Editorial

ઉત્તર ગોળાર્ધનો કાળઝાળ ઉનાળો: ગ્લોબલ વોર્મિંગ રોકવા નક્કર પગલાઓની જરૂર

આપણે ત્યાં અત્યારે સારો એવો વરસાદ પડી ગયો છે અને તેથી જુલાઇ મહિનામાં કંઇક ઠંડક થઇ ગઇ છે. બાકી મે અને જૂન મહિનામાં આપણે સખત ગરમી સહન કરી. આ વર્ષે ભારતમાં ઉનાળો સખત ગરમ રહેવાની આગાહી હતી, જો કે આપણા ગુજરાતની અને તેમાં પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો તે મહિનાના સામાન્ય દિવસો કરતા ઘણા ગરમ રહ્યા. જો કે તે પછીના માર્ચ અને એપ્રિલ મહિનાઓમાં આશ્ચર્યજનક રીતે ગરમી ઓછી પડી પરંતુ મે મહિનામાં કાળઝાળ ગરમી શરૂ થઇ અને જૂન મહિનો પણ ગરમ રહ્યો. હવે વૈશ્વિક દષ્ટિએ જોઇએ તો ગત મહિનો એટલે કે જૂન મહિનો દુનિયામાં જ્યાં ઉનાળો ચાલે છે તે વિસ્તારોમાં ખૂબ સખત ગરમ મહિનો પુરવાર થયો છે.

ઉત્તર ગોળાર્ધમાં સામાન્ય રીતે મે-જૂનમાં ઉનાળાનો સમય હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં દુનિયાની ઘણી મોટી વસ્તી આવી જાય છે તે જોતા મોટા ભાગના વિશ્વ માટે ગત જૂન મહિનો ખૂબ ગરમ રહ્યો. અને વૈજ્ઞાનિકોએ તો જણાવી દીધું છે કે વીતેલો જૂન મહિનો રેકર્ડ પર નોંધાયેલા અત્યાર સુધીના તમામ જૂન મહિનામાં અત્યાર સુધીનો સૌથી ગરમ જૂન મહિનો રહ્યો છે. ગયો મહિનો એ છેલ્લા ૧૭૪ વર્ષથી અત્યાર સુધીમાં રાખવામાં આવેલી નોંધ પરનો સૌથી ગરમ જૂન મહિનો હતો એમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે જેમાં નાસા અને એનઓએએના વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે.

વૈજ્ઞાનિકોએ ફક્ત જૂન મહિના માટે જ નહીં પણ આખા ૨૦૨૩ના વર્ષ માટે પણ એવો સંકેત આપી દીધો છે કે આ ચાલુ વર્ષ પણ ઘણુ જ ગરમ પુરવાર થઇ શકે છે. નેશનલ ઓસનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ)ને એવું પણ જણાયું છે કે તે ખરેખર ચોક્કસ(૯૯ ટકા કરતા વધુ) છે કે ૨૦૨૩ એ રેકર્ડ પરના દસ સૌથી ગરમ વર્ષોમાં સમાવિષ્ટ થશે અને ૯૭ ટકા એવી તકો છે કે તે ટોચના પાંચ વર્ષોમાં સમાવિષ્ટ થશે. તાપમાન અત્યારે આટલું ગરમ છે તે માટે અલ-નીનો હવામાન પેટર્ન પણ એક કારણ છે એમ એનઓએએ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ સાયકલિક પેટર્ન પેસેફિક મહાસાગરમાં સામાન્ય કરતા વધુ ગરમ પાણી સર્જે છે અને વધારાની ગરમી વિશ્વભરમાં હવામાનને બદલે છે વૈશ્વિક તાપમાન વધારે છે. જો કે અલ-નીનો પરિબળ અત્યારે તાપમાન પર ભલે અસર કરી રહ્યું હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વમાં ઉનાળાના દિવસો ખૂબ ગરમ રહી રહ્યા છે, અને અલ-નીનો નહીં હોય તેવા વર્ષોમાં પણ ઉનાળાના દિવસો સખત ગરમ રહે છે તેમાં ગ્લોબલ વૉર્મિંગની અસર સ્પષ્ટપણે દેખાય છે. આ વર્ષનો જૂન મહિનો ૧૯૯૧થી ૨૦૨૦ સુધીની સરેરાશથી વધી ગયેલા જૂન ૨૦૧૯ના તાપમાનથી ૦.પ ડીગ્રી કરતા થોડુ વધારે છે.

જૂન ૨૦૧૯ એ આ પહેલા અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો હતો એ મુજબ યુરોપિયન યુનિયનની કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ સર્વિસે જણાવ્યું હતું. એનઓએએના એનસીઇઆઇ કેન્દ્રના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જૂન મહિનામાં વૈશ્વિક સપાટીનું તાપમાન ૨૦મી સદીના સરેરાશ ૧પ.પ ડીગ્રી સેલ્સિયસ તાપમાન કરતા ૧.૦પ ડીગ્રી સેલ્સિયસ હતું. આ પ્રથમ વખ ત બન્યું છે કે જૂન મહિનાનું નાપમાન લાંબા ગાળાની સરેરાશની ઉપર ૧ ડીગ્રી સેલ્સિયસ કરતા વધુ રહ્યું છે. અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ પણ હવામાન મથકો અને એન્ટાર્કટિક રિસર્ચ સ્ટેશનો અને સાથો સાથે જહાજો પર ગોઠવેલા સાધનો પરથી જે ડેટા એકઠો કરીને વૈશ્વિક હવામાનનું વિશ્લેષ્ણ કર્યું છે અને તેને પણ જણાયું છે કે જૂન મહિનો અત્યાર સુધીનો નોંધાયેલો સૌથી ગરમ જૂન મહિનો રહ્યો છે.

યુરોપમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ત્યાં અનેક દેશોમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને જાણીતા પર્યટન સ્થળો સહિતના વિવિધ વિસ્તારોમાં આ સપ્તાહે તાપમાન વિક્રમી સ્તરે પહોંચવાની શક્યતા છે. કાળઝાળ ગરમીનું મોજુ યુરોપમાં ચાલી રહ્યું છે અને તેના કારણે લોકોના આરોગ્ય પર અસર અંગે ગંભીર ચિંતા ઉભી થઇ છે. ઇટાલીમાં સખત ગરમીને કારણે કેટલાક બ્રિટિશ ટુરિસ્ટો બેભાન થઇ ગયા હોવાના પણ અહેવાલ છે. રોમમાં હાલમાં કોલોસિયમની સામે જ એક બ્રિટિશ પર્યટક મહિલા બેભાન થઇને પડી ગઇ હતી. ત્યાં તાપમાન ૩૬ ડીગ્રી સે.ની ઉપર ગયું હતું જે ત્યાંના હિસાબે ઘણુ વધારે ગણાય.

સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, ઇટાલી વગેરે દેશોના ભાગો સખત ગરમીનો સામનો કરી રહ્યા છે અને ત્યાં તાપમાન ૧૦૪ ડીગ્રી ફેરનહીટની ઉપર જઇ રહ્યું છે. અમેરિકાથી માંડીને જાપાન સુધીના વિવિધ દેશોના વિસ્તારો સખત ગરમીનો સામનો અત્યારે કરી રહ્યા છે. આમાં કેટલાક પ્રાકૃતિક પરિબળો પણ જવાબદાર મનાય છે પરંતુ પૃથ્વીના વિવિધ ભાગોમાં આકરા થતા જતા ઉનાળાઓ માટે પ્રદૂષણજન્ય ગ્લોબલ વૉર્મિંગ જવાબદાર જણાય જ છે. યુરોપ જેવા ઠંડા ખંડમાં પણ આટલી ગરમી ઉનાળામાં પડવા માંડી છે તે મોટી ચિંતાની વાત છે અને ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે કેવા સઘન પ્રયાસોની જરૂર છે તે તરફ ઇશારો કરે છે.

Most Popular

To Top