ભારતના રક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. પહેલી વાર ટ્રેન પરથી 2,000 કિલોમીટર સુધી મારક ક્ષમતા ધરાવતી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટેક્નોલોજીથી ભારતને વધુ સુરક્ષા અને ગતિશીલતા મળશે.
ભારતે સંરક્ષણ ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું છે. દેશે પહેલી વાર રેલ આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ મધ્યમ અંતરની છે અને 2,000 કિલોમીટર સુધી ટાર્ગેટ ભેદી શકે છે. આ સિદ્ધિ સાથે ભારત તેવા દેશોમાં સામેલ થયું છે કે જે ટ્રેન આધારિત લોન્ચ સિસ્ટમ વિકસાવવામાં સક્ષમ છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સફળતા પર DRDO સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) અને સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે રેલ-આધારિત મોબાઇલ લોન્ચરથી અગ્નિ-પ્રાઇમ મિસાઇલનું આ પ્રકારનું પ્રથમ પરીક્ષણ સફળ રહ્યું છે.
અગ્નિ-પ્રાઇમ મિસાઇલ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે અને દેશના રેલ નેટવર્ક પર સરળતાથી પરિવહન કરી શકાય છે. તેની ખાસિયત એ છે કે તે કોઈપણ પૂર્વ તૈયારી વિના પણ લોન્ચ થઈ શકે છે.
આ મિસાઇલ “કેનિસ્ટરાઇઝ્ડ લોન્ચ સિસ્ટમ” પર આધારિત છે એટલે કે તેને ખાસ કન્ટેનરમાં રાખી સરળતાથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે અને તાત્કાલિક લોન્ચ પણ કરી શકાય છે. રેલ આધારિત સિસ્ટમ હોવાને કારણે તેને દેશના કોઈપણ ખૂણે ખસેડી શકાશે. જે શત્રુઓ માટે તેની હલચલને ટ્રેક કરવી મુશ્કેલ બનાવશે.
રાજનાથ સિંહે જણાવ્યું કે આ સિદ્ધિ ભારતની રક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને ભવિષ્યના ખતરાઓનો સામનો કરવા દેશ તૈયાર છે. તેમણે DRDOના વૈજ્ઞાનિકો અને સેનાને તેમની મહેનત બદલ પ્રશંસા પણ કરી.
અગ્નિ-પ્રાઇમ અગ્નિ શ્રેણીની નવી પેઢીની મિસાઇલ છે. જેમાં આધુનિક નેવિગેશન સિસ્ટમ, અદ્યતન ગાઇડન્સ છે. આ પરીક્ષણ પછી ભારતની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થયો છે.
આ પરીક્ષણથી સાબિત થાય છે કે ભારત હવે જમીન ઉપરાંત રેલ આધારિત મિસાઇલ સિસ્ટમ્સમાં પણ પારંગત બની ગયું છે. આ સિદ્ધિ ભારતને વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવે છે.