ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ઘણો જૂનો છે. ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલની 2005ની વાપસી સાથે ફરી સંઘર્ષ શરૂ થયો છે. પેલેસ્ટાઈન હંમેશા કહે છે કે, ઈઝરાયલ દેશ બનાવવો એક છેતરપિંડી છે, તેણે પેલેસ્ટાઈનની જમીન પર બળજબરીથી કબજો કર્યો છે. ઑગસ્ટ 2005માં મધ્યપૂર્વમાં ઇજિપ્ત પાસેથી કબજો મેળવ્યાના 38 વર્ષ બાદ ઇઝરાયલની સેનાએ એકતરફી રીતે ગાઝામાંથી પીછેહઠ કરી અને તે વિસ્તારને પેલેસ્ટિનિયન સૈન્યના નિયંત્રણમાં છોડી દીધો હતો. 25 જાન્યુઆરી, 2006ના રોજ પેલેસ્ટાઈનની વિધાનસભા ચૂંટણીમાં હમાસે સૌથી વધુ બેઠકો જીતી હતી.
હમાસ એક પેલેસ્ટિનિયન જૂથ હતું જેણે દેશની સ્વતંત્રતા માટે લડવાની વાત કરી હતી. હમાસે પણ ઈઝરાયેલના અસ્તિત્વને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું. મતલબ કે, જ્યારે 25 જૂન, 2006ના રોજ ગાઝાથી સીમાપાર હુમલામાં હમાસ દ્વારા ઇઝરાયેલી સૈન્યના સૈનિક ગિલાદ શાલિતને પકડી લેવામાં આવ્યો ત્યારે સંઘર્ષ વધી ગયો હતો. પાંચ વર્ષથી વધુ સમય પછી, શાલિતને આખરે કેદીઓની અદલાબદલીમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
14 જૂન 2007ના રોજ, હમાસે ટૂંકા ગૃહયુદ્ધમાં ગાઝા પર કબજો મેળવ્યો, અને વેસ્ટ બેંકમાં રહેલા પેલેસ્ટાઈનના પ્રમુખ મહમૂદ અબ્બાસ પ્રત્યે વફાદાર ફતાહ સૈન્ય દળોને પશ્ચિમ કાંઠેથી હાંકી કાઢ્યા. 27 ડિસેમ્બર, 2008ના રોજ,પેલેસ્ટાઈન દ્વારા ઈઝરાયલના સેડરોડ શહેર પર રોકેટ ફેક્યા બાદ ઇઝરાયેલે ગાઝામાં 22-દિવસીય લશ્કરી આક્રમણ શરૂ કર્યું હતુ. યુદ્ધવિરામ સંમત થયા પહેલા લગભગ પેલેસ્ટાઇનના 1400 અને ઈઝરાયેલના 13 નાગરિકો માર્યા ગયા હતા. 14 નવેમ્બર 2012ના રોજ ઈઝરાયેલે હમાસના લશ્કરી વડા અહેમદ જબારીની હત્યા કરી હતી.
જે બાદ તણાવ ઘણો વધી ગયો હતો. હમાસ દ્વારા કરાયેલા રોકેટ હુમલામાં અત્યાર સુધીમાં 40 ઈઝરાયેલી લોકોના મોત નિપજ્યા છે જ્યારે 700 લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ યુદ્ધનું એલાન કરી દેતા જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા ગાઝામાં જવાબી કાર્યવાહીમાં હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયલ પર 5000થી વધુ રોકેટ ઝિંકાયા બાદ લાલઘૂમ થયેલા ઈઝરાયલે હવે ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નિશાન બનાવ્યાં હતાં.
