National

હવે 2 કલાકની મુસાફરી ફક્ત 40 મિનિટમાં, પીએમ મોદીની NCRને મોટી ભેટ, UER-II અને દ્વારકા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તા.17 ઓગસ્ટે દિલ્હી-એનસીઆરના લોકોને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-II) અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી ભાગની ભેટ આપી. અંદાજે લગભગ 11,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બંને પ્રોજેક્ટ્સ દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોને ટ્રાફિક જામમાંથી રાહત આપશે. સૌથી મહત્વની વાત એ છે કે સિંધુ બોર્ડરથી દિલ્હી એરપોર્ટ સુધીની મુસાફરી જે પહેલા બે કલાકમાં પૂર્ણ થતી હતી હવે તે માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે.

ઉદ્ઘાટન સમયે આગેવાનોની હાજરી:
દિલ્હીમાં યોજાયેલા આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ બક્કરવાલા મુંડકા ટોલ નજીક રોડ શોમાં પણ ભાગ લીધો અને સ્થાનિક લોકો પાસેથી શુભેચ્છાઓ સ્વીકારી હતી.

પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા:
દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પીએમ મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું કે છેલ્લા પાંચ મહિનાના પોતાના વહીવટી અનુભવથી તેઓ કહી શકે છે કે પીએમ મોદી એક સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેમણે વધુમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારતનું દરેક રાજ્ય અને નાગરિક સમાન ભાગીદાર બની શકે છે, અને તેમનો સંકલ્પ રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખે છે.

દ્વારકા એક્સપ્રેસવે પર એક નજર કરીએ:
દ્વારકા એક્સપ્રેસવે દેશનો પહેલો શહેરી એક્સપ્રેસવે છે. જેને કુલ ચાર પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યો છે.

ગુરુગ્રામમાં બે પેકેજો: પહેલું પેકેજ ખેરકી દૌલા ટોલ પ્લાઝાથી બસઈ-ધનકોટ (8.76 કિમી) અને બીજું પેકેજ બસઈ-ધનકોટથી ગુરુગ્રામ-દિલ્હી સરહદ (10.2 કિમી) સુધી.

દિલ્હીમાં બે પેકેજો: પહેલું ગુરુગ્રામ-દિલ્હી બોર્ડરથી બિજવાસન (4.20 કિમી) અને બીજું બિજવાસનથી મહિપાલપુરના શિવમૂર્તિ (5.90 કિમી).

આ પ્રોજેક્ટનો કુલ 18.9 કિમી ભાગ ગુરુગ્રામમાં અને 10.1 કિમી ભાગ દિલ્હીમાં આવેલો છે. આશરે 23 કિમીનો ભાગ એલિવેટેડ છે. જ્યારે 4 કિમી ટનલ દ્વારા બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને પાલમ એરપોર્ટ પહોંચવા માટે 3.6 કિમી લાંબી ટનલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બાંધકામમાં બે લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. જે એફિલ ટાવરના સ્ટીલ કરતાં લગભગ 30 ગણો વધારે છે. 20 લાખ ક્યુબિક મીટર કોંક્રિટનો ઉપયોગ થયો છે. જે બુર્જ ખલીફા કરતાં લગભગ છ ગણો વધારે છે. આ પ્રોજેક્ટ માટે 12 હજારથી વધુ વૃક્ષોનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

સરકાર મુજબ, દ્વારકા એક્સપ્રેસવે શરૂ થવાથી દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે પરનું ટ્રાફિકનું દબાણ લગભગ 25 ટકા ઓછું થયું છે.

UER-II : NCR માટે ત્રીજો રિંગ રોડ:
UER-II એટલે અર્બન એક્સટેન્શન રોડ-2 જે લગભગ 75.71 કિમી લાંબો છે અને દિલ્હીના ત્રીજા રિંગ રોડ તરીકે વિકસિત કરવામાં આવ્યો છે. આ એક 6-લેન એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. જે બવાના, નરેલા, કાંઝાવાલા, મુંડકા, દ્વારકા, સોનીપત, રોહતક, જીંદ અને બહાદુરગઢ જેવા વિસ્તારોને જોડે છે.

તે દ્વારકા એક્સપ્રેસ વે અને દિલ્હી-ચંદીગઢ હાઇવે સહિતના અનેક રાષ્ટ્રીય ધોરીમાર્ગો સાથે જોડાયેલ છે. એટલે કે NCRમાં વાહનવ્યવહાર સરળ બનશે અને ટ્રાફિક જામમાં ઘટાડો થશે.

UER-IIને ગ્રીન રોડ તરીકે પણ વિકસાવવામાં આવ્યો છે. ગાઝીપુર લેન્ડફિલમાંથી નીકળેલા 20 લાખ ટન કચરાનો ઉપયોગ આ એક્સપ્રેસવેના બાંધકામમાં કરવામાં આવ્યો છે. આ ભારતના પ્રથમ ઈ-હાઈવે પૈકીનો એક છે. જ્યાં ભવિષ્યમાં ઈ-બસ, ઈ-ટ્રોલી અને ઈ-કાર ચલાવવાની યોજના છે.

બાંધકામ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય:
દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસવે પર વધતા ટ્રાફિકના દબાણને ઘટાડવા માટે દ્વારકા એક્સપ્રેસવે અને UER-II બનાવાયા છે. ગુરુગ્રામમાં ખેરકી દૌલા ટોલ પ્લાઝાથી દિલ્હીના મહિપાલપુર સુધી 9,000 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે.
સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે ટ્રાફિક જામ ઘટાડવો, પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવું અને NCRના નાગરિકોને ઝડપી મુસાફરીની સુવિધા આપવી.

મુસાફરોને લાભ મળશે:
દ્વારકા એક્સપ્રેસવે અને UER-II શરૂ થતાં જ સૌથી મોટો ફાયદો મુસાફરોને થશે. સિંધુ બોર્ડરથી એરપોર્ટ સુધીની 2 કલાકની મુસાફરી હવે ફક્ત 40 મિનિટમાં પૂર્ણ થશે. NCRના શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધશે. જેના કારણે રોજિંદી મુસાફરીથી લઈને વેપાર-ધંધા સુધીના દરેક ક્ષેત્રમાં વિકાસની ગતિ વધશે.

Most Popular

To Top