Editorial

ભારતમાં ઝેરી દારૂથી મોતને અટકાવવાનો ઉપાય ઉત્તરથી લઇને દક્ષિણ સુધી કોઇ રાજ્ય પાસે નથી

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 53 લોકોનાં મોત થયા છે. તેમાંથી 24 એક જ ગામના કરુણાપુરમના હતા. ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. 20 જૂનની મોડી સાંજે તમામ મૃતકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈએ પોતાનો પુત્ર ગુમાવ્યો, કોઈએ પિતા ગુમાવ્યો, કોઈએ પોતાનો ભાઈ ગુમાવ્યો તો કોઈએ પોતાના સ્વજનને ગુમાવ્યો. ઝેરી દારૂના કારણે પુત્ર ગુમાવનાર એક મહિલાએ કહ્યું કે પુત્રને પેટમાં અસહ્ય દુખાવો હતો. તે તેની આંખો પણ બરાબર ખોલી શકતો ન હતો.

જ્યારે અમે તેને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેને શરૂઆતમાં દાખલ પણ કરવામાં આવ્યો ન હતો. પુત્ર નશામાં હોવાનું કહેવાયું હતું. અને બાદમાં પુત્રએ જીવ ગુમાવ્યો હતો. મહિલાએ વધુમાં કહ્યું કે સરકારે દારૂની દુકાનો બંધ કરવી જોઈએ. આ ઘટનામાં 100થી વધુ પીડિતોની સારવાર કલ્લાકુરિચી સરકારી મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં ચાલી રહી છે. સરકારે જિલ્લા કલેક્ટર શ્રવણકુમાર જાટવથની બદલી કરી છે. આ સાથે, મુખ્યમંત્રીએ એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન, કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને રજત ચતુર્વેદીને નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લાના અનેક પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, અધિકારીઓની બદલી કે સસ્પેન્ડ કરી દેવા માત્રથી સરકારને સંતોષ મળી જાય છે?

સરકારનું કામ એ છે કે, આવી ઘટનાઓ પર રાજકારણ કરવાના બદલે બીજી વખત નહીં બને તેની કાળજી રાખવાની પરંતુ એવું થતું નથી. જ્યારે પણ લઠ્ઠાકાંડ થાય ત્યારે સરકાર સતર્ક બની જાય છે. અગાઉ અનેક લઠ્ઠાકાંડ થયા ત્યારે પણ વિપક્ષનો વિરોધ અને સરકારની દલીલ તામિલનાડુંના લઠ્ઠાકાંડ જેવી જ હતી અને ભવિષ્યમાં જ્યારે પણ લઠ્ઠાકાંડ થશે ત્યારે વિપક્ષની વિરોધ માટેની અને સરકારની બચાવ માટેની આજ દલીલ હશે. પરંતુ ગંભીર બાબત એ છે કે, એક સાથે અનેક લોકો માનવસર્જીત ભૂલના કારણે મરી જાય તે આપણે ક્યાં સુધી ચલાવી લઇશું અને શા માટે ચલાવી લેવું જોઇએ?

અન્નામલાઈએ શાહને પત્ર લખ્યો, CBI તપાસની માગ કરી કર્ણાટક ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈ દ્વારા કલ્લાકુરિચી ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમણે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે આ ઘટનાની સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. અન્નામલાઈએ પત્રમાં કહ્યું છે કે, મે 2023માં, તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના માર્કક્કનમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં આવી જ એક ઘટનામાં 23 લોકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા 2 વર્ષમાં, ડીએમકે સરકારના બિનઅસરકારક શાસનને કારણે, દારૂના સેવનને કારણે 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ સાથે અન્નામલાઈએ રાજ્યની ડીએમકે સરકાર પર આ ઘટનામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. કહ્યું કે ડીએમકેના લોકો દેશી દારૂ વેચનારાઓ સાથે મિલીભગતમાં છે. પાર્ટીના લોકોના કહેવાથી ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા.

આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેન’ ઉમેરાયું હતું. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને એકસ પર એક પોસ્ટમાં કહ્યું, ’કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં અને દુ:ખી છું.

Most Popular

To Top