Editorial

બોલીવુડ પર હવે દાઉદ ઇબ્રાહીમને બદલે લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધાક

એક સમય હતો જ્યારે મુંબઇના બોલિવુડ પર દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીનો ધાક હતો. હાજી મસ્તાનથી લઇને દાઉદ સહિતના ડોનનો પ્રભાવ એટલી હદે હતો કે, ફિલ્મના રાઇટ્સથી લઇને રોલ સુધી તેમની ભૂમિકા રહેતી હતી. તેઓ તેમનું ધાર્યું કરાવતા હતા અને ફિલ્મોમાં ફાયનાન્સ પણ કરતાં હતાં. છેલ્લે અબુ સાલેમ બોલીવુડ પાસે નાણા પડાવવામાં સક્રિય હતો અને ત્યાર પછી દાઉદની સામે પડેલી ગેંગ દ્વારા પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. પરંતુ હાલમાં દાઉદ ઇબ્રાહિમની ડી ગેંગને બદલે લોરેન્સ બિશ્નોઇ ગેંગનો દબદબો વધી રહ્યો છે. હાલમાં જ દિગદર્શક રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કરાવવામાં આવ્યું હતું અને તેની પાસે ખંડણી માંગવામાં આવી હતી. તેવી જ રીતે રણવિરસિંગને પણ ધમકી આપવામાં આવી રહી છે.

જેમાં લોરેન્શ બિશ્નોઇ ગેંગનો હાથ હોવાનું કહેવાઇ રહ્યું છે. આ ગેંગનો હરી બોક્સર બોલિવુડને ધમકી આપવામાં સક્રિય થયો છે ત્યાર તે કોણ છે તે જાણવું જરુરી છે. હરી બૉક્સર લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગનો સભ્ય છે. તેનું સાચું નામ હરિચંદ છે.એક સમયે, હરી સેના અને પોલીસમાં જોડાવાની તૈયારી કરી રહ્યો હતો. લોરેન્સ ગૅન્ગના સંપર્કમાં આવ્યા પછી, તેણે લોકોને ધમકાવવાનું શરૂ કર્યું. હરીના પિતાનું નામ ગિરધારી જાટ છે, જે વ્યવસાયે ખેડૂત હતા. હરી એક સમયે જયપુરમાં બોક્સિંગ શીખતો હતો, તેથી તેનું ઉપનામ હરી બૉક્સર હતું. હરી બૉક્સર અલવરના નવા કોતરાયેલા જિલ્લા કોટપુતલી-બેહરોરના બાંસુરનો રહેવાસી છે.

હરી બૉક્સર સામે જયપુર, ધોલપુર, સીકર, કરૌલી અને અલવર સહિત વિવિધ વિસ્તારોમાં લૂંટ, હત્યાનો પ્રયાસ અને હુમલાના 10 થી વધુ કેસ નોંધાયેલા છે. હરી બૉક્સર હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. તે 2024માં ડુંગી રૂટ દ્વારા ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યો હતો. યુએસમાં, હરી બૉક્સર લોરેન્સ ગૅન્ગ માટે સક્રિય છે. તે અમેરિકાથી ગૅન્ગનું કામ કરે છે. લોરેન્સ બિશ્નોઈના ગોલ્ડી બ્રારથી અલગ થયા પછી, તેણે ગૅન્ગના સંચાલન માટે હરી બૉક્સરને અમેરિકામાં તૈનાત કર્યો. હરી બૉક્સરને લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ સાથે ગાઢ મિત્રતા છે. બંને વારંવાર વાતચીત કરે છે.

કપિલ શર્માને પણ ધમકી આપવામાં આવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં, કેનેડામાં કૉમેડી કિંગ કપિલ શર્માના કાફેમાં ગોળીબાર થયો હતો, જેની લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગે જવાબદારી લીધી હતી. હરી બૉક્સરનું ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું હતું, જેના કારણે સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પહેલા ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબાર થયો હતો. આ ઘટનાના સંદર્ભમાં પાંચ લોકો – અમન મારોટે (27), આદિત્ય ગાયકી (19), સિદ્ધાર્થ યેનપુરે (20), સમર્થ પોમાજી (18) અને સ્વપ્નિલ સકટ (23) – ની ધરપકડ કરવામાં આવી હતી. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના સભ્ય શુભમ લોનકરનું નામ વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

જે તમામ પણ હરી બોક્સરની અંડરમાં કામ કરતા હોવાનું જાણવા મળે છે. 14 એપ્રિલ 2024ના આ રોજ સલમાન ખાનના ઘરે પણ ફાયરિંગ થયું હતું. ગેલેક્સી એપાર્ટમેન્ટ પર સવારે 5 વાગ્યે 1 બાઈક સવાર ઈસમોએ 4 રાઉન્ડ ફાયર કર્યા હતા. આ પહેલા સલમાન ખાનને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે. આ મામલે પોલીસે છ લોકોની ધરપકડ પણ કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા થકી સલમાન ખાન પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઇ ગેંગે સલમાન ખાનના જીજાજી આયુષ શર્માને ધમકી ભર્યો મેઈલ પોલીસે તપાસ શરૂ કરી છે.

સૂત્ર મુજબ આ ઈમેઈલ પ્રોટોન ઈમેઈલનો ઉપયોગ કરી મોકલવામાં આવ્યો છે. ઈમેઈલ કરનારાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હોવાનો દાવો કરી ધમકી આપી હતી. આમ વાત જે હોય તે પરંતુ બોલિવુડ માટે હવે દાઉદ ઇબ્રાહિમ નખ વગરનો વાઘ સાબિત થઇ રહ્યો છે જ્યારે લોરેન્સ બિશ્નોઇનો દબદબો વધી રહ્યો છે. 80થી 90ના દસકામાં જે રીતે દાઉદ ગેંગમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને એક ફોન જતો હતો અને તેઓ ધ્રુજી ઉઠતા હતાં તેવું જ નામ અત્યારે લોરેન્સ બિશ્નોઇ ગેંગનું થઇ ગયું છે. બસ એક ફોનથી જ ફિલ્મસ્ટાર દોડતા થઇ જાય છે તે સત્ય હકીકત છે.

Most Popular

To Top