National

હવે 90 લાખ રૂપિયામાં મળશે H-1B વિઝા, ટ્રમ્પના નવા નિયમોથી ભારતીયો માટે મુશ્કેલીઓ વધી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે મોટા ફેરફારો જાહેર કર્યા છે. આ વિઝાની ફી હવે સીધી જ $100,000 (લગભગ રૂ.90 લાખ) સુધી વધારી દેવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ફક્ત શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા લોકો જ અમેરિકા આવી શકશે અને અમેરિકન નાગરિકોની નોકરીઓ સુરક્ષિત રહેશે.

ટ્રમ્પનું નિવેદન
ટ્રમ્પે જણાવ્યું કે “અમેરિકાને સારા કામદારોની જરૂર છે. નવા નિયમો ખાતરી કરશે કે ફક્ત શ્રેષ્ઠ અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકો જ અમેરિકામાં આવી શકે.”

ભારતીયો માટે પડકાર
H-1B વિઝા સૌથી વધુ ભારતીયો દ્વારા મેળવવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ વિઝા ધારકોમાં 71 ટકા ભારતીયો છે. IT ક્ષેત્રની કંપનીઓ જેમ કે એમેઝોન, માઇક્રોસોફ્ટ અને મેટા દર વર્ષે હજારો ભારતીયોને H-1B વિઝા પર અમેરિકા બોલાવે છે. ઉદાહરણ તરીકે જૂન 2025 સુધીમાં એમેઝોને 12,000, જ્યારે માઇક્રોસોફ્ટ અને મેટાએ લગભગ 5,000 H-1B વિઝા મંજૂર કર્યા છે.

પરંતુ હવે વધેલી ફી ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટો આર્થિક બોજ સાબિત થઈ શકે છે. અત્યાર સુધી H-1B વિઝા માટે નોંધણી ફી માત્ર $215 (₹1,900) હતી. જ્યારે અરજી ફી $780 (₹68,000) જેટલી હતી.

નવા નિયમોનો હેતુ
યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું કે ટ્રમ્પના નિર્ણયનો હેતુ એ છે કે મોટી કંપનીઓ વિદેશી કામદારોને તાલીમ આપવાને બદલે અમેરિકન નાગરિકો અને યુનિવર્સિટી સ્નાતકોને પ્રાથમિકતા આપે. જો કોઈ કંપની વિદેશીઓને લાવે છે તો તેને હવે $100,000 ફી ચૂકવવી પડશે.

કોંગ્રેસમાં ચર્ચા
ગયા મહિને યુએસ કોંગ્રેસમેન જીમ બેંક્સે American Tech Workforce Act નામનું બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં H-1B વિઝાની ફી $60,000 થી $150,000 કરવાની ભલામણ કરવામાં આવી છે. ટ્રમ્પના નવા નિર્ણયને આ દિશામાં એક કડક પગલું માનવામાં આવી રહ્યું છે.

H-1B વિઝા શું છે?
H-1B વિઝા ખાસ કરીને ટેકનિકલ અને પ્રોફેશનલ કામદારો માટે છે. આ વિઝા દ્વારા વિદેશીઓ અમેરિકામાં છ વર્ષ સુધી કામ કરી શકે છે. વિઝા ધારક તેમના જીવનસાથી અને બાળકોને સાથે લાવી શકે છે. તેમજ આગળ જઈને અમેરિકન નાગરિકતા માટે અરજી કરવાની તક પણ મેળવી શકે છે.

ભારતીયો માટે અમેરિકા રોજગારીનું સૌથી મોટું સપનું સાકાર કરવા H-1B વિઝા એક મુખ્ય દરવાજો છે. પરંતુ ફી વધવાથી મધ્યમ વર્ગના હજારો પ્રોફેશનલ્સ માટે આ સપનું હવે દૂરનું લાગી શકે છે. ખાસ કરીને IT ક્ષેત્રમાં કામ કરતા ભારતીયો પર તેનો સૌથી વધુ પ્રભાવ પડશે.

Most Popular

To Top