પ્રખ્યાત લેખક સલીમ ખાનને મગજમાં નજીવો રક્તસ્રાવ થતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેઓ ICUમાં સારવાર હેઠળ છે. ડોક્ટરોની નિષ્ણાત ટીમ, જેમાં ન્યુરોલોજિસ્ટ, કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોસર્જન અને ક્રિટિકલ કેર વિશેષજ્ઞોનો તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે. ગઈકાલે આપવામાં આવેલા હેલ્થ અપડેટના હિસાબે શરૂઆતમાં તેમને ડિસ્ચાર્જ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ સ્વાસ્થ્યમાં સંપૂર્ણ સુધારો થાય ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે એમ ડોકટરોએ નિર્ણય લીધો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, અચાનક બ્લડ પ્રેશર વધતા મગજના જમણા ભાગમાં આંતરિક રક્તસ્રાવ થયો હતો. હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને સારવારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની રિકવરી ઉંમરને ધ્યાનમાં લેતાં થોડી ધીમી ગતિએ થઈ રહી છે. હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે કે હવે આગળથી કોઈ સત્તાવાર સ્વાસ્થ્ય અપડેટ જાહેર કરવામાં નહીં આવે, એવો નિર્ણય ખાન ફેમિલીએ લીધો છે. આ કપરા સમયમાં લોકો એમની પ્રાઇવસીનું ધ્યાન રાખે એવી વિનંતી તેમણે લોકો અને મીડિયાને કરી છે.
આ મુશ્કેલ સમયમાં આખો ખાન પરિવાર હોસ્પિટલમાં હાજર છે. તેમના પુત્ર અને અભિનેતા સલમાન ખાન મોડી રાત્રે કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલની બહાર નીકળતા જોવા મળ્યા હતા. તે સમયે તેઓ ખૂબ ભાવુક દેખાતા હતા અને મીડિયાથી કોઈ વાતચીત કર્યા વગર સીધા કારમાં બેસી ગયા હતા. સાથે જ અરબાઝ ખાન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અરબાઝ અને મલાઈકા અરોરાના પુત્ર અરહાન પણ દાદાને મળવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. પરિવારના અન્ય સભ્યો, સલમા, હેલન, અલવીરા ખાન અને અર્પિતા ખાન પણ સતત હોસ્પિટલમાં હાજર રહી તેમની તબિયત અંગે માહિતી લઈ રહ્યા છે. પૌત્ર નિર્વાન અને અરહાન પણ દાદાને મળવા પહોંચ્યા હતા.