સુરત: ઉત્તર ભારતમાં (North India) હિમવર્ષા (snowfall) થતાં જ ઠંડો પવન (cold Wind) આઠ કિલોમીટરની ઝડપે ફુંકાઈ રહ્યો છે. જેને કારણે શહેરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. શુક્રવારની સરખામણીએ શનિવારે રાત્રિના તાપમાનમાં એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાતાં શહેરીજનોએ શિળાયાનો (Winter) અહેસાસ કર્યો છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની શક્યતાને પગલે આગામી દિવસોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના હવામાન પલટો આવશે. આગામી દિવસમાં ગરમી સાથે વરસાદ પણ પડી શકે તેવી સંભાવના છે.ડિસેમ્બર મહિનો આવતા જ ધીમે ધીમે ઠંડી જોર પકડી રહી છે. એવામાં જ ઉત્તર પ્રદેશ તરફ હિમવર્ષા થતાં જ સીધી અસર સુરત સહિત દક્ષિણ ગુજરાત પર જોવા મળી છે. વેધર ડિપાર્ટમેન્ટના ઓફિસરો જણાવ્યું હતું કે, શનિવારે ઉત્તર દિશામાંથી આઠ કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.
શુકવારની સરખામણીમાં શનિવારે રાત્રિના તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે 18.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ઘટીને 39 ટકા રહ્યું હતું. હવાનું દબાણ 1008.9 મીલીબાર રહ્યું હતું. આગામી ૫ દિવસમાં લધુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આકાશ વાદળછાયું રહેવા સાથે ભેજનું પ્રમાણ વધવાની શક્યતા રહેલી છે. કારણ કે, બંગાડીની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન મૈંડુસની અસરથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના હવામાન પલટો લાવશે. આ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ વાવાઝોડાને પગલે ગુજરાતમાં આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. ભાવનગર, નવસારી, તાપી, ડાંગમાં તેમજ વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સાથે જ વિવિધ જિલ્લાઓના તાપમાનમાં ફેરફાર પણ નોંધાઈ શકે છે. ગુજરાતમાં વાતાવરણના પલટાને કારણે માવઠું થશે અને તેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થઈ શકે છે. જો કે, 15 ડિસેમ્બર બાદ ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે.