તાપી જિલ્લામાં શુક્રવારે ફરી એકવાર વાતાવરણ પલટાતાં કમોસમી વરસાદ પડ્યો હતો. શુક્રવારે ઝરમર ઝરમર વરસાદને લઈ ફરી લોકોમાં ચિંતાનો માહોલ ફેલાય ગયો છે. સવારે ઠંડી અને દિવસે કમોસમી વરસાદ, એક સાથે બે ઋતુનો અનુભવી લોકો કરી રહ્યા છે ત્યારે બદલાતા વાતાવરણમાં લોકોની બિમાર પડવાની શક્યતાઓ પણ વધી છે. સાથે જ ખેડૂતોને પણ માઠી અસર વર્તાય હતી. અને વિવિધ પાકોને મોટું નુકશાન થયું હતું.
શાકભાજીમાં ઈયળ જેવા જિવાતો પડવાની સંભાવના
ખેડુતોએ પોતાના ખેતરમાં કરેલ તુવેર, પાપડી, અડદ જેવા પાકો તૈયાર થવા આવ્યા છે. તૈયાર થયેલ તુવેર અને અડદ કાપીને ઢગલાઓ કર્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આ પાકોના ભાવો પણ માર્કેટમાં ઓછા મળશે. ખાસ કરીને કમોસમી વરસાદ ખેતરમાં કરેલા શાકભાજીને વધુ નુકસાન કરશે. શાકભાજીમાં ઈયળ જેવા જિવાતો પડવાની સંભાવના વધી છે. હાલ મોટા ભાગનાં ખેડૂતો ભીંડાની ખેતી વધારે કરે છે ત્યારે ભીંડાના છોડ પર આવેલા ફુલ, પાંદડામાં જિવાણુનો ઉપદ્રવ જોવા મળશે. જેથી ખેડૂતોનો ખર્ચમાં પણ વધારો થશે. જ્યારે ભીંડાનો ભાવ માર્કેટમાં ઓછો જોવા મળશે.
કમોસમી વરસાદથી આંબા મંજરીને પણ અસર
વહેલી સવારે ઠંડી અને દિવસે કમોસમી વરસાદને કારણે ખેતરમાં કરેલ શાકભાજીને ઘણુ મોટુ નુકસાન થશે. હાલ આંબાના ઝાડ પર આંબ મંજરીઓ પણ આવી ગઈ છે ત્યારે કમોસમી વરસાદ આ આંબ મંજરી કાળી થઈને ખરી પડવાની સંભાવના જણાઈ રહી છે. ખેડૂતો માટે 2020નું વર્ષ સારુ ગયું નથી, હવે 2021ના પ્રારંભમાં પણ મવાઠાને કારણે મોટી આફતના એંધાણ વર્તાઈ રહી છે. હાલ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પતંગ, દોરી, ફીરકી વેચવા માટે મંડપો બાંધી દુકાનો કાઢવામાં આવી છે ત્યારે ઝરમર વરસાદને કારણે પોતાના દુકાનનો સામાન ભીનાય ના જાય તે માટે પ્લાસ્ટિકની તાડપત્રીનો સહારો લઇ રહ્યા છે.
ચીખલી પંથકમાં પણ માવઠાની માઠી અસર
વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાથી ખેતી પાક ઉપર માઠી અસર સર્જાવા સાથે લોકોની મુશ્કેલી વધી છે. ચીકુ તથા તુવેર, વાલોળ, રીંગણ, મરચા સહિતના શાકભાજીના પાકોને પણ નુકશાનની ભીતિ સર્જાઇ છે. બીજી તરફ હાલે વિકાસના કામો પણ તેજ ગતિએ ચાલતા હોય તેમાં પણ મુશ્કેલી સર્જાવા પામી છે. ચીખલી પંથકમાં વિવિધ સુગર ફેકટરીઓ અને ગોળના કોલાઓમાં શેરડી કાપવાનું કામ કરતા પ્લાસ્ટિકના ટેન્ટમાં રહેતા શ્રમિકોને પણ તકલીફ વેઠવાની નોબત આવી છે. આમ, કમોસમી વરસાદથી અનેક લોકોની મુશ્કેલી વધવા પામી છે. આંબાવાડીમાં ઝાડો ઉપર કેરીના પાક માટે પ્રારંભિક તબક્કાનો સમય છે. ઝાડો પર ફૂટ સારી થાય અને આ ફૂટમાંથી કેરીનું વધુમાં વધુ ઉત્પાદન થાય તે માટે ખેડૂતો દવાનો છંટકાવ પણ કરી ચૂકયા છે. અગાઉ પણ માવઠાની માઠી અસરને પગલે ખેડૂતોને દવાનો છંટકાવ કરવાની ફરજ પડી હતી. હવે ફરી માવઠાથી ફૂગજન્ય જીવાતોમાં વધારો થવાની શકયતા વધી જવા પામી છે.