National

રાયબરેલીથી પ્રિયંકા ગાંધી નહીં પણ રાહુલ ગાંધી લડશે ચૂંટણી, અમેઠીથી આ નેતાને મળી ટીકીટ

નવી દિલ્હી: યુપીની (U.P) અમેઠી (Amethi) અને રાયબરેલી (Rae Bareli) સીટ પર કોંગ્રેસ (Congress) ઘણા દિવસોથી મૂંઝવણમાં જોવા મળી હતી. જો કે હવે તમામ અટકળોનો અંત આવી ગયો છે. શુક્રવારે નોમિનેશનના છેલ્લા દિવસે કોંગ્રેસ પાર્ટીએ આ બે સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

કોંગ્રેસે યુપીની અમેઠી અને રાયબરેલી બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર કોંગ્રેસે રાહુલ ગાંધીને રાયબરેલી લોકસભા સીટથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કેએલ શર્માને અમેઠીથી ઉમેદવાર બનાવ્યા છે. તેમજ આ બંને નેતાઓ આજે જ પોતાનું નામાંકન પણ ભરશે.

નામાંકન આજે જ થશે
જણાવી દઈએ કે અમેઠી અને રાયબરેલી બંને સીટો માટે નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 3જી મે એટલે કે શુક્રવાર છે. આવી સ્થિતિમાં આજે કોંગ્રેસ પાર્ટી અમેઠી અને રાયબરેલીમાં પણ રોડ શો કરશે. તેમજ રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે આજે સવારે 9:20 વાગ્યે ચાર્ટર્ડ ફ્લાઈટમાં નવી દિલ્હીથી રવાના થશે. બંને લોકો સવારે 10.20 વાગ્યે ફુરસતગંજ એરપોર્ટ પર ઉતરશે. આ પછી અમે ભૂમાઉ ગેસ્ટ હાઉસમાં રોકાશે. અહીંથી રાહુલ ગાંધી 12:15-12:45 વચ્ચે ઉમેદવારી નોંધાવશે.

અમેઠીથી કેએલ શર્મા લડશે ચૂંટણી
રાહુલ ગાંધી હમણઅ સુધી અમેઠીથી ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે આ વખતે પાર્ટીએ તેમની સીટ બદલી છે. તેમજ કેએલ શર્માને પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

શર્માને સોનિયા ગાંધીની નજીક માનવામાં આવે છે. અત્યાર સુધી તેઓ રાયબરેલીમાં સાંસદ પ્રતિનિધિ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમજ આ બંને બેઠકો પરંપરાગત રીતે ગાંધી-નેહરુ પરિવારના સભ્યો પાસે જ હતી. ત્યારે પાર્ટીએ પહેલીવાર અમેઠીમાંથી બિન-ગાંધી પરિવારના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ અમેઠી અને રાયબરેલી બેઠકો પર મતદાન થશે.

પ્રિયંકા ગાંધીનું નામ નથી
વાસ્તવમાં આ બંને બેઠકો માટે ઉમેદવારોના નામને લઈને ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. આ બંને બેઠકો કોંગ્રેસની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે. જો કે ગત ચૂંટણીમાં અમેઠી લોકસભા સીટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાર બાદ આ વખતે મુકાબલો ખૂબ જ રસપ્રદ માનવામાં આવી રહ્યો છે.

આ સાથે જ એવી પણ ચર્ચા હતી કે રાહુલ ગાંધી અમેઠીથી ફરી ચૂંટણી લડી શકે છે અને પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. પરંતુ હવે આ તમામ ચર્ચાઓનો અંત આવી ગયો છે. કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બંને બેઠકો માટે ઉમેદવારો નક્કી કરી દીધા છે. તેમજ એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે પ્રિયંકા ગાંધી હવે આ લોક સભા ચૂંટણીમાં યુપીથી ચૂંટણી લડશે નહીં.

Most Popular

To Top