કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા)ને બદલીને ગ્રામીણ રોજગાર માટે હવે નવો કાયદો લાવવાની તૈયારીમાં છે. સરકાર ટૂંક સમયમાં સંસદમાં એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાની છે. જેના માધ્યમથી મનરેગાની જગ્યાએ નવી યોજના અમલમાં આવશે. અહેવાલો મુજબ આ નવા બિલની નકલો લોકસભાના સાંસદોમાં વહેંચી દેવામાં આવી છે. જેથી તેના પર વિગતવાર ચર્ચા થઈ શકે.
આ નવા પ્રસ્તાવિત બિલનું નામ ‘ડેવલપ ઇન્ડિયા ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ્સ મિશન (ગ્રામીણ) એક્ટ 2025’ રાખવામાં આવ્યું છે. આ કાયદો સામાન્ય રીતે VB–G RAM G (Develop India Guarantee for Employment and Livelihoods Mission – Rural) તરીકે ઓળખાશે. સરકારનું કહેવું છે કે આ બિલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની સાથે સાથે ટકાઉ વિકાસ માટે મજબૂત માળખું ઊભું કરવાનો છે.

નવા બિલ હેઠળ દરેક ગ્રામીણ પરિવારને એક નાણાકીય વર્ષમાં 125 દિવસના વેતન આધારિત રોજગારની બંધારણીય ગેરંટી આપવામાં આવશે. આ વ્યવસ્થા મનરેગાની તુલનામાં વધુ રોજગાર દિવસો આપશે. જેનાથી ગ્રામીણ વિસ્તારમાં રહેલા લાખો ગરીબ પરિવારોને સીધો લાભ મળી શકે છે.
બિલમાં ચુકવણી પ્રણાલી પણ સ્પષ્ટ કરવામાં આવી છે. કામ પૂર્ણ થયા બાદ એક અઠવાડિયા અથવા વધુમાં વધુ 15 દિવસની અંદર વેતન ચૂકવવાની જોગવાઈ રાખવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં ચુકવણી કરવામાં ન આવે તો કામદારને બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ બિલમાં સામેલ છે. સરકારનું માનવું છે કે આ પગલાથી કામદારોને સમયસર વેતન મળશે અને સિસ્ટમમાં પારદર્શિતા વધશે.
આ મહત્વપૂર્ણ બિલ સંસદમાં રજૂ થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેના સાંસદો માટે આદેશ જારી કર્યો છે. ભાજપે તેના તમામ સાંસદોને 15 થી 19 ડિસેમ્બર દરમિયાન લોકસભામાં હાજર રહેવા સૂચના આપી છે. આવનારા દિવસોમાં આ બિલ પર સંસદમાં વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે કારણ કે મનરેગાને બદલીને નવો કાયદો લાવવો ગ્રામીણ ભારત માટે મોટો નીતિગત ફેરફાર માનવામાં આવી રહ્યો છે.