Editorial

બાબરી મસ્જિદ માટે સુપ્રીમે જે જગ્યા ફાળવી છે ત્યાં ઇંટ પણ નથી મુકાઇ અને બંગાળમાં રાજકારણ શરુ

ધન્નીપુર ગામ અયોધ્યાથી લગભગ 20 કિલોમીટર દૂર છે. આ ગામ છેલ્લાં કેટલાંક વર્ષોથી ચર્ચામાં છે, કેમકે, સરકારે અહીં મસ્જિદ બનાવવા માટે જમીન ફાળવી છે. 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ 9 નવેમ્બર 2019ના દિવસે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણની મંજૂરી આપી હતી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વવાળી પાંચ સભ્યોની બૅંચે રામ જન્મભૂમિ–બાબરી મસ્જિદ કેસમાં સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો.

જેમાં, અયોધ્યાની 2.77 એકરની સમગ્ર વિવાદિત જમીન રામમંદિરનિર્માણ માટે આપી દેવામાં આવી હતી અને મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને પાંચ એકર વૈકલ્પિક જમીન આપવાનો ચુકાદો સંભળાવાયો હતો. એક બાજુ, અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ટૂંક સમયમાં જ એક વર્ષ પૂર્ણ થઈ જશે, તો બીજી બાજુ, ધન્નીપુરમાં નવી મસ્જિદના નિર્માણકાર્યની હજી સુધી શરૂઆત પણ નથી થઈ શકી. ઉત્તરપ્રદેશમાં ગોરખપુર–અયોધ્યા–લખનઉ હાઈવે પર રૌનાહી પોલીસ સ્ટેશનની બાજુના રસ્તા પરથી જ ધન્નીપુર ગામ શરૂ થાય છે. આ ગામમાં મસ્જિદની પ્રસ્તાવિત જગ્યા હાઈવેથી 200 મીટરના અંતરે છે. જો કે, બીબીસીના અહેવાલ પ્રમામે  ત્યાં પહોંચીએ તો મેદાનમાં કેટલાક ટેન્ટવાળા મંડપ બનાવવા માટે વપરાતાં મોટાં કપડાં સૂકવતા જોવા મળે છે.

ખેડૂત પોતાનાં ઢોરઢાંખર ચરાવતા જોવા મળે છે અને મેદાનની વચ્ચે એક દરગાહ પર એકલદોકલ ઝિયારત કરવા જોવા મળે છે. આ વાતનો ઉલ્લેખ અત્યારે એટલા માટે કરવો પડે છે કારણ કે, પશ્વિમ બંગાળના મુર્શીદાબાદમાં આજે શનિવારે 6 ડિસેમ્બરના રોજ બાબરી મસ્જિદ માટેની નીંવ રાખવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન ફાળવી છે ત્યાં ચકલું પણ ફરકતું નથી અને બંગાળમાં જાણે નવી ચળવળ શરુ થઇ ગઇ છે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કબીરે સ્ટેજ પર મૌલવીઓ સાથે રિબન કાપીને ઔપચારિકતા પૂર્ણ કરી હતી.

સવારથી જ 2 લાખથી વધુ લોકો ટ્રેક્ટર, ઈ-રિક્ષામાં અને માથા પર ઈંટો લઈને બાંધકામ સ્થળ પર પહોંચી રહ્યા છે. બેલડાંગા સહિત આસપાસનો વિસ્તાર આજે હાઈ એલર્ટ પર છે. કોલકાતા હાઈકોર્ટે શુક્રવારે મસ્જિદ નિર્માણ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું- કાર્યક્રમ દરમિયાન શાંતિ જાળવી રાખવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે. હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્ય સરકારે બેલડાંગા અને રાનીનગર પોલીસ સ્ટેશનના વિસ્તાર અને આસપાસ સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સની 19 ટીમો, રેપિડ એક્શન ફોર્સ, બીએસએફ, સ્થાનિક પોલીસની અનેક ટીમો સહિત 3 હજારથી વધુ જવાનો તહેનાત કર્યાં છે.

