Columns

અતૃપ્તિનો કોઇ ઉપાય નહીં

માણસના જીવનમાં કોઇ પણ અતૃપ્તિ હોય તો તેનો કોઇ ઉપાય હોતો નથી. અતૃપ્તિ સમજણ અને વિવેકથી જ સંતોષમાં બદલાય એ જ એનો ખરો ઉપાય. જર્મનીમાં એક રાજા થઇ ગયો. જેનું નામ વ્હીટેલિયસ હતું. એનાં માબાપે એને ખૂબ લાડકોડથી ઉછેરેલો. એને જે જોઇએ તે લાવી આપતા. રાજાશાહીમાં ઉછરેલો આ બાળક મોટો થતાં અત્યંત વિલાસી બની ગયો. વળી, આ રાજાને ખાવાનો ખૂબ શોખ. રોજ અવનવી અનેક વાનગીઓ બનાવડાવતો અને અનેક થાળ ભરીને વિવિધ વાનગીઓ જમવા બેસતો. વાનગીઓનો રસથાળ જોઇને એ ખૂબ હરખાતો. તેની આસપાસ સેવકો ખડેપગે રહેતા અને એ માગે એમ એને પીરસવામાં આવતું. ઘણી વાર તો અમુક વાનગીઓ ખૂટી જતી તો એ ફરી બનાવડાવતો.

ખૂબ ખાધા પછી પણ એને સંતોષ ન થતો. હજુ ખાવું છે એવી ઇચ્છા થયા કરતી. વાનગીઓ વધી હોય તો એ ફરી થોડા કલાક પછી ખાવા બેસી જતો. આમ તેનું આ ખાઉધરાપણું જાણીતું થઇ ગયું હતું. ખાવાની અતૃપ્તિ કે ઇચ્છા સંતોષાતી ન હતી એટલે એણે રાજવૈદ્યને બોલાવી તેનો ઉપાય સૂચવવા કહ્યું. રાજવૈદ્યે કહ્યું, ‘મહારાજ અતૃપ્તિની કોઇ દવા હોતી નથી પણ એટલું થઇ શકે કે હું એક દવા આપું, જેનાથી તમને ઊલટી થઇ જશે એટલે પેટ ખાલી થઇ જાય. જેથી તમે ફરી જમી શકશો.’

રાજા તો ખુશ થઇ ગયો. એણે પેલી દવા શરૂ કરી રોજ દવા લેતો અને ઊલટી થઇ જતી એટલે ફરી ખાવા બેસતો. આમ થોડા દિવસ ચાલ્યું. પછી બીમાર પડયો એટલે પેલા વૈદ્યને બોલાવ્યો. વૈદ્યે કહ્યું, ‘મહારાજ તમે ઊલટી કરી નાખો એટલે એ ખાવાનું પચે નહીં. જેથી તેનો રસ-કસ તમારા શરીરને મળે જ નહીં.  એટલે તમને અશકિત આવી ગઇ. હવે એનો ઉપાય છે કે ઊલટીઓ બંધ કરી ખાવાનું પચવા દો. એટલે તેનો રસ-કસ તમારું શરીર સ્વસ્થ કરી દેશે.’ હવે રાજાને સમજાયું કે શરીર માટે ખાવાનું છે. ખાવા માટે જ આ શરીર નથી. આ સમજણથી એણે તૃપ્તિ અનુભવી. આવું જ આપણા જીવનનું છે. ખૂબ કમાવું, ખૂબ પૈસો કે કોઇ પણ લોભ અતૃપ્તિ સર્જે છે, એનો કોઇ ઉપાય નથી. સિવાય કે સમજણ. સંતોષ એ માનસિક અનુભૂતિ છે, ભૌતિક નહીં એ સમજી લેવું જરૂરી છે.

Most Popular

To Top