ગાંધીનગર,તા.25 ગુજરાત વિધાનસભામાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ઇંધણ અને ગેસના પુરવઠા અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઊભી થયેલી અટકળો વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ઊર્જા મંત્રીએ આપેલી વિગતો નીચે મુજબ છે ગેસ પુરવઠો (CNG/PNG) વૈશ્વિક સ્થિતિ અને વ્યવસ્થા: ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે LNG પુરવઠામાં વિક્ષેપની શક્યતા હોવા છતાં, GSPC પાસે લાંબા ગાળાના કરારો અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પ્રાથમિકતા- કેન્દ્ર સરકારના 9 માર્ચ 2026ના જાહેરનામા મુજબ, ઘરેલું PNG અને વાહન માટેના CNGને ‘પ્રાથમિકતા-1’ માં રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય નાગરિકોને 100% પુરવઠો મળતો રહેશે. નવા જોડાણો અને કેશબેક: છેલ્લા 10 દિવસમાં 12,000 થી વધુ નવા PNG કનેક્શન નોંધાયા છે.
નવા ગ્રાહકોને ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ લિ. દ્વારા ₹500 સુધીનું કેશબેક આપવામાં આવે છે. ઔદ્યોગિક વપરાશ – ઉદ્યોગો માટે ગેસ પુરવઠામાં હાલ મર્યાદિત કાપ મુકાયો છે, પરંતુ નવા કાર્ગો આવતા સ્થિતિ સુધરશે. એલ.પી.જી. (LPG) વ્યવસ્થાપન મોનીટરીંગ – રાજ્યની 1029 ગેસ એજન્સીઓ પર એક રેવન્યુ અને એક પોલીસ કર્મચારીની ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી ગ્રાહકોને સમયસર ગેસ મળી રહે. તપાસ અને ફરિયાદ – અત્યાર સુધીમાં રાજ્ય અને જિલ્લા કક્ષાએ કુલ 2962 તપાસ કરવામાં આવી છે.
ગ્રાહકો માટે હેલ્પલાઇન નંબર 1800-233-0222 શરૂ કરાયો છે, જેના પર 7843 ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. પેટ્રોલ અને ડીઝલની સ્થિતિ વેચાણ પર નિયંત્રણ- ખોટી અફવાઓને કારણે વેચાણમાં 4 થી 5 ગણો વધારો થયો હોવા છતાં પુરવઠો જળવાઈ રહ્યો છે. હાલમાં પેટ્રોલ-ડીઝલ માત્ર વાહનોની ટાંકીમાં જ ભરવા દેવાનો આદેશ છે. ખાસ છૂટછાટ – ખેતી માટે 200 લીટર અને મોબાઈલ ટાવર માટે 1000 લીટર ડીઝલ બેરલમાં લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. કડક કાર્યવાહી – સંગ્રહખોરી કે કૃત્રિમ અછત ઊભી કરનાર વિક્રેતાઓ સામે ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955’ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પટેલે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગભરાઈને ઇંધણનો બિનજરૂરી સંગ્રહ ન કરે કારણ કે રાજ્યમાં પુરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.