નવી દિલ્હી: આવકવેરા વિભાગે (Income Tax Department) રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીને બે સ્વીસ બેંક (Bank) ખાતાઓમાં રૂ. 814 કરોડ જેટલા જાહેર નહીં કરાયેલા ભંડોળો રાખીને કથિત રીતે રૂ. 420 કરોડની કરચોરી (Tax evasion) કરવા બદલ કાળા નાણા ધારા હેઠળ કાર્યવાહી ચલાવવા માટેની નોટિસ પાઠવી છે.
- બે ખાતાઓમાં રૂ. 814 કરોડ જેટલી રકમ છે, રૂ. 420 કરોડની કરચોરી કરી હોવાનો અનિલ અંબાણી પર આરોપ
- 31ઓગસ્ટ સુધીમાં નોટિસનો જવાબ માગવામાં આવ્યો
આવકવેરા વિભાગે ૬૩ વર્ષીય અંબાણી પર જાણી જોઇને કર ભરવાનું ટાળવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે તેમણે ઇરાદાપૂર્વક પોતાના વિદેશી બેંક ખાતાની વિગતો અને ભારતીય કર સત્તાવાળાઓ પ્રત્યેના નાણાકીય હિતો જાહેર કર્યા ન હતા. આ સંદર્ભમાં અંબાણીને આ મહિનાની શરૂઆતમાં એક કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી હતી. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે અનિલ અંબાણી કાળા નાણા ધારા(અઘોષિત વિદેશી આવક અને મિલકતોનો કાયદો)ની કલમ ૫૦ અને ૫૧ હેઠળ કામ ચલાવવાને પાત્ર છે અને ૨૦૧૫નો કર ધારો લાગુ પાડવાને લાયક છે જે દંડ સાથે મહત્તમ દસ વર્ષની કેદની સજાની જોગવાઇ ધરાવે છે. આવકવેરા વિભાગે આરોપો સામે અંબાણીનો જવાબ ૩૧ ઓગસ્ટ સુધીમાં માગ્યો છે. આ સમાચાર મોકલવામાં આવી રહ્યા હતા ત્યાં સુધી આ બાબતે પૂછપરછનો કોઇ જવાબ અનિલ અંબાણીની કચેરીએ આપ્યો ન હતો. અંબાણી સામે આરોપ છે કે તેઓ બહામાસ સ્થિત બે કંપનીઓમાં ફાળો આપનાર અને લાભાર્થી છે અને આ બાબત તેમણે ઇન્ટકટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે છૂપાવી હતી.
આ બંને એકાઉન્ટોમાંના જાહેર નહીં કરાયેલા ભંડોળો રૂ. ૮૧૪ કરોડ જેટલા થાય છે તેવી આકારણી કર અધિકારીઓએ કરી છે અને તેમના પર ચુકવવા પાત્ર વેરો રૂ. ૪૨૦ કરોડ જેટલો થાય છે.
થઈ શકે છે 10 વર્ષની જેલ
અહેવાલ મુજબ, આવકવેરા વિભાગે આરોપ લગાવ્યો છે કે અનિલ અંબાણીએ જાણીજોઈને કરચોરી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, અંબાણીએ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ વિદેશી બેંક ખાતામાં જમા થયેલી રકમ વિશે ભારતીય કર સત્તાવાળાઓને જાણ કરી ન હતી. આ સંદર્ભમાં ઓગસ્ટની શરૂઆતમાં અનિલ અંબાણીને કારણ બતાવો નોટિસ પણ જારી કરવામાં આવી હતી. વિભાગનું કહેવું છે કે અનિલ અંબાણી પર બ્લેક મની (અનડિસક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ 2015ની કલમ 50 અને 51 હેઠળ કાર્યવાહી થઈ શકે છે, જેમાં દંડ સાથે વધુમાં વધુ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.