અધિકારોના સંદર્ભમાં દુનિયાના સૌથી મોટા લોકતંત્ર પર આંગળી ઉઠાવતા પહેલાં પાકિસ્તાને પોતાનું ઘર સંભાળવું જોઈએ.

ભારતે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ સરકારી હિંસાનું એક જ્વલંત ઉદાહરણ ઑગસ્ટ ૨૦૨૩માં લઘુમતી ખ્રિસ્તી સમાજ વિરુદ્ધ મોટાપાયે કરાયેલી ક્રૂરતા હતી, જ્યાં કુલ ૧૯ ચર્ચ સળગાવાયા અને ૮૯ ખ્રિસ્તી ઘર સળગાવી દેવાયા. અહમદિયા લોકો સાથે પણ આવો જ વ્યવહાર કરાઈ રહ્યો છે, જેમના ધાર્મિક સ્થળોને તોડી પડાયા છે. ગેહલોતે ઉમેર્યું કે, પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયો, વિશેષરૂપે હિન્દુ, શીખ અને ખ્રિસ્તીઓની મહિલાઓની સ્થિતિ દયનીય છે.

પાકિસ્તાનના જ માનવાધિકાર આયોગના જ રિપોર્ટ મુજબ દર વર્ષે લઘુમતી સમાજની અંદાજે ૧,૦૦૦ મહિલાઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન તથા લગ્ન કરાવવામાં આવે છે. ભારતે ઉમેર્યું કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત સૌથી વધુ આતંકી સંસ્થાઓ અને આતંકીઓનું આશ્રય સ્થળ તથા સંરક્ષક રહ્યું છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ભારતે કહ્યું કે, તેણે પીઓકે ખાલી કરી દેવું જોઈએ અને ટેકનિકલ વિતર્કોમાં પડયા વિના મુંબઈ આતંકી હુમલાના ગૂનેગારો વિરુદ્ધ વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ.

આ હુમલાના પીડિતો ૧૫ વર્ષે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ગેહલોતે કહ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે પાકિસ્તાને ત્રણ પગલાં ઉઠાવવા જોઈએ. ૧) સરહદ પારનો આતંકવાદ રોકે અને આતંકીઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર તુરંત બંધ કરે. ૨) ગેરકાયદે અને બળજબરીથી કબજાવાળા ભારતીય ક્ષેત્રોને ખાલી કરે. ૩) પાકિસ્તાનમાં લઘુમતીઓ વિરુદ્ધ ગંભીર અને સતત થઈ રહેલા માનવાધિકારોનો ભંગ અટકાવે. ભારતે સરહદ પારના આતંકવાદનો મુદ્દો પાકિસ્તાન સમક્ષ વારંવાર ઉઠાવ્યો છે.

ભારતે કહ્યું કે, સરહદ પર આતંક અને વાતચીત એક સાથે થઈ શકે નહીં. ભારતે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર આતંકી જૂથોને પાકિસ્તાનના સમર્થનના પુરાવા પણ આપ્યા છે. આ તો માત્ર પાકિસ્તાનની વાત છે પરંતુ નિજ્જર મામલે કેનેડાના નાગરિકોને વીઝા નહીં આપવાનું ભારતે જે પગલું ભર્યુ છે તે જ સાબિત કરે છે કે, હવે વિકસીત દેશોની ભૂમિ પર પણ ભારત આતંકવાદી ઇચ્છતો નથી. ખાલિસ્તાની પન્નુની મિલકતો જપ્ત કર્યા પછી નેશનલ ઇન્વેસ્ટિગેશને વધુ 19 આતંકવાદીની યાદી જાહેર કરી છે તે તમામની મિલકતો પણ જપ્ત કરી લેવામાં આવશે.

Most Popular

To Top