SURAT

સુરતમાં હવે રખડતાં કૂતરાઓ માટે નોડેલ ઓફિસર નિમાશે, જાણો શું થશે કામગીરી

સુરત: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે સ્ટેટ તથા નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને દૂર કરવાનું ફરજિયાત બન્યું છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, હોસ્પિટલો, સ્કૂલો, કોલેજ કેમ્પસ સહિત સંવેદનશીલ વિસ્તારોમાં રખડતા કૂતરાઓથી સુરક્ષા માટે વાડ, બાઉન્ડ્રીવોલ અથવા યોગ્ય પ્રવેશ–નિકાસ દ્વારની વ્યવસ્થા કરવાની રહેશે.

  • પાલિકાની બેઠકમાં કામગીરીનો ડેટાબેઝ તૈયાર કરવા સુચના

અદાલતે વધુમાં જણાવ્યું છે કે પકડાયેલા રખડતા કૂતરાઓને હવે તેમની જ જૂની જગ્યાએ છોડી શકાશે નહીં અને ત્રણ અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ આપવા માટેની સુચના આપવામાં આવી હતી. જેથી બુધવારે આ મુદ્દે સુરત મહાનગર પાલિકામાં મહત્વની મીટીંગ યોજાઈ હતી જેમાં વિવિધ અન્ય વિભાગના વડા પણ હાજર રહ્યા હતા. શહેરની વિવિધ સંસ્થાઓની આસપાસ રખડતા કુતરાઓથી સુરક્ષાની કામગીરી કરાવવા માટે નોડલ ઓફિસર નિમણુંક કરવાનો નિર્ણય લેવાયો હતો.

વધુ માહિતી અનુસાર, બુધવારે મનપાના ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ્સ)ની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી. તેમાં સરકારી–અર્ધસરકારી હોસ્પિટલો, રેલ્વે અને બસ સ્ટેશનના અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી તથા તમામ ઝોનના કાર્યપાલક ઈજનેરો અને નાયબ આરોગ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સુરત શહેરની તમામ સરકારી-અર્ધસરકારી સંસ્થાઓ, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને બસ સ્ટેશન, રેલવે સ્ટેશનના પરિસરને રખડતા કૂતરાઓથી સુરક્ષિત વાડ–બાઉન્ડ્રીવોલ લગાવવા કે ફેન્સીંગ કરવામાં આવશે. જેથી આ તમામ જગ્યાઓ એન્ટ્રી-એક્ઝીટ પોઈન્ટ સુરક્ષિત કરી શકાય.

આ તમામ જગ્યાએ આ કામગીરીની દેખરેખ રાખવા અને યોગ્ય રીતે આ કામગીરી પૂર્ણ કરાવવા માટે નોડલ ઓફિસરની નિમણૂંક કરાશે. અને આ તમામ જગ્યાઓએ જાગૃતિ માટે IEC પ્રવૃત્તિઓ ચલાવવા સૂચના આપવામાં આવી હતી.

વધુમાં, દરેક સંસ્થાની ત્રણ–ત્રણ મહિના અંતરે તપાસ હાથ ધરવાની રહેશે જેથી આ જગ્યા રખડતા કૂતરાઓના આશ્રયસ્થાન ન બને. આ સમગ્ર કામગીરીનો વિગતવાર ડેટાબેઝ તૈયાર કરવાની સુચના પણ આપવામાં આવી છે, જેથી શહેરમાં રખડતા કૂતરાઓ નિયંત્રણ અંગે સુવ્યવસ્થિત અને સતત દેખરેખ રાખી શકાય.

Most Popular

To Top