ગાંધીનગર : ગુજરાતે નાણાકીય વ્યવસ્થાપનમાં ફરી એકવાર દેશ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં નાણા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પર થયેલી ચર્ચામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા 22 નાણાકીય વર્ષથી એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી અને છેલ્લા 21 વર્ષથી કોઈ સાધનોપાય પેશગી પણ લીધી નથી. આ સિદ્ધિ રાજ્યની કડક નાણાકીય શિસ્ત અને સુવ્યવસ્થિત નાણાકીય સંચાલનની સાક્ષી આપે છે.
દેસાઈએ વધુમાં કહયું હતું કે અંદાજપત્ર રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. રાજ્યે વર્ષ 2024-25માં મહેસૂલી ખાધના ‘શૂન્ય’ના લક્ષ્યાંક સામે ₹18,943 કરોડની મહેસૂલી પુરાંત હાંસલ કરી છે, જ્યારે વર્ષ 2026-27માં આ પુરાંત વધીને ₹25,587 કરોડ થવાનો અંદાજ છે. રાજ્યની રાજવિત્તીય ખાધ GSDPના માત્ર 1.97 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવી છે, જે નક્કી મર્યાદા કરતાં ઘણી ઓછી છે.
રાજ્યના દેવા અંગે માહિતી આપતા નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતનું કુલ દેવું GSDPના માત્ર 13.87 ટકા (2024-25) જેટલું છે, જે વર્ષ 2026-27માં 14.65 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નિર્ધારિત મર્યાદા 27.10 ટકા છે. રાજ્યએ દેવાની ચૂકવણીમાં ક્યારેય ચૂક કરી નથી અને અસરકારક સંચાલનના કારણે દેવાનું પ્રમાણ નિયંત્રણમાં રાખવામાં સફળતા મળી છે. જીએસટી અમલીકરણ બાદ ગુજરાતે કરવેરા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે.