Editorial

ઉત્તર કોરિયાના ઉધામા ક્યારેક મોટો ભડકો સર્જી શકે છે

ઉત્તર કોરિયાએ હાલમાં જાપાનની ઉપર એક બેલાસ્ટિક મિસાઇલ છોડ્યું હતું, આમ તો ઉત્તર કોરિયા ઘણા સમયથી જાત જાતના મિસાઇલ પરીક્ષણો કરતું રહ્યું છે પરંતુ કેટલીક વખત તે એવા ઉધામા કરે છે કે જેનાથી તેની આજુબાજુના,  ખાસ  કરીને દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દેશોમાં ગભરાટ ફેલાઇ જાય છે. હાલ થોડા દિવસો પહેલા તેણે આવું જ કર્યું. તેણે એક મિસાઇલ પરીક્ષણ કર્યું અને આ મિસાઇલ સીધું તેણે સીધુ જાપાનના આકાશ તરફ જ છોડ્યું.

જેના પરિણામે આ  મિસાઇલના ઉડ્ડયન વખતે જાપાને લોકોને સ્થળાંતરની ચેતવણી જારી કરવી પડી હતી અને ટ્રેનો રદ કરવી પડી હતી. આ અણુ શસ્ત્ર સક્ષમ મિસાઇલ અમેરિકાના કબજા હેઠળના પ્રદેશ ગુઆમ તથા તેનાથી પણ આગળ જઇ શકે તેવું હતું. ઉત્તર  કોરિયાએ પાંચ વર્ષમાં પ્રથમ વખત આ પ્રકારે મિસાઇલ છોડ્યું છે. ઉત્તર કોરિયાના આવા વર્તનને કારણે ઘણી વખત કોરિયન પ્રદેશમાં જ નહીં પણ સમગ્ર દુનિયામાં ચિંતાઓ છવાઇ જાય છે કારણ કે તેના આવા ઉંબાડિયાઓથી ક્યારેક મોટો  ભડકો થઇ શકે છે.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની શત્રુતા ખૂબ જાણીતી છે. આમાં અમેરિકા અને જાપાન દક્ષિણ કોરિયાના ખાસ ટેકેદારો છે જ્યારે ચીનની હૂંફ ઉત્તર કોરિયાને મળતી રહે છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન એક ભેજાગેપ  નેતા તરીકે જાણીતા છે અને તેઓ પોતાના ટેકેદાર દેશોને પણ મૂંઝવણમાં મૂકી દે તેવા પગલાઓ ભરવા માટે પણ જાણીતા છે. હાલમાં ઉત્તર કોરિયાએ જે રીતે મિસાઇલ પરીક્ષણ કર્યું તેનાથી અમેરિકા પણ ઉંચુ નીચું થઇ ગયું.

તેણે આ ઉત્તર  કોરિયાના આ બેલાસ્ટિક મિસાઇલ લોન્ચને સખત શબ્દોમાં વખોડી નાખ્યું અને કહ્યું કે આ લોન્ચ એ ઉત્તર કોરિયા દ્વારા આ વર્ષે સૌથી વધુ ઉશ્કેરણીજનક શસ્ત્ર પ્રદર્શન છે જ્યારે તેણે તેના પૂર્ણ કક્ષાના અણુ શસ્ત્રાગારને વિકસાવવાને વેગ  આપવાના પ્રયાસોમાં આવા મિસાઇલ પરીક્ષણો વધાર્યા છે, જે અણુ શસ્ત્રો અમેરિકાના સાથી દેશો અને અમેરિકન ભૂમિ સામે ભય ઉભો કરે છે.

અમેરિકાએ જણાવ્યું હતું કે તે ઉત્તર કોરિયાના આ ભયંકર અને વિચારહીન નિર્ણયને સખત રીતે  વખોડે છે. આ મિસાઇલને અમેરિકાએ જાપાન તરફના એક લોંગ રેન્જ બેલાસ્ટિક મિસાઇલ તરીકે વર્ણવ્યું હતું. આ મિસાઇલ પરીક્ષણ અને અસ્થિર કરનારું પગલું છે અને તે યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અને આંતરરાષ્ટ્રીય સલામતીના  ધોરણોનો ભંગ કરનારું છે એમ અમેરિકાએ કહ્યું હતું. ઉત્તર કોરિયાના આ પરીક્ષણ પછી જાપાનીઝ સત્તાવાળાઓએ ઉત્તરપૂર્વીય પ્રદેશોના રહીશોને શેલ્ટરોમાં આશ્રય લેવા ચેતવણીઓ જારી કરી હતી.

