World

ટ્રમ્પને મોટો ઝટકો, ફ્રાન્સ સાથે મળીને ભારત સ્ટીલ્થ ફાઇટર જેટ માટે એન્જિન બનાવશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત બાદ ભારતે મોટો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ભારત હવે ફ્રાન્સ સાથે મળીને પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ માટે એન્જિન બનાવશે. આ પ્રોજેક્ટ માત્ર ભારતની રક્ષા ક્ષમતા જ મજબૂત નહીં કરશે પરંતુ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને પણ નવા સ્તરે લઈ જશે.

ભારત સરકારના આ ઐતિહાસિક પગલાને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રોજેક્ટ હેઠળ ફ્રાન્સ 100 ટકા ટેકનોલોજી ભારતને આપશે. આ એન્જિન 120 KN થ્રસ્ટ ક્ષમતા ધરાવશે અને ખાસ કરીને ભારતના ભવિષ્યના પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ AMCA (Advanced Medium Combat Aircraft) માટે બનાવવામાં આવશે.

DRDO અને સફરાન વચ્ચે કરાર
અહેવાલ મુજબ ફ્રાન્સની પ્રખ્યાત એરોસ્પેસ કંપની સફરાન આ પ્રોજેક્ટમાં ભાગીદાર રહેશે. DRDOએ સફરાનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે સફરાન પહેલાથી જ ભારતમાં હેલિકોપ્ટર બનાવવાની પ્રક્રિયામાં જોડાઈ ચૂકી છે. હવે તે ભારતને ગેસ ટર્બાઇન એન્જિન બનાવવા માટે સંપૂર્ણ ટેકનોલોજી આપશે. DRDOનું ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટેબ્લિશમેન્ટ પણ આ પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવશે. અંદાજે 7 અબજ ડોલરના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરાશે.

વાયુસેનાની જરૂરિયાત
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ સંરક્ષણ મંત્રાલયને પત્ર લખીને વિમાનોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આવનારા કેટલાક વર્ષોમાં વાયુસેનાના અનેક વિમાનો નિવૃત્ત થવાના છે. આવી પરિસ્થિતિમાં નવા સ્વદેશી વિમાનોની તાત્કાલિક જરૂર છે. AMCA માટેનું એન્જિન વિકાસ ભારતની આ જરૂરિયાત પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

રાજનાથ સિંહનું નિવેદન
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ પ્રોજેક્ટને મંજૂરી આપતાં જણાવ્યું કે ભારત માટે સ્વદેશી પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું નિર્માણ અતિ આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ નિર્ણય ભારતના રક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફનું ઐતિહાસિક પગલું છે.

અમેરિકા માટે મોટો ઝટકો
ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ વધારવાના નિર્ણય બાદ ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ ઊભો થયો છે. હવે ભારતે ફ્રાન્સ સાથે મળીને એન્જિન બનાવવાનો નિર્ણય લીધો છે. જે અમેરિકાના રક્ષા ઉદ્યોગ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ભારતે આ પગલાથી સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની રક્ષા ક્ષમતાઓ માટે અન્ય વિકલ્પોને શોધવામાં સંકોચશે નહીં.

આ પ્રોજેક્ટ સફળતા પૂર્વક અમલમાં આવશે તો ભારત વિશ્વના એવા દેશોમાં સામેલ થશે જે પોતાની પાંચમી પેઢીના ફાઇટર જેટ એન્જિન બનાવે છે. આ માત્ર રક્ષણ ક્ષેત્રમાં ભારતની પ્રતિષ્ઠા વધારશે નહીં, પરંતુ વૈશ્વિક વ્યૂહાત્મક સંતુલનમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન લાવશે.

Most Popular

To Top