Gujarat

નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ-યુનિવર્સિટીમાં SC-ST વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે

ગાંધીનગર: ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ-યુનિવર્સિટીમાં (Collage-University) પ્રવેશ મેળવતા એસ.સી (S.C) અને એસ.ટી (S.T) કેટેગરીના વિદ્યાર્થીઓને (Student) શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ મુજબ આજે વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) વિગતો આપતા જણાવ્યું હતું કે, નવી FRC (ફી નિર્ધારણ સમિતિ) અંગે વિચારણા કે નિર્ણય ન થાય ત્યાં સુધી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ માટે તા.૯/૨/૨૦૨૨ના પત્રથી જે નિર્ણય લેવામાં આવેલો છે. તે મુજબની વ્યવસ્થા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ અને તે પછીના વર્ષોમાં પણ યથાવત રહે અને આદિજાતી વિકાસ વિભાગ દ્વારા પણ ST કેટેગરીના વિદ્યાર્થીઓને થતી શિષ્યવૃત્તિની ચુકવણી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર થાય તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણયને પરિણામે અંદાજિત ૬ હજાર જેટલા એસ.સી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ થશે. જ્યારે એસ.ટી કેટેગરીના ૧૨ હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે રાજ્ય સરકારે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે અને આ FRC સીધે સીધી જે તે સંસ્થામાં સરકાર દ્વારા જ જમા કરાવી દેવાશે. રાજ્ય સરકારે લીધેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે અંદાજિત 6 હજાર જેટલા એસ.સી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળશે. આ માટે 12 કરોડનો ખર્ચ થશે. જ્યારે એસ.ટી કેટેગરીના 12 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે જેની પાછળ રૂ.૨૪ કરોડનું ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં ખેલ મહાકુંભ માટેના રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 3.11 લાખથી વધુ ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. હજુ પણ રસ ધરાવતા ખેલાડીઓએ વધુને વધુ રજીસ્ટેશન કરી ‘રમશે ગુજરાત જીતશે ગુજરાત’ને સાર્થક કરવા અપીલ કરી હતી.

Most Popular

To Top