સુરત: વેક્સિનેશન (VACCINATION) લીધા વગર જ વેક્સિન લઇ લીધી છે તેવા સર્ટિફિકેટ (CERTIFICATE) મળવાનાં વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. આજે સચિન જીઆઇડીસીના ફાયર સ્ટેશનમાં ચાલતા વેક્સિનેશન સેન્ટર (CENTER)માં વેક્સિનનો ડોઝ-1 અને ડોઝ-2નો જથ્થો નહીં પહોંચતા આ સેન્ટર આજે બંધ રાખવામાં આવ્યું હતું. તેમ છતાં કોવિન પોર્ટલ (COVIN PORTAL) પર રજિસ્ટ્રેશન મેળવી રસી મૂકાવવા આવેલા લોકો નિરાશ થયા હતાં. પરંતુ આ અરસામાં રજિસ્ટ્રેશન કરાવનારને વેક્સિન તો લાગી ન હતી પરંતુ ઓનલાઇન પોર્ટલ પરથી અરજદારોએ વેકિસન લઇ લીધી છે. તેવા ફાઇનલ સર્ટિફિકેટ અરજદારોને ઇ-મેઇલ અને SMS લિંક થકી મળતા અરજદારો ચોંકી ગયા હતા.
તેમણે જીઆઇડીસીના વેક્સિનેશન સેન્ટર ચલાવતા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારી અને ઉદ્યોગકારોને ફરિયાદ કરી હતી. રમેશ આત્મારામ પાટીલ, હંસાબેન પ્રજાપતિ અને ગયાપ્રસાદ ચૌહાણને મંગળવારની એટલે કે 4 મેના રોજ વેક્સિનના બેચ નંબર સાથે વેક્સિન લેવા બદલ સર્ટફિકેટ મોકલી આપવામાં આવ્યા હતાં. આ મામલો સામે આવ્યા પછી સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ 4 અરજદારોના સર્ટિફિકેટ સાથે જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલને જાણ કરી હતી. આ 4 અરજદારો આજે વેક્સિન મૂકાવવા આવ્યા તે પહેલા તેમણે રસી લઇ લીધી છે તેવા સર્ટીફિકેટ મળી ગયા હતાં. નવાઇની વાત એ છે કે અરજદારના આધારકાર્ડ રેફરન્સ આઇડી નંબર વેક્સિનની કંપની અને વેક્સિન આપનાર આરોગ્ય કર્મચારીના નામ સાથેના સર્ટિફિકેટ ઇશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. જેમાં રસીકરણ કેન્દ્રનું સરનામુ પણ લખ્યું હતું.
ચર્ચા એવી ચાલી રહી છે કે કોવિડ પોર્ટલ પર રજિસ્ટ્રેશન પછી આપો આપ સર્ટિફિકેટ જનરેટ થઇ રહ્યાં છે. કોઇ વ્યક્તિ નિર્ધારીત સમયે વેક્સિન મૂકાવવા નહીં પહોંચે તો પણ તેને સર્ટિફિકેટ મળી રહ્યાં છે આ મામલો ગંભીર હોવાથી કલેક્ટરે તપાસ કરાવવાની ખાતરી આપી હતી.