હુમાયુ કબીરે 25 નવેમ્બરે કહ્યું હતું કે તેઓ 6 ડિસેમ્બરે અયોધ્યામાં વિવાદિત માળખાના ધ્વંસનાં 33 વર્ષ પૂરાં થવા પર બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરશે. TMCએ 4 ડિસેમ્બરે હુમાયુ કબીરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે 2020માં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે જમીન આપી દીધી હતી. ત્યાર બાદ બોર્ડે ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (આઈઆઈસીએફ)ના નામનું એક ટ્રસ્ટ બનાવ્યું હતું. ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝુફર ફારૂકીનું કહેવું છે કે પૂરતું ફંડ નહીં હોવાના કારણે નિર્માણકાર્ય શરૂ નથી થઈ શક્યું. જોકે, ફંડ એકઠું કરવા માટે એક સમિતિ પણ બનાવવામાં આવી હતી, પરંતુ ચાલુ વર્ષના સપ્ટેમ્બરમાં તેને વિખેરી નાખવામાં આવી.

આઈઆઈસીએફના સચિવ અતહર હુસૈનનું કહેવું છે કે ફંડ એકત્ર કરવા માટે જે સમિતિ બનાવવામાં આવી હતી, તે પોતાનું કામ યોગ્ય રીતે કરી શકતી નહોતી. વિખેરી નંખાયેલી સમિતિમાં હાજી અરાફાત શેખ પણ હતા. તેમને ફંડ એકઠું કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સરકારે 2020માં ધન્નીપુર ગામમાં મસ્જિદ માટે જમીન આપી હતી. પરંતુ, આટલાં વર્ષો પછી પણ જમીન પર કશું કામ શરૂ નથી થઈ શક્યું. ત્યાં ઘણી જગ્યાએ માત્ર બોર્ડ લાગેલાં છે. બીજી તરફ, અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા પછી બાકી રહી ગયેલું નિર્માણકાર્ય ઝડપભેર ચાલી રહ્યું છે.

રામમંદિરના નિર્માણમાં લગભગ 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. અયોધ્યામાં રામમંદિર સુધી રામપથ બની ગયો છે. સરકાર દ્વારા અયોધ્યાનું સૌંદર્યીકરણ પણ કરવામાં આવ્યું છે, જેના માટે સરકારે અલગથી નાણાં ફાળવ્યાં હતાં. સરકારે શ્રદ્ધાળુઓના આવાગમન માટે એરપૉર્ટ ચાલુ કર્યું, નવું બસ સ્ટેશન બનાવ્યું અને રેલવેના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. ચાલુ વર્ષના બજેટમાં અયોધ્યાના વિકાસ માટે 100 કરોડ આપવામાં આવ્યા છે. ઍરપૉર્ટના વિસ્તરણ માટે 150 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જોકે, ટ્રસ્ટના સચિવ અતહર હુસૈનનું કહેવું છે કે બંનેની સરખામણી ન કરી શકાય, કેમકે, રામમંદિરની તૈયારી ઘણા દાયકાઓથી ચાલી રહી હતી અને તેમાં સરકારને પણ રસ હતો.

ધન્નીપુર ગામના ઘણા લોકો મસ્જિદ વિશે વાત કરવાનું ટાળે છે. પરંતુ, સ્થાનિક નિવાસી મોહમ્મદ ઇસ્લામ કહે છે, “મસ્જિદ માટે ઘણી વાર તારીખ જણાવાઈ, પરંતુ, કામ શરૂ ન થઈ શક્યું. પહેલાં કમિટીના લોકો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજારોહણ માટે આવતા હતા, પરંતુ, આ વખતે ન આવ્યા એટલે ગામલોકોએ જાતે ધ્વજવંદન કર્યું. મોહમ્મદ ઇસ્લામનું કહેવું છે કે જો હૉસ્પિટલ બની હોત, તો વિસ્તારના લોકોને ઘણો ફાયદો થયો હોત અને તેમણે લખનઉ જવા માટે ચાર-છ કલાકની મુસાફરી ન કરવી પડી હોત.

Most Popular

To Top