સુરત: સુરત મહાનગર પાલિકા(Surat Municipal Corporation) દ્વારા ઈન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર બ્લ્યુ સ્કાય(International Day of Clean Air for Blue Sky)- 2022 – 2022 અંતર્ગત શહેરમાં અલગ – અલગ 20 સ્થળે એર ક્વોલિટી સેન્સર(Air quality sensor) આધારિત મોનિટરિંગ સ્ટેશન(Monitoring station) ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત સહિત દેશના મોટા ભાગના શહેરોમાં હાલ પર્યાવરણ અને હવાની ગુણવત્તાના સતત કથળી રહેલ સ્તર ચિંતાનો વિષય સાબિત થઈ રહ્યો છે. આ સ્થિતિમાં સુરતના અલગ – અલગ વિસ્તારોમાં ઉભા કરવામાં આવનાર એર મોનિટરિંગ સ્ટેશનના આંકડાઓના આગામી દિવસોમાં શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
એર ક્વોલિટી સેન્સર આધારિત મોનિટરિંગ સ્ટેશન શરૂ કરાશે
દુનિયાભરમાં ક્લાઈમેટ ચેઈન્જ અને પર્યાવરણનો મુદ્દાને હવે ગંભીરતાપૂર્વક લેવામાં આવી રહ્યો છે. દેશમાં પણ સતત વધી રહેલા હવાના પ્રદૂષણને નાથવા માટે સરકાર દ્વારા પણ મક્કમતાપૂર્વક ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે સુરત મહાનગર પાલિકાએ આ દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે જ હવે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારોમાં મળીને 20 સ્થળે એર ક્વોલિટી સેન્સર આધારિત મોનિટરિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે. હાલમાં સમગ્ર સુરત શહેરમાં હવાની ગુણવત્તા માટે માત્ર ત્રણ સ્થળે જ આ પ્રકારના મોનિટરિંગ સુવિધા છે. જે પૈકી બે સ્થળે તો છેલ્લા ઘણા સમયથી આ સિસ્ટમ ધુળ ખાઈ રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, હવે રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતના સ્થળે આ સિસ્ટમ શરૂ કરવામાં આવતાં હવાના પ્રદૂષણ ઘટાડવા પર વહીવટી તંત્ર દ્વારા વિશેષ ભાર મુકવામાં આવશે.
આ સ્થળો પર સિસ્ટમ શરૂ કરાશે
- દિલ્હી ગેટ(રેલવે સ્ટેશન)
- સહારા દરવાજ
- ઉધના દરવાજા
- મજુરા ગેટ
- લાલ દરવાજા
- સુરત એરપોર્ટ
- ગુજરાત ગેસ સર્કલ
- ખજોદ ડિસ્પોઝલ સાઈટ
- સાયન્સ સેન્ટર
- પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. જંકશન
- લિંબાયત ઝોન ઓફિસ
- સોસ્યો સર્કલ
- વરાછા હીરાબાગ સર્કલ
- ગજેરા સર્કલ, કતારગામ
- અખંડ આનંદ કોલેજ, વેડરોડ
- અશ્વનિકુમાર રોડ
- મોરાભાગળ
- સચિન ઓવરબ્રિજ
- સીમાડા જંકશન
- ડિડોલી ઓવરબ્રિજ
સુરતમાં હવાની ગુણવત્તા બોર્ડર લાઈન પર
ઉલ્લેખનીય છે કે, જર્મન સંસ્થા જીઆઈઝડ દ્વારા સુરત સહિત સમગ્ર દેશના ત્રણ શહેરોમાં હવાના પ્રદૂષણને ઘટાડવા માટે આ પ્રકારની સિસ્ટમ શરૂ કરવામાં આવશે અને જેની પાછળ થનાર ખર્ચ પણ આ સંસ્થા દ્વારા જ ઉઠાવવામાં આવશે. જો કે, આ સિસ્ટમ કાર્યરત થયા બાદ મહાનગર પાલિકા દ્વારા આ સિસ્ટમનું નિયમિત મોનિટરિંગ કરવાની સાથે – સાથે તબક્કાવાર રીતે હવામાં પ્રદૂષણનું સ્તર કેવી રીતે ઘટાડી શકાય તે માટે જરૂરી પગલાં ઉઠાવવામાં આવશે. હાલ સુરત શહેર હવાની ગુણવત્તા મુદ્દે એકદમ બોર્ડર લાઈન પર છે અને જો અત્યારથી જ આ સંદર્ભે જરૂરી પગલાં નહીં ઉઠાવવામાં આવે તો આગામી સમયમાં સુરત શહેર પણ દેશના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં સમાવિષ્ટ થાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.