હમાસ નામના આતંકી સંગઠનને ટાર્ગેટ કરતાં ઈઝરાયલ દ્વારા હવાઈ હુમલા કરાયા હતા જેમાં મોટાપાયે જાનહાનિ થયાના અહેવાલ આવી રહ્યા છે. પેલેસ્ટાઈન મીડિયાએ દાવો કર્યો છે કે ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં 198 લોકોના મોત થયા છે. જ્યારે 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. હમાસે નેપાળી સ્ટુડન્ટ્સને પણ બંધક બનાવી લેવાયાની માહિતી મળી રહી છે. તેઓ ત્યાં દક્ષિણ ઈઝરાયલમાં ખેતી સંબંધિત અભ્યાસમાં જોડાયેલા હોવાની માહિતી છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલય અને રેસ્ક્યૂ ટીમે આ મામલે સ્થિતિની જાણકારી આપી હતી અને સ્ટુડન્ટ્સને એલર્ટ પર રહેવા જણાવાયું છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ દરમિયાન એક વીડિયો શેર કરીને દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ હોવાની માહિતી આપી હતી. તેમણે ધમકીભર્યા શબ્દોમાં કહ્યું હતું કે ઈઝરાયલ હવે યુદ્ધ આરંભી રહ્યું છે અને હમાસે હવે આ હુમલાની કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઇએ. તેમણે શરૂઆત કરી છે અને અમે ખતમ કરીશું. તેણે વિચાર્યું પણ નહીં હોય તેવું તેને નુકસાન પહોંચાડીશું. ઈઝરાયલના નેશનલ સિક્યોરિટી મિનિસ્ટરે નેશનલ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને ગાઝા પટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ભડકી ગયું છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ આ મામલે પોતે ટ્વિટ કરીને ઇઝરાયલ યુદ્ધની સ્થિતિમાં છે તેવી જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન મોટા અહેવાલ એવા મળી રહ્યા છે કે હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં કુલ 40થી વધુ ઈઝરાયલી નાગરિકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોની સંખ્યા 500ને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા એટલા ભયાનક હતા કે તેના વિવિધ શહેરોમાં જુદા જુદા વિસ્તારોમાં 5000થી વધુ રોકેટ ઝીંકવામાં આવ્યા હતા.
બીજી બાજુ વડાપ્રધાન મોદી સહિત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં અને વિવિધ દિગ્ગજ નેતાઓએ ટ્વિટ કરીને ઈઝરાયલ પ્રત્યે સમર્થન જાહેર કર્યું હતું અને હમાસ દ્વારા કરાયેલા હુમલાની આકરી ટીકા કરી હતી. ઇઝરાયેલ પ્રમાણમાં નાનો યહૂદી દેશ છે. ઈઝરાયેલની ઉત્તરે લેબનોન, દક્ષિણમાં ઈજીપ્ત, જોર્ડન અને સીરિયા ઈઝરાયેલના પૂર્વમાં સ્થિત છે. જે વેસ્ટ બેંક તરીકે ઓળખાય છે. જ્યારે ઈઝરાયેલના પશ્ચિમ ભાગમાં ખૂબ જ પ્રખ્યાત ‘મેડિટેરેનિયન સી’ આવેલો છે. તેમજ દક્ષિણ પશ્ચિમે ગાઝા સ્ટ્રીપ આવેલી છે. વેસ્ટ બેંક અને ગાઝા સ્ટ્રીપને પેલેસ્ટાઇન તરીકે ઓળખવામાં આવે છે.
સપ્ટેમ્બર 2005માં ઇઝરાયલે ગાઝાપટ્ટીમાંથી તેના સૈન્યને પાછું ખેંચી લીધું. 2007માં ઈઝરાયલે આ વિસ્તાર પર અનેક નિયંત્રણો લાદ્યા હતા. પેલેસ્ટાઈનનું કહેવું છે કે વેસ્ટ બેન્ક અને ગાઝાપટ્ટીમાં સ્વતંત્ર પેલેસ્ટાઈન રાજ્યની સ્થાપના થવી જોઈએ. જોકે અહીં ઇઝરાયેલ દ્વારા વેસ્ટ બેંક, ગાઝાપટ્ટી કે પછી પેલેસ્ટાઇનની અન્ય જમીન પર કબ્જો કરવામાં આવ્યો છે કે નહીં તે મુદ્દો નથી. મુદો છે નાગરિકોના હત્યાકાંડ નો અને હમાસ જેવા આતંકવાદી સંગઠનની આવી હરકત કોઈ કાળે ચલાવી લેવી જોઈએ નહીં એટલે ભારતે ઇઝરાયલનું સમર્થન કર્યું તે ખૂબ જ સારી બાબત છે.