સુરત : એમ્ફોટેરીસીન-બી મ્યૂકરમાઇકોસિસ ઇન્જેક્શન માટે જરૂરી ઇન્જેક્શન આખા ગુજરાતમાં ક્યાંય મળી રહ્યા નથી. તેમાં સુરતમાં હવે કટોકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. આ રોગ એટલો ખતરનાક છે કે આ ઇન્જેક્શન વગર સારવાર કરવામાં આવે તો દર્દીની જાનને જોખમમાં મૂકાવાની શક્યતા 70થી 90 ટકા છે. જે અન્ય ઇન્જેક્શન મળે છે તે ઇન્જેક્શનથી કીડની ફેઇલરની શક્યતા મહત્તમ વધી જાય છે. તેથી ઓમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શન ખૂબ જ જરૂરી થઇ પડ્યા છે.
દરમિયાન જે વિગત જાણવા મળી છે તે પ્રમાણે સુરતમાં રોજના બસો નવા દર્દીઓ આવી રહ્યા છે. આ ઇન્જેક્શન વગર દર્દીના જડબા અને આંખમાં આ રોગ પ્રસરી જતાં જડબુ અને આંખ ફરજિયાત કાઢી નાંખવા પડે છે. દરમિયાન આવતા સપ્તાહ સુધી આ ઇન્જેક્શનની કોઇ વ્યવસ્થા થાય તેવા કોઇ એંધાણ નથી. ટોચની હોસ્પિટલના સંચાલકોએ પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે જણાવ્યું કે આ ઇન્જેક્શન જો આપવામાં નહી આવે તો આવતા દિવસોમાં સંખ્યાબંધ લોકોના જીવ જોખમમાં મૂકાઇ શકે છે. ડો. ફરિદા વાડિયાએ જણાવ્યું કે તેઓ થકી જે ઓપરેશન થયા છે તેમાં હાલમાં સેકન્ડ કોવિડ વેવમાં અંદાજે 30 લોકોની આંખ કઢાઇ છે. જ્યારે તે સિવાય સુરતમાં અંદાજે સો કરતા વધારે લોકોએ આ આંખ ગુમાવી હોય શકે તેવો અંદાજ છે.
બજારમાં ઇન્જેક્શનના કાળા બજાર ચાલુ
એમ્ફોટેરીસીન-બી ઇન્જેક્શનના કાળા બજાર ચાલુ થઇ ગયા છે. આ ઇન્જેક્શન થેરાપીમાં એવું કહેવાય છે કે એક ઇન્જેક્શન સાત હજારનું હોય છે, આ ઇન્જેક્શન રોજના પાંચથી સાત લેવા પડે છે. એકવીસ દિવસ સુધી રોજ સાત ઇન્જેક્શન લેવા પડતા હોય છે. હવે આ રોગના ઇન્જેક્શનનો સ્ટોક ગુજરાતમાં ક્યાંય નથી. તેમાં કંપનીઓને આ ઇન્જેક્શનનું મેન્યુફેક્ચરીંગ માટે આદેશ આપવો પડે તેવી કટોકટ સ્થિતિ સર્જાઇ છે. અલબત સ્થાનિક તંત્ર હાલમાં નિષ્ક્રીય હોવાનું ચિત્ર ઉપસ્યું છે.