Gujarat

જમીન-મિલકતના સોદામાં હવે ૩૦ દિવસની 135-ડીની નોટિસમાંથી મુક્તિ

ગાંધીનગર: રાજ્ય સરકારે મહેસૂલ તંત્રમાં વર્ષોથી ચાલી આવતી જટિલ પ્રક્રિયાઓને દૂર કરી પારદર્શિતા લાવવા માટે એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-D માં મહત્ત્વપૂર્ણ સુધારા કરીને હવે બિનતકરારી મિલકત વ્યવહારોમાં ૩૦ દિવસની ફરજિયાત નોટિસના સમયગાળાને નાબૂદ કરવામાં આવ્યો છે. રાજય સરકારે આ સુધારો અમલી બનાવવા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેને રાજ્યપાલની પણ લીલીઝંડી મળી ગઈ છે. આ સુધારાના પગલે રાજયભરમાં જિલ્લા કલેકટર ઓફિસો અને કોર્ટમાં ચાલી રહેલા 135 ડી નોટિસ સંદર્ભના કેસોનો નિકાલ આવશે.

હવે ‘વેચાણ દસ્તાવેજ’ અને ‘નોંધ’ એક જ દિવસે
રાજ્ય સરકારના કેબિનેટ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું કે, જો જમીન કે મિલકતના વ્યવહારમાં કોઈ વિવાદ ન હોય, તો હવે નાગરિકોએ ૩૦ દિવસ સુધી રાહ જોવી પડશે નહીં. જે કિસ્સામાં
૭/૧૨ના રેકોર્ડ પરના તમામ હકદારોએ દસ્તાવેજમાં સહી કરી હોય, છેલ્લા એક વર્ષમાં રેકોર્ડમાં કોઈ ફેરફાર ન થયો હોય, મિલકત પર કોઈ કોર્ટ કેસ કે લિટીગેશન પડતર ન હોય, આવા કિસ્સાઓમાં ૧૩૫-Dની નોટિસ આપ્યા વગર તે જ દિવસે વેચાણની નોંધ પ્રમાણિત કરીને ‘પાકી એન્ટ્રી’ પાડી દેવામાં આવશે.

બ્લેકમેલિંગ અને ખોટા વાંધા-વચકાનો આવશે અંત
વાઘાણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ૩૦ દિવસની લાંબી નોટિસના ગાળાનો લાભ લઈને કેટલાક તત્ત્વો ખોટા વાંધા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવતા (બ્લેકમેલિંગ) હતા. આ નવા સુધારાથી હવે આવા તત્ત્વો પર લગામ લાગશે અને ખેડૂતો તેમજ મધ્યમ વર્ગના પરિવારોને માનસિક અને આર્થિક હેરાનગતિમાંથી મુક્તિ મળશે.

તપાસવાળા કિસ્સામાં સમયગાળો ૩૦થી ઘટાડી ૭ દિવસ કરાયો
જે કિસ્સામાં પાવર ઓફ એટર્ની (PoA) થી વ્યવહાર થયો હોય, તમામ હકદારોની સહી ન હોય અથવા રેકોર્ડમાં તાજેતરમાં ફેરફાર થયો હોય, તેવા સંજોગોમાં નોટિસનો સમયગાળો ૩૦ દિવસથી ઘટાડીને માત્ર ૭ દિવસ કરી દેવામાં આવ્યો છે. આ ૭ દિવસમાં વાજબી વાંધા રજૂ કરી શકાશે, જેથી સાચા હકદારોના હિતોનું રક્ષણ પણ જળવાઈ રહેશે.

નિર્ણયની મહત્ત્વની અસરો

  • અદાલતી હુકમો: સક્ષમ અદાલત કે ટ્રિબ્યુનલના હુકમોની સીધી જ અમલાવારી થશે, નોટિસની જરૂર રહેશે નહીં.
  • તકરારી કેસોમાં ઘટાડો: મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા વર્ષો જૂના કેસો જે માત્ર નોટિસના વિવાદને લીધે અટકેલા હતા, તેનો ઝડપથી નિકાલ આવશે.
  • સીધી લીટીના વારસદારો: વારસાઈ હક કે મિલકત તબદીલીમાં સીધી લીટીના વારસદારોને પડતી બિનજરૂરી મુશ્કેલીઓ દૂર થશે.
  • શહેરી મિલકતો: આ સુધારો માત્ર ખેતીની જમીન જ નહીં, પણ શહેરોમાં ફ્લેટ, દુકાન અને મકાનો ખરીદનારા તમામ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Most Popular

To Top