વર્ષ ૨૦૧૭ પછી આ પ્રથમ જે-એલર્ટ છે.  યુદ્ધ વખતે તો યુદ્ધ ગ્રસ્ત દેશે મિસાઇલ કે હવાઇ હુમલા જેવા સંજોગોમાં પોતાના નાગરિકોને શેલ્ટરોમાં આશ્રય લેવા સૂચના આપવી પડતી હોય છે પરંતુ અન્ય કોઇ દેશના મિસાઇલ પરીક્ષણ વડે આવી ચેતવણી જારી કરવી પડે તે એક વિચિત્ર  બાબત છે પરંતુ ઉત્તર કોરિયાના નેતા આવુ બધુ પણ શક્ય બનાવે છે. કિમ જોંગ ઉન એક એવા નેતા છે કે જેમનો શબ્દ જ હાલ તો તેમના દેશમાં કાયદો છે.

વળી, આ પ્રમાણમાં યુવાન કહી શકાય તેવા નેતા બિલકુલ ભેજાગેપ છે અને પોતાના દેશના નાગરિકોને પણ તેઓ જાત જાતના આદેશો વડે મુશ્કેલીઓમાં મૂકતા રહે છે. ઉત્તર કોરિયાની પ્રજા તેમના શાસનમાં કેટલી ત્રસ્ત છે તે ઘણી વખત બહાર આવ્યું છે પરંતુ કોઇ કશું કરી શકતું નથી. એક ધૂની, વિચિત્ર માનસિકતા વાળા સરમુખત્યાર નેતાથી તેના દેશની પ્રજાએ અને બીજા દેશોએ પણ કેટલા પરેશાન થવું  પડે છે તેવું બીજા કેટલાક નેતાઓના કિસ્સામાં પણ દુનિયાએ જોયું છે અને હાલ ઉત્તર કોરિયાના કિમ જોંગના સંદર્ભમાં આ જ જોવા મળી રહ્યું છે.

કિમ જોંગના શાસન હેઠળ ઉત્તર કોરિયાએ અણુ શસ્ત્રો વિકસાવી લીધા છે એમ કહેવાય છે અને ઉત્તર કોરિયા જાત જાતના શસ્ત્રોનું પરીક્ષણ કર્યા કરે છે. લાંબા અંતરના આંતરખંડીય મિસાઇલો વિકસાવવામાં કે પ્રાપ્ત કરવામાં પણ તેણે સફળતા મેળવી લીધી છે એમ પણ કહેવાય છે. ઉત્તર કોરિયા આમ તો વિસ્તાર અને વસ્તીની દષ્ટિએ નાનકડો દેશ છે અને આર્થિક રીતે પણ નબળો દેશ છે પરંતુ જો ખરેખર તેણે અણુ શસ્ત્રો વિકસાવી લીધા હોય કે મેળવી લીધા હોય અને લાંબા અંતરના બેલાસ્ટિક મિસાઇલો પણ વિકસાવી લીધા હોય તો તે બાબત આખી દુનિયા માટે જોખમી કહેવાય અને આનુ કારણ તેના માથાફરેલ નેતા કિમ જોંગ છે જેઓ વારંવાર અમેરિકાને અણુ હુમલાની ચેતવણીઓ આપી ચુક્યા છે. ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથે તેમની શાંતિ મંત્રણા પણ યોજાઇ હતી પરંતુ તેનો કંઇ બહુ અર્થ સર્યો નથી. કિમ જોંગના ઉધામા હજી ચાલુ જ છે અને ક્યારેક તેઓ મોટો ભડકો કરી શકે છે.

Most Popular

To Top