અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોમાં પણ હવે Gen Z યુવાનો દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગુસ્સે ભરાયેલા હજારો યુવાનો રસ્તા પર ઉતરતા હિંસા ફાટી નીકળી હતી.
મેક્સિકો સિટીમાં ગત રોજ શનિવારે Gen Z આંદોલન જોરદાર બની ગયું. ભ્રષ્ટાચાર, વધતી હત્યાઓ અને લથડતી કાયદો-વ્યવસ્થા સામે યુવાનો હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા. શાંતિપૂર્ણ દેખાવની શરૂઆત બાદ થોડા સમયમાં જ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ શરૂ થયુ હતું . યુવાનોના એક જૂથે પોલીસ પર પથ્થરમારો કર્યો અને લાઠી-દંડાથી હુમલો કર્યો. પોલીસે પણ ભીડને કાબુમાં લેવા માટે ટિયર ગેસના શેલ છોડ્યા હતા.
આ અથડામણમાં કુલ 120થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી 100 પોલીસ જવાનો સામેલ છે. હિંસા અને તોડફોડમાં સામેલ 20થી વધુ યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. પ્રદર્શનકારીઓ સમુદ્રી ડાકુઓની ખોપરી દર્શાવતા ખાસ પ્રતીકધ્વજ સાથે રસ્તાઓ પર ઉતર્યા હતા. જેને આંદોલનનું પ્રતિક માનવામાં આવે છે.
મેક્સિકોના વિપક્ષ પક્ષોએ આ યુવા આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. તેમના જણાવ્યા મુજબ સરકાર ભ્રષ્ટાચાર અને વધતા ગુનાખોરીના કેસો પર કાબુ રાખવામાં નિષ્ફળ ગઈ છે. છેલ્લા સમયમાં હાઈ-પ્રોફાઈલ હત્યાઓ થતાં લોકોમાં ભારે રોષ છે. તાજેતરમાં મિચોઆકન રાજ્યના લોકપ્રિય મેયર કાર્લોસ મંજોની હત્યા પછી યુવાનોમાં ગુસ્સો વધુ ભભૂકી ઊઠ્યો છે.

આંદોલન પર પ્રતિક્રિયા આપતા મેક્સિકોની પ્રમુખ ક્લાઉડિયા શીનબામએ આરોપ લગાવ્યો છે કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ભીડને ભડકાવવામાં આવી રહી છે.
2025માં અનેક દેશોમાં Gen Z આંદોલન ઉગ્ર બન્યું છે. નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ બાદ ત્યાં ખૂબ જ હિંસક આંદોલન થયું હતું જોકે આમાં અનેક લોકોનાં મોત પણ થયા હતા. ઉપરાંત મોરોક્કો, મેડાગાસ્કર, કેન્યા અને પેરૂમાં પણ આવા જ યુવા આંદોલન નોંધાયા.